કવિ છું – પ્રફુલ્લ પંડ્યા

.

હું એક એવા દેશનો કવિ છું

જેની પાસે ગાવા માટે

પોતાના દેશની એકતાનું કોઈ ગીત નથી

હું એક એવો સંગીતકાર છું

જેનો સ્વરબંદિશોમાં દેશની સરહદોની અખંડિતતા

સાચવતો કોઈ જ સૂર નથી

હું મારી આસપાસના વાદ્યોમાં ત્રાસવાદને થડકતો જોઉં છું

અને દેશપ્રેમના એકતારાનો તાર તૂટી ગયો છે,

ભયંકર ચીચિયારીઓના અવાજથી,

અવાજ દેવતા છે એમ હું માનું છું

પણ કેટલાક ધર્મો એમ માનતા નથી

હું નાનકડો ચિત્રકાર નથી અન્યથા મારી પીંછીએ

એકાદ ચિત્રમાં દેશની દીવાલોમાં એકતા ચીતરી બતાવી હોત

ગાંધીજીનું ચિત્ર કરી શક્યો હોત કે કેમ

તે નક્કી નથી પરંતુ મારા ચિત્રોમાં

ગાંધીજી અને દેશની એકતા ક્યાંક ક્યાંક જરૂરથી ઉપસી આવત

ખરેખર તો અત્યારે

ચિત્રકાર નહિ પણ સૈનિક તરીકે ગોઠવાવું જોઈએ

જ્યારે કવિ સૈનિક બનશે ત્યારે જ

દેશની એકતા, એકતા બનશે

કવિએ લીલી વરદી પહેરવાની જરૂર નથી.

કવિએ તો લીલાં બલિદાનોને ગાવાનાં છે

કવિએ તો પોતાનું ગીત શોધવાનું છે અને ખરેખર તો તેણે

ગીતમાં પોતાના દેશને ગોતવાનો છે.

 .

( પ્રફુલ્લ પંડ્યા )

3 thoughts on “કવિ છું – પ્રફુલ્લ પંડ્યા

Leave a reply to અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી Cancel reply