મૃત્યુ : એક કારકુનનું

[ગઈ કાલે વાયા જય વસાવડા એ સમાચાર મળ્યા કે “ગુજરાતીના ઉમદા કવિ, ‘ડાર્ક & ઇન્ટેન્સ’ રચનાઓના સર્જક વિપિન પરીખ(૮૦)નું નિધન થયું છે. એમની ચોટદાર મર્મવેધક રચનાઓનો વારસો જ હવે જીવંત રહેશે”. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે.  મોટી વાત પણ સાદી સીધી ભાષામાં લખવાની એમની  શૈલી મને પ્રિય હતી. કવિ અને તેની કવિતા કદી મરતી નથી. વિપિન પરીખ અક્ષરદેહે સદાયે જીવંત રહેશે.  વિપિનભાઈને એમના જ એક કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ.]

હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે

એવું અભિમાન હવે નથી રહ્યું.

એક દિવસ

દુનિયાની કાયાપલટ કરવાની

હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી

દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ છે.

જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ

૧૦૧ નંબરની બસમાં

મારી બેઠક ખાલી નહીં રહે.

ઓફિસમાં

ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે

ટાંપીને બેઠેલો ક્લાર્ક

સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે.

કહેશે : મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા.

પણ ભલા, એક ક્લાર્ક ખાતર

ઓફિસ બંધ થોડી જ રાખી શકાય છે ?

બપોરે ટી ટાઈમમાં

ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે.

હું નહીં હોઉં

ને

રજિસ્ટરમાંથી એ મારું નામ કાઢી નાખશે.

.

( વિપિન પરીખ )

.

વિપિન પરીખની મારી સાઈટ પર પોસ્ટ થયેલ અન્ય કવિતાઓ…

હાથમાં નથી

એક ચિત્ર

તલાશ

ફૂલ

અર્થશાસ્ત્ર

.

3 thoughts on “મૃત્યુ : એક કારકુનનું

  1. વિપિન પરીખ મારો પણ ગમતો કવિ. કવિને કે કવિતાને ક્યારેય મૃત્યુ હોતું નથી. સામાન્ય માણસની વાત સાદી ભાષામાં અસામાન્ય રીતે કહેવાની વિપિનભાઈની બાની નિરાળી હતી.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.