પડછાયા ને પડઘા વચ્ચે ઊભા છીએ
સમીસાંજના તડકા વચ્ચે ઊભા છીએ
.
શેષ બચેલા ધબકારાનો પીછો પકડી
રાતદિવસની ઘટના વચ્ચે ઊભા છીએ
.
જળથી ઝીણા તળથી ઊંડા તરંગ લઈને
નદી તીરના નકશા વચ્ચે ઊભા છીએ
.
થાક ભલેને ફૂલેફાલે પગના તળિયે
રસ્તો છોડી પગલાં વચ્ચે ઊભા છીએ
.
કોઈ પગેરું કદાચ મળશે કાલ સવારે
આજે સોલિડ અફવા વચ્ચે ઊભા છીએ
.
( સોલિડ મહેતા )
કવિતા વાંચી ને તો થાય કે સોલીડભાઈ ને કહીએ કે, “ભાઈ ઉભા ઉભા થાકી જશો, ભલે તમારા પગ ગમે તેવા સોલીડ હોય. જરા હેઠા બેસો ને અહીં છાંયડે પોરો ખાવ.” પણ એમ નથી. સોલીડભાઈ સોલીડ શબ્દોમાં ગીત ગાઈ ને આપણી મનોસ્થિતિ પર કટાક્ષ કરે છે કે ભાઈ થોડા ઘણા ધબકારા હવે વધ્યા છે અને તમે ઉભા ઉભા નકશાઓ જ જોયા કરો છો, જીવન વહી રહ્યું છે તેજ ગતી થી તો હવે ચાલશો ક્યારે? ખરે એમ જ હોય છે. આપણે ધર્મગ્રંથો કે ધર્મગુરુઓએ બનાવેલા નકશાઓ જોવામા અને તેનો અભ્યાસ કરવામાં જ જીવન વિતાવી નાંખીએ છીએ અને ક્યારેય એક કદમ પણ ચાલતા નથી.