આછેરો અજવાસ – હરીશ પંડ્યા
.
કાળી રાતે આછેરો અજવાસ કરે એ કોણ હશે,
પડછાયો થૈ કાયમ જે સહવાસ કરે એ કોણ હશે.
.
સૂનાં ઘરમાં એકલતા બેફામ ચટકતી ઉરને જો,
છાનામાના આવી ખૂણે વાસ કરે એ કોણ હશે.
.
ભરચક નગરે અણગમતાં દ્રશ્યો ખૂંચે જો આંખોમાં,
અમરત જળથી ભીના ઉરની ચાસ કરે એ કોણ હશે.
.
અંગે અંગે ઘાવ કળે આ વાત હવે કોને બોલું,
હળવે હાથે પીડ મટાડી હાસ કરે એ કોણ હશે.
.
વૃક્ષો, સાગર, વાદળ, પંખી, ઝરણાં, પ્હાડ જોઉં છતાં,
કાયમ વસતાં ભીતર એવો ભાસ કરે એ કોણ હશે.
.
( હરીશ પંડ્યા )
સુંદર ગઝલ… મોટા ભાગના શેર સંતર્પક…
સુંદર ગઝલ… મોટા ભાગના શેર સંતર્પક…