આઠે પ્રહર રહે

બેચાર પગથિયાંની અગર ચઢ-ઊતર રહે,

પ્રત્યેક મુલાકાત સહજ ને સભર રહે.

.

શબ્દો સ્વયમ છે બ્રહ્મ હમેશાં ખબર રહે,

વાણી શું મૌનમાંય તે ધારી અસર રહે.

.

આ શું કે તું સદાય ઉપર ને ઉપર રહે,

આ શું કે અમારોય સદા ઊંચો સ્વર રહે.

.

એ પણ ખરું એ કોઈ વગર ચાલતું નથી,

આ પણ ખરું એકાન્ત આ સાલ્યા વગર રહે.

.

અત્તરને છાંટવાના અભરખાઓ મૂક મન,

કર એવું તું જ ખુશ્બુ બને તરબતર રહે.

.

મિસ્કીન હું જ ઝોકે ચઢી જાઉં છું નહીંતર,

એનું સ્મરણ, એ સ્પર્શ તો આઠે પ્રહર રહે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

જે ઊંઘે છે

જે ઊંઘે છે એને ઊંઘવા દો.

એ સુખી છે.

.

જે જાગે છે એને જાગવા દો.

એને જાગવું છે.

.

જે ભોગવી લીધું એને ભૂલી જાઓ..

એ નથી.

.

જે દુ:ખે છે એને દુ:ખવા દો.

એને પાકવું છે.

.

જે જાય છે એને જવા દો.

એને જવું છે.

.

જે આવે છે એને આવવા દો.

એ આપણું છે.

.

જે રહ્યું છે તે રહેશે.

એને પામવું છે.

.

જે નષ્ટ થાય એને નષ્ટ થવા દો.

એ સપનું છે.

.

( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : હિના એન. સોની )

એક અનોખો દિવસ

આજે આખો દિવસ

બહાર ફરતો રહ્યો,

છતાં કોઈ દુર્ઘટના ના ઘટી.

આજે આખો દિવસ

લોકોને મળતો રહ્યો,

છતાં ક્યાંય

અપમાનિત ન થયો.

આજે આખો દિવસ

સાચું બોલતો રહ્યો,

છતાં કોઈને

ખરાબ ન લાગ્યું.

આજે બધા પર

વિશ્વાસ મૂક્યો,

છતાંય ક્યાંય

ન છેતરાયો,

અને સૌથી મોટો

ચમત્કાર તો એ

કે ઘરે પાછા આવીને મેં

કોઈ બીજાને નહીં,

પોતાને જ પાછો આવેલો જોયો.

.

( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : હિના એન. સોની )

નફરત

આ દિવસોમાં હું

કોઈ અજબ મુશ્કેલીમાં છું

મારી ચિક્કાર નફરત કરી શકવાની તાકાત

દિન-પ્રતિદિન ક્ષીણ થતી જાય છે.

અંગ્રેજો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું

તો શેક્સપિયર આડે આવે છે

જેણે મારા પર ન જાણે

કેટલાય ઉપકાર કર્યા છે

મુસલમાનો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું

તો સામે ગાલિબ આવીને ઊભા રહી જાય છે

હવે તમે જ કહો –

એની સામે કોનું ચાલે ?

શીખો પ્રત્યે નફરત કરવા ચાહું છું

તો ગુરુ નાનક આંખોમાં છવાઈ જાય છે

અને મારું માથું આપમેળે ઝૂકી જાય છે

અને આ કંબન, ત્યાગરાજ, મુટ્ટુસ્વામી…

કેટલુંય સમજાવું છું હું મને પોતાને

કે આ બધા મારા નથી

એ તો ઠેઠ છે દૂર દક્ષિણના

પણ કેમે કર્યું મન માનતું નથી

એમને સ્વીકાર્યા વિના

પ્રત્યેક સમયે પાગલની જેમ

ભટકતો રહું છું

કે કોઈ એવો મળી જાય

જેનો ચિક્કાર ધિક્કાર કરીને

મારા જીવને હળવો કરી શકું

પણ કોઈ ને કોઈ, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક

એવા મળી જાય છે

જેમને પ્રેમ કર્યા વિના રહી નથી શકતો.

.

( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : સુરેશ દલાલ )

ઢળતી જતી સાંજે

પ્રભાસ પાટણ

‘ઈઝીચેર’માં

શરીર લંબાવીને

પડેલા કૃષ્ણ,

નેસકોફીના ઘૂંટડામાં ટીપે ટીપે

ઓગળતી જતી સાંજને

માણી શકવાની

હાલતમાં નથી…

હજી સવારે જ અર્જુનનો

ટેલિગ્રામ આવ્યો છે :

ગીતાનું મેટર ડિઝાઈનીંગ, પ્રુફરીડિંગ

બધું હેમખેમ પતી ગયું છે

ત્યારે હવે પબ્લિકેશન માટે

ઈન્વેસ્ટ કરનારો કોઈ આર્યપુત્ર,

હોન્ડા પર હસ્તિનાપુર આખું

ખૂંદી વળવા છતાં ય મળતો નથી…

કૃષ્ણ સખત ડિપ્રેશનમાં છે.

સાલી, સોનાની દ્વારકા જો દરિયામાં

ના ડૂબાડી દીધી હોત… તો?

તો તો આજે આ હાલત…!!

સામે ટીવીના સ્ક્રીન પર બાળકના

ગળામાં ચમચીએ ચમચીએ

ઉતારાતી ન્યુટ્રામુલની જાહેરખબર

જોઈને એમને શૈશવના મહી-માખણની

બધી મટકીઓ એક સાથે

ફોડી નાંખવાનું પ્રબળ જોશ થઈ આવે છે

પણ માળો ઉશ્કેરાટ પોસાતો નથી

છેલ્લાં બે વર્ષથી, જ્યારથી

હાઈ બી.પી.એ યાદવ શ્રેષ્ઠને આલિંગ્યા છે.

ક્યાંકથી વહી આવતાં

’યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ના

બેક-મ્યુઝીકમાં પોતાની વાંસળીને

ભૂકેભૂકો થઈને વેરાઈ જતી

નિ:સહાયપણે જોયા કરવી પડે છે

મુરલી-મનોહરને…

આખરે થાકી-ત્રાસી-હારીને, પોતાની

આંગળીઓમાંથી એશ-ટ્રે ઉપર

ઝળૂંબતી ‘ડન-હીલ’માંથી ખરતી

રાખમાં ક્રિશ્નાઝમની કયામત

અને ઉપર ઉઠતી-ઘૂમરાતી ધૂમ્રસેરોમાં

ભરતવર્ષની ભડકે જતી

ચિંતાનું વિષપાન કર્યા કરે છે, કૃષ્ણ-

ઢળતી જતી સાંજે…

.

(જયંત દેસાઈ)

દાનમાં દીધાં

ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં

જા તને સંભારણાંઓ દાનમાં દીધાં

.

વાયરાએ પાનખરની હાક પાડી તો

ડાળખીએ પાંદડાંઓ દાનમાં દીધાં

.

કમનસીબી એટલે શું ? એમ પૂછ્યું ત્યાં;

એમણે આ ઝાંઝવાંઓ દાનમાં દીધાં

.

બીજું તો પાસે હતું શું આપવા જેવું

દીકરીએ ડૂસકાંઓ દાનમાં દીધાં

.

જ્યાં જ્યાં મારી વેદના પહોંચી હતી ત્યાં ત્યાં

મેં ગઝલના દીવડાઓ દાનમાં દીધાં

.

( દિનેશ કાનાણી )

રોકા જરી

ક્યાં જશે આ પ્રાણ અન્તરિયાળ કે રોકા જરી,

લાગણીઓ પર મુકાશે આળ કે રોકા જરી.

.

કોણ લે તારા વગર સમ્ભાળ કે રોકા જરી,

દુ:ખ હજુ છે સાવ ન્હાનું બાળ કે રોકા જરી.

.

કેટલો ચાલે છે કપરો કાળ કે રોકા જરી,

તું થકી છે પંડની કૈં ભાળ કે રોકા જરી.

.

‘આવજે ‘કહેતાં પડે છે ફાળ કે રોકા જરી,

આ ક્ષણો છે પારધીની જાળ કે રોકા જરી.

.

નીકળી જાજે પરોઢે સાવ ઠંડે વાયરે,

છે દસે દિશામાં ઊઠી ઝાળ કે રોકા જરી.

.

શક્ય છે કે કાલ પસ્તાવો જ કરવાનો રહે,

આજનું એકાન્ત છે વિકરાળ કે રોકા જરી.

.

કે ફરીથી કઈ રીતે ને ક્યાં હશે મળવું લખ્યું?

ખૂબ ઝડપી છે જીવન-ઘટમાળ કે રોકા જરી.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

હાથમાં બરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

એકદંડિયા મહેલની વચ્ચે હેડકી હકડેઠઠ દીધી છે

ગરમાળા નીચે બેસીને ચાંદનીને ગટગટ પીધી છે

.

રૂંવાંમાં મલ્હાર સીંચીને દીપક ચારે તરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

ચકરડીનું શિલ્પ થઈને ઊભવું પામ્યા ચોકની વચ્ચે

ટહુકા થઈ ગ્યા તીરકામઠાં વહોરવા જાતા લોકની વચ્ચે

.

સૂણે ન એવો સનમ દીધો છે સાથે ઊના હરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

( સંદીપ ભાટિયા )

રે અલ્લાલાબેલી

ઓરમોર ચારેકોર ઊછળે છે દરિયાનો વૈભવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

ડગમગ નવના ફોતરે જંગ જીવતરના જીતવા અલ્લાલાબેલી,

ભીતરમાં કોણ આ કોતરે પ્રસંગ કળતરના મિતવા અલ્લાલાબેલી.

જળ ચોપાસ પણ દિલમાં લાગે દવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

આભ હો વાદળીયા પણ મનમાં ખાલીપાના આભાસ અલ્લાલાબેલી,

ગાભ હો વીજળીયા પળભરમાં માલીપાના અજવાસ અલ્લાલાબેલી.

ગાજવીજ ગોરંભાયા તાંડવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

હારેલાં હલ્લેસે શ્વાસનાં પંખી સૂસવાતા સઢમાં અલ્લાલાબેલી,

થાકેલા ઉલ્લાસે યાદના સંગી ઘૂમરાતા ગઢમાં અલ્લાલાબેલી.

ઘૂઘવાતા પવનમાં કોના રવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે રહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

( અવિનાશ પારેખ )

ઝૂંપડપટ્ટીના સોકરાનું ગીત

મા મને ચોંદો આલ કે ચોંદામાં પોણી સે,

લોકો બધાયે કે’સ કે ચોંદામાં પોણી સે.

પેલા સાપાવાળા સાપે’સ કે ચોંદામાં પોણી સે.

એ તો રાજી થઈ નાચે’સ કે ચોંદામાં પોણી સે.

આખી રાત્ય તરહે મર્યો

ન મોઢું સુકાણું સેક;

પાણી વ્હેતું શેઠ ઘેર,

એની ભરઈ ગઈ છે નેક.

ખોટા ટેન્કરના વાયદા કરે’સ કે ચોંદામાં પોણી સે…

સાત દન નાયે થયા,

ન શરીર ગંધ મારે’સ

સામડીએ ચાઠાં પડ્યાં

ન ભૂતડાનું માલેસ કરે’સ

હું તો ખજવાળી લોઈ કાઢે’સ કે ચોંદામાં પોણી સે…

પન્નર દન ધોયે થયાં,

કપડાં કાળાં મેસ;

કૉંમ કોઈ આલે નહિ

હડ હડ લોક કરે’સ

અરે, તગડી મને મેલે’સ કે ચોંદામાં પોણી સે…

ટેન્કર આજ આયુ નઈ,

ન તરસ્યો હું મરે’સ;

રૂપિયાનું પાઉચ અલાય,

અર્ધે પછીત ધોએ’સ

અને અરધું લે’રથી પે’શ કે ચોંદામાં પોણી સે.

મને લઈ જા મા, ચોંદાને દેશ કે ચોંદામાં પોણી સે.

.

( મહેશ દવે )