ડૂબવામાં પણ મઝા – હરીશ પંડ્યા
ઓ કિનારે બેસનારાં, ડૂબવામાં પણ મઝા છે,
હાથ આવી જાય મોતી, લૂંટવામાં પણ મઝા છે.
.
રાત આખી તેં પ્રતીક્ષા આમ બેસીને કરી છે,
ને સવારે એ જ બારી, ખૂલવામાં પણ મઝા છે.
.
હોય માળી બાગમાં એથી કહોને શું થયું રે,
ફૂલ સુંદર એક છાનું ચૂંટવામાં પણ મઝા છે.
.
જામ લેતાં હાથ ધ્રૂજ્યો ને ઢળી મદિરા જરી તો,
ઘૂંટ કેવળ પી શક્યો બે, ખૂટવામાં પણ મઝા છે.
.
વાટમાં તોફાન સાગમટે ફળે-ની શક્યતા પણ,
જિંદગી દાવે લગાવી, ઝૂઝવામાં પણ મઝા છે.
.
( હરીશ પંડ્યા )