ચોમાસું – મુકેશ જોષી

બારીની બહાર ચાંદીની ઘૂઘરીઓ જેવો વરસાદ

દીવાલોની ભીતર ટી.વી.માંથી

રંગબેરંગી દ્રશ્યોનાં ઝાપટાં

ને હું જોયા કરું છું શૂન્યમનસ્ક

.

પવનના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીઓ

મારી ત્વચા વાંચે છે

પણ મારાં રૂંવાડાઓ સાવ બુદ્ધુ છે

.

છાપરા ઉપર ટપટપ ટપકતું સંગીત

મનને હીંચકા ખવડાવી શકે

પણ કાનને ટેવ જ નથી, વરસાદના વાજિંત્રો સાંભળવાની

.

જીભ ઉપર વરસાદનું ટીપું મૂકવાથી

આખા શરીરમાં ધીમે ધીમે રોમાંચ ફેલાઈ જાય

પણ જીભને વરસાદમાં ગેબનો પરસાદ પરખાતો જ નથી

.

હું મારી અભણ ઈન્દ્રિયોથી

માત્ર કેટલા ઈંચ વરસાદ શહેરમાં પડ્યો

એના સમાચાર ટી.વી.માં જોયા કરું છું

.

સામેની ઝૂંપડીમાં

થોડું થોડું પાણી ભરાવા લાગ્યું છે

એની ચિંતા વગર એક વૃદ્ધ

બેચાર બાળકોની સાથે ગીત ગાય છે :

ક્યાં છે ઊની રોટલી, ક્યાં છે ઊનું શાક

તો પણ તું મહેમાન છે, આવ રે વરસાદ

.

( મુકેશ જોષી )

5 thoughts on “ચોમાસું – મુકેશ જોષી

  1. વાહ, ક્યાં છે ઊની રોટલી, ક્યાં છે ઊનું શાક… તો પણ તું મહેમાન છે…. વાહ

    Like

  2. વાહ, ક્યાં છે ઊની રોટલી, ક્યાં છે ઊનું શાક… તો પણ તું મહેમાન છે…. વાહ

    Like

Leave a comment