અડધો હું કાગડો ને અડધો હું હંસ છું

અડધો હું કાનજી અડધો હું કંસ છું

.

ઊગ્યો છું આભલે કૈં અજવાળાં વાવવા

અડધો ચાંદલિયો ને અડધો અવતંસ છું

.

ભીનો ભીતર બહારે કોરો ધાકોર છું

અડધો વરસાદ અડધો છપ્પનિયો દંશ છું

.

અડધો છું રાજવી અડધો અવધૂત છું

બ્રહ્માંડો સર્જનારો પંડે નિર્વંશ છું

.

અડધો શયતાન અડધો અલ્લાનો દૂત છું

અડધો સંસ્કૃત છું અડધો અપભ્રંશ છું

.

અડધો શામળશા ને અડધો નરસિંહ છું

તુલસી સૂરદાસ અડધો મીરાંનો અંશ છું

.

પૂરણને પામવાનાં ફાંફાં શાં મારવાં ?

અડધો તો અડધો પણ હું તારો તો વંશ છું !

.

( કેશુભાઈ દેસાઈ )

8 Comments

  1. સત્ય વચન. આપણી અંદર રામ અને રાવણ બન્ને સાથે સાથે જીવે છે. ક્યારેક રામ તો ક્યારેક રાવણ મન ઉપર છવાઈ જાય છે. આપણુ સાચુ સ્વરુપ શું છે તે આપણે જાણી શકતા નથી. અહીં કવિએ એ વાતને સુંદર રીતે કાવ્યાત્મક ઢંગે રજુ કરી છે.

  2. સત્ય વચન. આપણી અંદર રામ અને રાવણ બન્ને સાથે સાથે જીવે છે. ક્યારેક રામ તો ક્યારેક રાવણ મન ઉપર છવાઈ જાય છે. આપણુ સાચુ સ્વરુપ શું છે તે આપણે જાણી શકતા નથી. અહીં કવિએ એ વાતને સુંદર રીતે કાવ્યાત્મક ઢંગે રજુ કરી છે.

  3. ઈતિહાસમા તો સદા રામનો વિજય થાય છે. પણ વાસ્તવિકતામાં કદાચ તેનાથી ઉલટું વધુ જોવા મળે છે.

  4. ઈતિહાસમા તો સદા રામનો વિજય થાય છે. પણ વાસ્તવિકતામાં કદાચ તેનાથી ઉલટું વધુ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *