એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ?
આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ?
.
જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?
શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ?
.
ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં
પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ?
.
આવી પહોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી
કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?
.
બહુરૂપી છે જિંદગી: ઝીંકાઈને એ ધણ થશે
પીલવાને એ તરત ધાણી થશે, કોને ખબર ?
.
કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને
એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?
.
પાથરી બિસ્તર કબરનો શી રીતે સૂવું,-કહે ?
કે સલાહે, મિત્ર, સૂફિયાણી થશે, કોને ખબર ?
.
અવનવીન અર્થો લઈ સરતો સમય સંસારમાં
તે છતાં આ વિશ્વ જૂનવાણી થશે, કોને ખબર ?
.
સાચવી લો ઓસના ટીપાંનો ઈશ્વર આંખમાં
જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?
.
( હરીશ મીનાશ્રુ )
કોને ખબર જેવો ભરપૂર અને શક્યતાઓથી છલકતો રદિફ લઈ કવિએ સરસ અભિવ્યક્તિ વહાવી છે અહીં…
કથરોટ કાણી થવાની વાત ગમી ગઈ.
અભિનંદન.
વાહ વાહ … સુંદર ગઝલ. એમાંય છેલ્લા બે શેર તો બહોત ખુબ …