મુક્તિ – રીના ચિંતન મહેતા

લાવ,

ખભે ઝોળી ભેરવી નીકળી પડું ક્યાંક.

અંતહીન મેદાનોની મોકળાશ

આંખોમાં આંજી દઉં.

ગીચ જંગલોની ભૂલભુલામણીમાં

હરણના બચ્ચાની જેમ અટવાયા કરું.

નદીના ખળખળ પ્રવાહમાં

વહ્યા કરું માછલીના ચટાપટાળા રંગ પહેરી.

સૂર્યનાં કિરણ પીઠ પર બાંધી

છમછમ નાચું.

પક્ષી બની પહાડો પર ઊડતાં-ઊડતાં

આકાશને જરા અડીને

કલબલી ઊઠું.

વાદળોની આરપાર ઊતરીને

ભરી દઉં છાતીમાં તાજી હવા.

ખિસકોલી થઈ વૃક્ષો પર કર્યા કરું ચઢ-ઊતર…

પણ,

અહીં તો મકાનો

ને બારણાંઓ

ને સાંકળો

ને તાળાં.

બારીઓ તો ખરી

પણ પાછા સળિયા ને કાચ !

સામસામી દીવાલો પર પડછાયા ભીંસાય.

ઉપર ઝળૂંબતી છત-

માણસ ઊડે તો ક્યાં ?

ભોંય પર જડ્યા રે પથ્થર !

મૂળ ક્યાં પ્રસારે ?

બંધ બારીમાંથી મગતરું પણ જઈ ન શકે બહાર

શરીર બંધ

ને મન પણ બંધ.

બારીના કાચની ફાટમાંથી

ઝીણી-અમથી લહેરખી

કરે છે ટક ટક

ટકોરા…

લાવ,

ખભા પરની ઝોળીયે ફગાવીને

નાભિમાંથી છૂટતા શ્વાસની જેમ

નીકળી પડું ક્યાંક.

 .

( રીના ચિંતન મહેતા )

2 thoughts on “મુક્તિ – રીના ચિંતન મહેતા

Leave a comment