છીપલાનું ગીત – સૌમ્ય જોશી

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,

મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,

ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઊગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,

દરિયો બનીને મારે આપવો છે એકવાર છીપલીને આછો સંગાથ.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

દરિયાનેય કો’ક વાર છીપલાને સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.

ભરતીને હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે

મારા બે હોઠમાંથી ઓસરશે નીર,

ને દરિયાની ઓટમાંથી ખૂલશે પ્રભાત,

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

આવે કિનારે જે પાણીની છાલક એ છાલકને દરિયો કહેવાય નઈ,

સાચુકલા દરિયાનું દૂર ક્યાંક ઘૂઘવવું છીપલાથી કાંઠો સહેવાય નઈ,

એકે જગાએ પૂરો મળે નઈ,

દરિયાનાં સરનામાં સાત.

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

.

આથમતાં અંધારે દરિયો છોડીને મને

ઊગેલા સૂરજમાં તરશે

કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી

ઘુઘવાટ વાગોળ્યા કરશે

મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.

હું તો દરિયાને ચાહવાનું…

.

( સૌમ્ય જોશી )

2 Comments

  1. અભિપ્સા અને આશા..જેટ્લી વિશાળ, એટ્લો દરિયો મોટો..ગહનતા અને વિશાલતાને પોતિકુ કરી લેવાની છીપલાનિ આવડત મા તેની લાઘવતા ઓગળી જાય છે.વાહ સૌમ્યજી.

  2. અભિપ્સા અને આશા..જેટ્લી વિશાળ, એટ્લો દરિયો મોટો..ગહનતા અને વિશાલતાને પોતિકુ કરી લેવાની છીપલાનિ આવડત મા તેની લાઘવતા ઓગળી જાય છે.વાહ સૌમ્યજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *