તને હું કેમ સમજાવું ? – સુરેન ઠાકર ‘મેહુલ’

.

હૃદયની તૂટતી સરગમ તને હું કેમ સમજાવું ?

મુઠીમાં સાચવી મોઘમ તને હું કેમ સમજાવું ?

.

અમારા જીવને તો જિંદગીના દ્વાર ખુલ્લાં છે,

નહિ સમજી શકે હમદમ તને હું કેમ સમજાવું ?

 .

અમારે તો સદાનું એક હસવું થઈ પડ્યું જીવન,

સહીને પ્રાણનાં જોખમ તને હું કેમ સમજાવું ?

 .

સિતારા રોજ આકાશે ઉગે છે એમને પૂછજે,

અમારી જિંદગીના ગમ તને હું કેમ સમજાવું ?

 .

બહારો હોય કે પતઝર અમારે તો વિરાની છે,

કદી બદલે નહિ મોસમ તને હું કેમ સમજાવું ?

 .

અમારે તો ખુશીની કલ્પના સુદ્ધાં ન કરવાની,

સદાનાં છે અહીં માતમ તને હું કેમ સમજાવું ?

 .

છતાં તારું જીવન મારા જીવનથી દૂર ના ‘મેહુલ’,

ખુશીથી આવ મારા સમ તને હું કેમ સમજાવું ?

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

Share this

2 replies on “તને હું કેમ સમજાવું ? – સુરેન ઠાકર ‘મેહુલ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.