લૂ-નું નગર – કિસન સોસા
.
ધૂપ… ધૂમ્ર.. ધ્વનિએ… બળી રહ્યું લૂ-નું નગર;
સ્વપ્નવત થઈ ગયું એ ધૂળનું જૂનું નગર.
.
આ ઉત્તુંગ પથ્થરી હુજુમમાં ક્યાં શોધવું;
ભાવથી ભર્યું ભર્યું કુમાશથી કૂણું નગર ?
.
એક વ્યક્તિનો અભાવ વિસ્તર્યો છે ચોતરફ;
આ અસહ્ય ભીડમાંય એકલું, સૂનું નગર !
.
ક્યાંક કોઈ અધબળ્યું બીડીનું ઠૂંઠૂં ફેંકતું;
ભડભડી ઊઠે તરત કપાસનું, રૂનું નગર !
.
આંખમાં નહોર તીણા મૌનથી ઊઠે ડણક;
છદ્મ રંગરૂપમય કળા ધરે ઝૂ-નું નગર.
.
પી શકે ન પ્યાસ કે ગળી શકે ન ભૂખ જે;
ઝાંઝવે વરાળતું કંઈ કાંટ્યનું તીણું નગર.
.
ક્યાં મળે છે ઠામ ઠેકાણું હયાતીના સગડ;
આમ તો હરેક શખ્સમાં વસે ‘હું’-નું નગર !
.
( કિસન સોસા )
ઉનાળાના સંદર્ભે સચોટ રજુ થતી વ્યથાઓ…આંતરિક પણ અને બાહ્ય પણ…
ઉનાળાના સંદર્ભે સચોટ રજુ થતી વ્યથાઓ…આંતરિક પણ અને બાહ્ય પણ…
હિનાબેન,
ઉનાળા ના સંદર્ભમાં યથોચિત સુંદર રચના !
હિનાબેન,
ઉનાળા ના સંદર્ભમાં યથોચિત સુંદર રચના !