રંગ રાખ્યો છે – ‘રાજ’ લખતરવી
.
ઉમેરી રક્ત મહેંદીમાં વધારે રંગ રાખ્યો છે,
અનોખા પ્રેમીએ નોખા પ્રકારે રંગ રાખ્યો છે.
.
જગતભરના બધા રસ્તા ઉતારા, મંઝિલો છોડી,
ગલીમાં આપની આવી જનારે રંગ રાખ્યો છે.
.
થવા દીધો ન અળગો રંગથી, બેરંગ મોસમમાં,
સતત આવીને ફૂલોના વિચારે રંગ રાખ્યો છે.
.
નથી રાખ્યો દવાએ, ના દુઆ રાખી શકી એવો,
મુલાયમ સ્પર્શની આ સારવારે રંગ રાખ્યો છે.
.
નહીંતર ‘રાજ’ મારું થાત શું ? મારો ખુદા જાણે,
અણીના તાકડે એના સહારે રંગ રાખ્યો છે.
.
( ‘રાજ’ લખતરવી )
Nice.
Nice.
હિનાબેન, સરસ રચના શેર કરી…આભાર !
હિનાબેન, સરસ રચના શેર કરી…આભાર !