જોતો રહ્યો – કાબિલ ડેડાણવી

એમ આખી જિંદગી તમને સતત જોતો રહ્યો.

રોજ જાણે કે નવી કોઈ વિગત જોતો રહ્યો.

.

કંઈક સૈકાઓ અહીં વીતી ગયા છે એ છતાં,

એક ઈશ્વરનેય આ માનવ ગલત જોતો રહ્યો.

.

મારી દ્રષ્ટિ જ્યારથી તારા સુધી પહોંચી નહીં,

હું ભરેલી આંખથી ખાલી જગત જોતો રહ્યો.

.

મારો વર્ષોનો અનુભવ કામ આવ્યો આ રીતે,

કોઈ બાળક જેમ હું જગની રમત જોતો રહ્યો.

.

પ્રેમયુગમાં કોઈ વસ્તુ કદરૂપી લાગી નહીં,

ફૂલની મોસમમાં કંટકની અછત જોતો રહ્યો.

.

હોત કેવળ જો મિલન તો પ્રેમ સસ્તો થઈ જતે,

હું જુદાઈમાં મહોબતની બચત જોતો રહ્યો.

.

કોઈના પણ પ્રેમની વાતો મને ગમતી રહી,

ચોતરફ હર પ્રેમમાં તમને ફક્ત જોતો રહ્યો.

.

જિંદગીમાં જેથી ત્રાસી મોત મેં માંગ્યું હતું,

અંત વખતે એ જ સૌ દુ:ખની અછત જોતો રહ્યો.

.

છેતરાયા કેટલા ‘કાબિલ’ જગતમાં એ છતાં,

ઝાંઝવાં પ્રત્યેની માનવની મમત જોતો રહ્યો.

.

( કાબિલ ડેડાણવી )

One thought on “જોતો રહ્યો – કાબિલ ડેડાણવી

  1. હોત કેવળ જો મિલન તો પ્રેમ સસ્તો થઇ જતે,
    હું જુદાઈ માં મોહબ્બત ની બચત જોતો રહ્યો…!!!

    Wonderful…!!!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.