છીપલાનું ગીત – સૌમ્ય જોશી

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,

મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,

ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઊગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,

દરિયો બનીને મારે આપવો છે એકવાર છીપલીને આછો સંગાથ.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

દરિયાનેય કો’ક વાર છીપલાને સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.

ભરતીને હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે

મારા બે હોઠમાંથી ઓસરશે નીર,

ને દરિયાની ઓટમાંથી ખૂલશે પ્રભાત,

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

આવે કિનારે જે પાણીની છાલક એ છાલકને દરિયો કહેવાય નઈ,

સાચુકલા દરિયાનું દૂર ક્યાંક ઘૂઘવવું છીપલાથી કાંઠો સહેવાય નઈ,

એકે જગાએ પૂરો મળે નઈ,

દરિયાનાં સરનામાં સાત.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

આથમતાં અંધારે દરિયો છોડીને મને

ઊગેલા સૂરજમાં તરશે

કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી

ઘુઘવાટ વાગોળ્યા કરશે

મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.

હું તો દરિયાને ચાહવાનું…

.

( સૌમ્ય જોશી )

પાણીને – ખલીલ ધનતેજવી

વાયરો જ્યાં અડે છે પાણીને,

કેવી મસ્તી ચડે છે પાણીને.

.

રોજ ફૂટે છે કૈંક પરપોટા,

ક્યાં કશો ઘા પડે છે પાણીને.

.

આમ નહિતર વમળ ન હોય કદી,

પાણી પોતે નડે છે પાણીને.

.

ગર્મ રેતીમાં શોષવાઈ જતાં,

ક્યાં તરસ આભડે છે પાણીને.

.

જાતમાં ભૂસ્કો મારવા માટે,

ધોધ થાવું પડે છે પાણીને.

.

પાણી, પાણીને મળશે દરિયામાં,

ક્યાં કદી રણ જડે છે પાણીને.

.

આભમાં જઈને ભોંય પર પડવું,

શી રીતે પરવડે છે પાણીને.

.

આંખને ભીંજવે અમસ્તી પણ,

એ રમત આવડે છે પાણીને.

.

( ખલીલ ધનતેજવી )