વાત બસ રહી-હરકિસન જોષી

યાત્રા જીવનની એટલે આવી સરસ રહી,

તારા મિલનની દિલને બરાબર તરસ રહી.

.

એને વિતાવવાનું પણ ભારે થઈ પડ્યું,

દુ:ખની ઘડીઓ આમ તો બેપાંચ દસ રહી.

.

તો પણ જુઓને કેટલા તરસ્યા જતા રહ્યા,

વરસાદ સાથે વાઝડી વરસોવરસ રહી.

.

સૌને નિમિત્ત રાખી તમે સાચવ્યો મને,

જીવી જવાયું આમ બસ આભારવશ રહી.

.

અસ્તિત્વ સાથે વિશ્વ સમેટાઈ ગયું લ્યો,

હોવું અહીં તો આખરે એક વાત બસ રહી.

.

( હરકિસન જોષી )

કારણ એક જ

રોજ ઊઠીને એ જ ફરીથી દળવાનું

મળવાનું, છુટ્ટા પડવાનું, મળવાનું

.

સુખ નામે એક સ્વપ્ન ગલોફામાં રાખી

ધીરે ધીરે એને ખૂબ ચગળવાનું

.

એક તણખલું છું, કેવળ ક્યાં મેરું છું ?

ગમે તેમ ને ગમે તેટલું ચળવાનું

.

કાળ કરી દે બંધ આપણી મુઠ્ઠીઓ

શું ભીતર છે એ ય આપણે કળવાનું

.

બીજ ઉપાડ્યો છે સ્મરણોની પૃથ્વીનો

કારણ એક જ પીઠ અમારી વળવાનું.

.

( ઉર્વીશ વસાવડા )

અનુસંધાન પામેલા અમે !-કરસનદાસ લુહાર

કંઠમાં કાળી તરસનું ગાન પામેલા અમે,

કંટકોના હારનું સન્માન પામેલા અમે !

.

જન્મના ઝભલાની સાથોસાથ પહેરેલું કફન;

અવતરણ સાથે જ બસ અવસાન પામેલા અમે !

.

પર્ણની મર્મર કે પંખીના ટહુકા માણવા –

સાવ ડઠ્ઠર, પથ્થરોના કાન પામેલા અમે !

.

જિંદગીની જર્જરિત ઝોળીમાં સુખદ શ્વાસનું –

કોઈ કંજૂસની કનેથી દાન પામેલા અમે !

.

કે વસંતી વાયરે છોડી અધૂરી વારતા –

પતઝરી લૂમાં અનુસંધાન પામેલા અમે !

.

( કરસનદાસ લુહાર )

ભરોસો શું ?-યોસેફ મેકવાન

ભડકો કરે એ જ્યોતનો ભરોસો શું ?

આવે ગમે ત્યાં, મોતનો ભરોસો શું ?

.

પાસે હંમેશા આઈકાર્ડ રાખું છું !

આ શહેર છે, શહેરનો ભરોસો શું ?

.

ચાટી રહે એકાંતમાં અડધાં થૈ થૈ –

પણ લોકવચાળે એમનો ભરોસો શું ?

.

ભેળા મળીને પીઠ થાબડતા પરસ્પરની

મોટાઈના આ વહેમનો ભરોસો શું ?

.

કોણે કહ્યું આ બધું બદલાઈ ચાલ્યું ?

અંદરથી છે એ જ ! બહારનો ભરોસો શું ?

.

( યોસેફ મેકવાન )

માણસ-નીતિન વડગામા

ગ્રહણ કરે છે ગમતું

પડતો ને આખતો માણસ ક્યાં મૂકે છે નમતું !

.

બંધ આંખથી રોજ દેખવું હોય એટલું દેખે,

ખુલ્લી આંખે દેખાતી દુનિયાને કદી ઉવેખે !

સમય સાચવી એક રમકડું કેવું રમતું-જમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

બેઠો બેઠો ખાય બગાસું, ઝંખે તોય પતાસું,

ફોગટ આશા ફળે નહિ તો મન થઈ જતું ત્રાંસુ,

સૂરજ ઊગે, અને રૂપાળું સપનું તો આથમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

( નીતિન વડગામા )

મંઝિલ અને રસ્તો (બે કાવ્યો)-જયંત દેસાઈ

(૧)

રસ્તો-

મંઝિલ

અને

આપણી વચ્ચે

ફેલાઈને

પડેલો ભ્રમ !!?

.

(૨)

આપણે-

કેટલીક એવી

દયનીય

હસ્તિઓ

જે મંઝિલ

સુધીના

રસ્તાઓમાંથી

કોઈ એક પર

ચાલવાનું

શરૂ કરી દેવાને

બદલે

જીંદગી વેડફી

દઈએ છીએ

’શોર્ટકટ’

શોધવાની

મથામણમાં !!

.

(જયંત દેસાઈ)

અકબંધ રહેવા દે

સ્મરણને છોડ, તું ઈતિહાસને અકબંધ રહેવા દે;

થવાનું શુભ છે એ આભાસને અકબંધ રહેવા દે.

.

સૂરજ ને આગિયાની શક્યતા સાથે ઊભી કર તું,

પરસ્પરના વિરોધાભાસને અકબંધ રહેવા દે.

.

મળી આંખો, કરી વાતો; તો એની દિવ્યતા જાળવ;

કૂણા, કુમળા, ત્વચાના ઘાસને અકબંધ રહેવા દે.

.

ન શામિલ થા, નિહાળ્યા કર તું એને ઠાવકાઈથી;

ચિરંતન ચાલતા આ રાસને અકબંધ રહેવા દે.

.

ન એને યાદ કર રોજિંદી બાબત હોય એ રીતે;

ઉદાસીના એ અવસર ખાસને અકબંધ રહેવા દે.

.

( શોભિત દેસાઈ )

કોમળ તડકો

રે, અમને કોમળ તડકે ઘેર્યા;

સૂની વાટમાં, સખી અમે તો

સૂરજમુખી શાં લ્હેર્યા !

.

ઝરમર વરસે, અટકે, વરસે

શ્રાવણ ખાતો પોરાં;

માંડ માંડ ભીંજાયું ત્યાં તો

તડકા કરશે કોરાં !

.

તડકામાં તરબોળ સકળ,

પીતવર્ણા જામા પહેર્યા !

રે, અમને કોમળ તડકે ઘેર્યા.

.

આ પા ઘર, પેલી પા ખેતર,

અંતરિયાળી લીલાં;

પતંગિયા શો તડકો પાડે,

ભીની હવામાં ચીલાં.

.

તડકાની સંગાથે યાદના

શ્રાવણ કૈં ખંખેર્યા;

રે, અમને કોમળ તડકે ઘેર્યા.

.

( ગિરીશ ભટ્ટ )

હોય તોય શું ?

લાચાર માનવીને અછત હોય તોય શું ?

ઉપયોગમાં ન આવે, બચત હોય તોય શું ?

.

ઈશ્વરનું હોવું મારે કદી પણ ફળ્યું નથી,

મારી સમજ ધરાર અસત હોય તોય શું ?

.

સચ્ચાઈ મારી પાસે પુરાવા વિનાની છે,

તારીખ, વાર સાથે વિગત હોય તોય શું ?

.

ચાહે ગમે તે રૂપે, એ શરણાગતિ જ છે,

હાર્યા પછીયે મારી શરત હોય તોય શું ?

.

ચૂકી ગયો દિશા ને ભટકવાનું માત્ર છે,

રસ્તો હવે પછીનો સખત હોય તોય શું ?

.

ખામોશ થઈ ગયેલો પરિચિત અવાજ છું,

કોઈને આજે મારી ખપત હોય તોય શું ?

.

‘નાશાદ’ મારી રીતે હું સાચો રહ્યો છું પણ,

કોઈને મન એ ખોટી મમત હોય તોય શું ?

.

( ગુલામ અબ્બાસ ‘નાશાદ’ )

ઢાઈ અક્ષર પ્રેમના

સર્વ સગપણમાં સમાયા ઢાઈ અક્ષર પ્રેમના,

તે છતાંયે ક્યાં કળાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

છે સતત વસ્ત્રો વણ્યા કરવાની આદત આપણી,

પણ કદી એમાં વણાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

જે સહજ ભાવે મીરાં થૈ ઝેરપ્યાલી પી ગયા,

કૃષ્ણરૂપે પણ પમાયા ઢાઈ અક્ષર પ્રેમના.

.

છે તફાવત એ જ તો વામન અને વિરાટનો

ક્યાં કદી માપી શકાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

તું નથી સમજી શક્યો બસ આ સરળ શી વાતને,

તેં નહીં, એણે બનાવ્યા ઢાઈ અક્ષર પ્રેમના !

.

( હર્ષ બ્રહ્મભટ્ટ )