મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)Share this

6 replies on “મરવું”

  1. જન્મના ગર્ભમાં મૃત્યુ અને મૃત્યુના ગર્ભમાં જન્મ પેદા થાય છે.આ સત્યને ઉદયનભાઈએ પોતાની શૈલીમા રજૂ કરી છે. તથા જન્મ અને મૃત્યુ વચ્ચે નો સમય જેને આપણે જીવન કહીએ છીએ તેમા અનેક સંબંધો બંધાય છે, પણ બેહોશીમાં જીવતા લોકોના આ સંબંધો દુર્ગંધ મારતાં હોય છે અને મરણોત્તર વીધી સાથે તેનું સમાપન થતું હોય છે. આવજ બેહોશ લોકો કૃષ્ણને પગના અંગૂઠે તીર મારી, સોક્રેટીસને ઝેરની પ્યાલી આપીને કે જીસસને વધસ્તંભ પર ખીલા ઠોકીને મૃત્યુને ઘાટ ઉતારે છે ત્યારે મૃત્યુનુ વરવું રુપ જોવા મળે છે.

  2. જન્મના ગર્ભમાં મૃત્યુ અને મૃત્યુના ગર્ભમાં જન્મ પેદા થાય છે.આ સત્યને ઉદયનભાઈએ પોતાની શૈલીમા રજૂ કરી છે. તથા જન્મ અને મૃત્યુ વચ્ચે નો સમય જેને આપણે જીવન કહીએ છીએ તેમા અનેક સંબંધો બંધાય છે, પણ બેહોશીમાં જીવતા લોકોના આ સંબંધો દુર્ગંધ મારતાં હોય છે અને મરણોત્તર વીધી સાથે તેનું સમાપન થતું હોય છે. આવજ બેહોશ લોકો કૃષ્ણને પગના અંગૂઠે તીર મારી, સોક્રેટીસને ઝેરની પ્યાલી આપીને કે જીસસને વધસ્તંભ પર ખીલા ઠોકીને મૃત્યુને ઘાટ ઉતારે છે ત્યારે મૃત્યુનુ વરવું રુપ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.