.
લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય
લાગણીને વાટી શકાય
ચીરી શકાય
નીચોવી શકાય
લાગણીને કચડી-મચડી તોડી શકાય.
લાગણીને વાવી શકાય ને વેચી શકાય.
લાગણીને ગટરમાં પધરાવી શકાય.
ને બાળી પણ શકાય.
લાગણીનું બધું જ થઈ શકે
એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય
ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય.
એનો જામ બનાવીને દારુ ભરી શકાય.
ને રામ બનાવીને દામ પામી શકાય.
ને પાન બનાવીને ચાવી શકાય.
એ ધીરજ પણ છે અને ધતિંગ પણ છે
એ આખી પણ છે અને રાખી પણ છે
એ ખાલી પણ છે અને ખખડે પણ છે
એનો હાથ લંબાય તો હિમાલય જડકાય બથોબથ
અને ઓગળવા માંડે ઉષ્માથી-
અને આંખ તરડાય તો…બાંગ્લાદેશ
એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ
એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ-
એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી
ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી-
ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ…
ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ.
અરેરે
આપણે પાણીમાં પલડીને ફણગવું નથી, ચીરાવું નથી, નીચોવાવું નથી
નથી આપણે કચડાવું કે નથી આપણે મચડાવું
આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી.
અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે
લાગણીનું કૂંડું બનીને-
થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ-
પણ કોણ ધક્કો મારે ?
અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી,
કોણ ધક્કો મારે-
અને ગબડી જઈએ ?
.
( લાભશંકર ઠાકર )
કોણ ધક્કો મારે છે???
લાગણી ને ખૂબજ સુંદર રીતે વ્યક્ત કરી છે .. આ લાગણી નું હાય શું કરવું ?
sundar poem..like it
લાગણી વિષયક ખૂબ જ ગહન રજૂઆત.
આવી કવિતા કવિતા કોને કહેવાય તે અંગેની ઘણી ગેરસમજ દૂર કરવા માટે પણ વાંચવી -ને માણવી જોઇયે.