…મળતો નથી ક્યાંયે – લલિત ત્રિવેદી
નથી એવું કે જે ખોવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
જે તારી શોધમાં ગુમ થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
ઘડામાં ઝીણું ઝીણું વ્હાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
પીવો જો હોય તો પિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
એ સાચું છે કે સંતાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
ભલે અંદર છે એવું થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
ભગતને એક દિ’ પૂછ્યું અમે – ભગવાનજી ક્યાં ક્યાં મળે અમને
તો એણે કીધું કે જિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
ઝીણી એક કાંકરી મારામાં છે, એક કાંકરી તારામાં છે, પ્રિયજન !
સતત ખૂંચે છે તે સમજાય છે, એનો પતો મળતો નથી ક્યાંયે
.
એ નટખટ છોકરી મીઠું હસી મારી બધી કોડી બથાવી ગઈ
કયા દરિયામાં એ દો’વાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
ટપાલીએ… સમીસાંજે… મૂકી થેલો… કીધું તે સાંભળો, ભક્તો !
જનમમાંથી જે નીકળી જાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
.
( લલિત ત્રિવેદી )