દિવાસ્વપ્ન – વિપિન પરીખ
એક દિવસ
એક લક્ષાધિપતિ આવી મને કહેશે :
‘તું મારો જ પુત્ર છે
મારી સઘળી ધનસંપત્તિ તારી જ છે.’
હું ના કહીશ.
કહીશ : ‘જેને હું શોધું છું તે તમે નહીં.’
એક દિવસ
લજ્જાથી ઢળેલાં નયને કોઈ મને કહેશે :
‘સમણાંમાં પણ મારી જોડે જે
સંતાકૂકડી રમે છે તે તમે જ છો.
આવો, મારા બાહુમાં તમને સમાવી લઉં.’
છતાં
હું છટકી જઈશ
કહીશ : ‘જેને હું શોધું છું તે તું નહીં.’
એક દિવસ
નગરને ઝાંપેથી ઝૂલતો ઝૂલતો હાથી
મને શોધી કાઢશે.
દુંદુભિના શોરથી આકાશ ભરી દઈ
લોકો કહેશે : ‘આ જ, આ જ,
આ જ છે આપણા રાજાધિરાજ.’
હું એ ટોળામાંથી મને પણ ખબર ન પડે એમ ઓગળી જઈશ.
એક સવારે
વિઠોબા એની ઈંટ ઉપરથી ઊતરી
મારા પર હાથ મૂકશે.
કહેશે : ‘આંખો ખોલ, ક્યાં હતો આજ સુધી ? –
હું તને જ શોધતો હતો.’
હું જાગીશ
જાણે કે
હું જ મને ફંફોળતો ફંફોળતો બહાર આવ્યો.
અને જોઉં છું
તો મારા ખાલી ગજવામાં માર હાથ ભરાઈ ગયો છે.
કોઈના વાળની લટને રમાડવા માટે
મારાં ટેરવાં તલસી રહ્યાં છે.
કોઈ કરતાં કોઈ નથી.
અને દેવના ગોખલા વિનાના ઘરમાં
સાંજ
રણ થઈને સળગે છે.
.
( વિપિન પરીખ )