શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ

[ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા “ગોપાળનો મિત્ર” પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું.

http://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/

http://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/

આશા રાખું છું વાચકોને ગમશે. ]

.

નારદ એક દેવર્ષિ હતા. નારદ મહાન યોગી હતા અને એ બધે સ્થળે વિહરતા.

એક દિવસ નારદ મુનિ વનમાંથી પસાર થતા હતા. ત્યારે એમણે એક માણસ જોયો તે ધ્યાન કરી રહ્યો હતો. એટલા બધા સમયથી એક જ સ્થિતિમાં એ ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયેલો.

એ માણસે નારદ મુનિને પૂછ્યું : “હે નારદ ઋષિ, આપ ક્યાં જાઓ છો ?”

નારદે કહ્યું : “વૈકુંઠમાં જાઉં છું.”

પેલો માણસ કહે : “તો ભગવાનને પૂછજો કે તેઓ મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે મુક્તિ મળશે ?”

આગળ જતાં નારદે બીજા માણસને જોયો.એ મસ્તીમાં નાચતોકૂદતો ગાતો હતો.

એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, તમારી સવારી ક્યાં ઊપડી છે ?”

એ માણસનો અવાજ અને બોલવા-ચાલવાની એની રીત ઉન્માદભરી હતી.

નારદે કહ્યું : “ભાઈ, હું વૈકુંઠ જાઉં છું.”

પેલો માણસ કહે : “તો જરા પૂછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે ?”

નારદ ચાલ્યા ગયા.

ઘણા સમયા પછી નારદ મુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને જુએ તો શરીરની આસપાસ ઊધઈના રાફડાવાળો માણસ ત્યાંજ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.

નારદ મુનિને જોઈને એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ?”

નારદ કહે : “જરૂર.”

માણસે આતુરતાથી પૂછ્યું : “ભગવાને શું કહ્યું ?”

નારદ બોલ્યા : “ભગવાને કહ્યું કે ‘ચાર જન્મ પછી તમારીમુક્તિ થશે’.”

આ સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો : “મારા શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મેં ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવાનું છે ?”

નરદ મુનિ આગળ ચાલ્યા, તો પેલો પાગલ જેવો માણસ મળ્યો. તેણે હસતાં હસતાં પૂછ્યું : “નારદ ઋષિ, તમે ભગવાનને મારા વિશે પૂછ્યું હતું કે પછી રામ તારી માયા ?”

નારદ કહે : “અરે, એ તે કંઈ ભુલાય !”

માણસે પૂછ્ય્તું : “ભગવાને કશું કહ્યું કે ?”

નારદ કહે : “આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને એની ઉપર જેટલાં પાંદડાં છે એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યારબાદ તમને મુક્તિ મળશે.”

એ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો. તે બોલ્યો : “મને આટલા ટૂંકા વખતમાં મુક્તિ મળશે ? વાહ ! ભાઈ, વાહ !”

ત્યાં તો એ જ વખતે આકાશવાણી સંભળાઈ : “હે વત્સ ! તું આ ઘડીથી મુક્ત છો !”

એની અખૂટ ધીરજનું એ ફળ હતું. ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો, કશાથી એ નિરાશ ન થયો. પહેલા માણસને માત્ર ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો. યુગો સુધી રાહ જોવાને તત્પર પેલા બીજા માણસના જેવી શ્રદ્ધાથી જ પરમપદને પામી શકાય છે.

( સ્વામી વિવેકાનંદ)

Share this

6 replies on “શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ”

  1. હિનાબેન,

    ખૂબજ મર્મ સાથેની સુંદર વાર્તા… હકીકતમાં માણસ મૂકતી માટે એટલી ચિંતા કરે છે ત્યારે તે ફક્ત એટલું જ સમજી લે કે આ મનુષ્ય જન્મ વારંવાર કોઈને જડતો નથી, તો આ પ્રાપ્ત થયેલ મોકાનો સાદ ઉપયોગ કરવા, એવું કાર્ય કરવું જરૂરી છે કે ફરી ફરી ને આ અવતાર પ્રાપ્ત થાય અને ઈશ્વરનું રટણ સાથે ઈશ્વરે સોંપેલ કાર્ય કરી શકાય…

  2. હિનાબેન,

    ખૂબજ મર્મ સાથેની સુંદર વાર્તા… હકીકતમાં માણસ મૂકતી માટે એટલી ચિંતા કરે છે ત્યારે તે ફક્ત એટલું જ સમજી લે કે આ મનુષ્ય જન્મ વારંવાર કોઈને જડતો નથી, તો આ પ્રાપ્ત થયેલ મોકાનો સાદ ઉપયોગ કરવા, એવું કાર્ય કરવું જરૂરી છે કે ફરી ફરી ને આ અવતાર પ્રાપ્ત થાય અને ઈશ્વરનું રટણ સાથે ઈશ્વરે સોંપેલ કાર્ય કરી શકાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.