વણજારા

ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા !

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા !

.

કયા પડાવનો પીડે અભાવ, વણજારા !

હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા !

.

કયા તે વણજારાને કરવી રાવ, વણજારા !

દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા !

.

ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ?

બન્યો શું અંજળીઓમાં બનાવ, વણજારા ?

.

રહે ન સાંઢણી… ન રાવટી… ન તું કે હું…

દઈ તે આખરી કરપીણ ઘાવ, વણજારા !

.

ન મેંય શંખલાં આ પ્રાણમાં પરોવ્યાં હોત

ન હોત તારીમારી વચ્ચે વાવ, વણજારા !

.

( લલિત ત્રિવેદી )

3 thoughts on “વણજારા

 1. ડૉ.લલિત ત્રિવેદી મારા અંતરંગ મિત્ર રહ્યા છે,ઘણું શિખવ્યું છે એમની ગઝલોએ.
  એમની ગઝલોમાં આધ્યાત્મની અસર અને ગૂઢભાવ અભિવ્યક્ત થતો રહ્યો છે.
  પ્રસ્તુત ગઝલ પણ એ માંહેની એક લેખી શકાય એ દરજ્જાની ઉંચાઇ લઈને આવી છે.
  અભિનંદન.

 2. પહેલા ત્રણેય શેર ખૂબ જાનદાર. મઝા પડી ગઈ
  કયા પડાવનો પીડે અભાવ વણજારા
  હજી છે કેટલાં બાકી તળાવ વણજારા
  – કોઈ એક પડાવે અટકી જવું વણજારાને ક્યાંથી ગમે? અને અટકી જાય તો એ વણજારો ન કહેવાય. આ વણજારાને આત્માનું રૂપક ગણી લઈએ તો…(?)।

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.