કોઈ નથી – ખલીલ ધનતેજવી
સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી,
કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.
.
આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી,
આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.
.
વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો,
ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.
.
નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની,
છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.
.
એટલે ના ગમતી વાતો સાંભળી લેવી પડે,
આ જગત આખાના મોઢે ઢાંકણું કોઈ નથી.
.
શ્વાસની ધૂણી ધખાવીને બદન તાપ્યા કરો,
રાત ટાઢીબોળ છે ને તાપણું કોઈ નથી.
.
સુખ કે દુ:ખ, મિત્રો કે શત્રુ, આપણા કે પારકા,
સૌની સાથે પ્રીત છે, અળખામણું કોઈ નથી.
.
છે ખલીલ એવા ય ધરખમ માણસો આ શહેરમાં,
પોતપોતાનામાં પણ પોતાપણું કોઈ નથી.
.
( ખલીલ ધનતેજવી )