ઝંખના – પલ્લવી શાહ

.

જેમ ડૂબતો માણસ તણખલું પકડી બચવા માટે ફાંફા મારે, એમ મેં તને પકડી રાખ્યો છે. એટલો સજ્જડ પકડેલો તારો હાથ ક્યારેક રસ્તામાં અધવચ્ચે છૂટી ન જાય એને માટે મારી પક્કડ વધારે ને વધારે મજબુત કરવાનો પ્રયત્ન કરી રહી છું. મને ખબર છે તું તો કદી પણ ખોવાવાનો નથી. તું તો તારી જગ્યા ઉપર અટલ નિશ્ચિંત ઉભેલો છે. ડર મને મારા ખોવાવનો છે. મારી શ્રદ્ધાનો છે, મારા ચંચળ મનનો છે. માટે હું તારી પાસે એક જ માંગણી કરું છું. મારા ચંચળ મનને શાંત કર અને એકનિષ્ઠ શ્રદ્ધાથી માત્ર તારી અને તારી જ થઈને રહું એવું બળ આપ એવી શ્રદ્ધા આપ.

 .

હાલક ડોલક થતી મારી નાવનું સુકાન તેં કેવું પકડી લીધું છે. હું જાણું છું કે હું સારી રીતે તરી શકતી નથી. જરાક ઊંડાણ આવે તો દમ ઘૂંટાવા લાગે છે મન ગભરાવા લાગે છે અને શ્વાસોશ્વાસ ભારે થઈ જાય છે. સાથે શરીર પણ ભારે થઈ જાય છે અને હું ડૂબવા માંડું છું. તેથી જ્યારે પણ હું નાવમાં બેસું અને ઉછળતા મોજાંઓ સાથે મારી નાવ હાલકડોલક થવા લાગે ત્યારે મને મારા મોતનો ખૂબ ડર લાગે છે. પણ આ મોતના ડરે મને તારી ખૂબ જ નજદીક લાવી દીધી છે. પળે પળે હું તારું નામ રટું છું, પળે પળે તને વિનંતી કરું છું કે હવે મારી નાવનું સુકાન તું સંભાળી લે અને મારી વિનંતીને માન આપી તેં મારી નાવનું સુકાન સંભાળી લીધું. હવે મારી નાવ ક્યારેય હાલકડોલક થાય તો પણ મને મોતનો ડર લાગતો નથી. કેટલો સારો સુકાની છે તું ?

 .

મારી ઝંખના તને પામવાની. તું કોણ છે ? ક્યાં રહે છે ? કેવી રીતે રહે છે ? તારું ઘર વાદળોમાં હશે કે દૂર કોઈ ગ્રહ ઉપર જઈને તું વસે છે ? કે તારું ઘર પાતાળમાં છે ? કે તું સમુદ્રના મોજાંઓના મહેલ કરીને રહે છે ? ક્યાં છે તું ? શું તું મારા જેવો છે કે વાર્તાઓમાં આવે એવું દેવતાઈ સ્વરૂપ છે, તું નાનકડા બાળક જેવો છે કે મોટા પહાડ જેવો છે, તું કાળો છે કે રૂપાળો છે, જુવાન છે કે વૃદ્ધ છે ? મને માત્ર તારા નામની ખબર છે અને તારા આ નામને-તને ખૂબ જ પ્રેમ કરું છું અને જેમ જેમ તારું નામ લેતી જાઉં છું એમ એમ તને પામવાની ઝંખના મારામાં વધતી જ જાય છે, વધતી જ જાય છે. શું હું તને પામી શકીશ ? તું ક્યારે મારી એ ઝંખના પૂરી કરીશ ?

 .

( પલ્લવી શાહ )

4 thoughts on “ઝંખના – પલ્લવી શાહ

Leave a comment