પાંદડે પાંદડે નામ ! – સુરેશ દલાલ

.

હું તો લીલું ઝાડ

ને એની એક જ મોસમ શ્યામ !

તમારું પાંદડે પાંદડે નામ !

 .

હું તો ઊંચો પ્હાડ

ને એને એક મનોરથ શ્યામ !

તમારું ઝરણે ઝરણે નામ !

 .

હું તો નાની કેડી

એની ઝીણી ઝંખા શ્યામ !

તમારું પગલે પગલે નામ !

 ,

હું તો અમથું નામ

ને એની એક જ લગની શ્યામ !

કે મારું ભૂંસી નાખું નામ !

.

( સુરેશ દલાલ )

 .

૧૯૭૯

એક મકાન હતું – સુરેશ દલાલ

.

એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો. માણસના રંગ જેવો જ. મકાનને અને માણસને સ્કેવર – ફૂટનો નાતો હતો. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. એક મકાનને ફ્લેટ હતા. કોઈક નાના, કોઈક મોટા, – જૂના જમાનામાં રાજાને કુંવર હોય એવા. બે રૂમ અને કિચનનો ત્રિકોણ હતો, ટૂથબ્રશ જેવી બાલ્કની હતી અને હાથ સાંકડા કરીને ટુવાલથી શરીર લૂછી શકો એટલો મોટો બાથરૂમ હતો. હાથરૂમ ભયો ભયો, બાથરૂમ જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

-પછી તો ન પૂછો વાત. રાત ને દિવસ, દિવસ ને રાત લીલાલહેર, લીલાલહેર. ઘેર ઘેર લીલાલહેર. એક ફ્લેટમાં એક બાબો હતો, એક બેબી હતી. બાબો કોન્વેન્ટમાં જાય, બેબી કોન્વેન્ટમાં જાય. બન્ને જણ ‘જેક એન્ડ જિલ. વેન્ટ અપ ધ હિલ’ એવું એવું ગાય કે પૂછો નહીં વાત. ‘હિકરી ડિકરી ડોક.’ રાત ને દિવસ, દિવસ ને રાત, જોકમજોક. રામાયણનો પાઠ અંગ્રેજીમાં વાંચે અને બોલે ‘રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ !’ મા રાજી થાય, બાપ રાજી થાય. બહુ રાજી રાજી થાય એટલે લિફ્ટમાં આવે ને લિફ્ટમાં જાય.

 .

એક દિવસ તો ગજબ થઈ. અજબ થઈ, ભઈ ગજબ થઈ. બાબાએ પૂછ્યું :”મમ્મી, જેક એન્ડ જિલ હિલ પર કેવી રીતે ગયાં ? લિફ્ટમાં ગયાં, મમ્મી ? મમ્મી હિલ પર જવા માટેની લિફ્ટ કેવી હોય ?”

 .

મમ્મીએ તરત ઓફિસમાં ફોન કર્યો અને કહ્યું કે આપણો બાબો હોશિયાર છે. કેવા બૅફલ કરે એવા ક્વેશ્ચન પૂછે છે. સ્માર્ટ અને નૉટી બૉય છે.

 .

પડોશીને ફોન કરીને કહ્યું કે બાબાએ તે કંઈ સવાલ પૂછ્યો છે. સવાલ તે કંઈ સવાલ પૂછ્યો છે ! પડોશીએ કહ્યું કે હવેનાં છોકરાંની તો વાત જ જવા દો. મારી બેબી શું સરસ રીતે કૃષ્ણ ભગવાનની વાત કરે છે. કહે છે કે કૃષ્ણનો રંગ તો ડાર્ક હતો.એને બટર બહુ ભાવે. ફ્રીજ ખોલ બંધ કરે અને બટર લઈ લે. બોલથી રમ્યા જ કરે, એક દિવસ બોલ રિવરમાં પડ્યો ને નાગની વાઈફે પછી બોલને અને લોર્ડ કૃષ્ણાને બચાવી લીધા. શું સ્માર્ટ જનરેશન છે ! જનરેશન ભયો ભયો, જનરેશન જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

એક એક મકાનમાં હોય છે ફ્લેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ – એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. કોઈને ત્યાં ડોગ, કોઈને ત્યાં કેટ. બધું જ પાળેલું. બારી પર પડદા પાળીએ. બાલ્કનીમાં, ટેરેસમાં ઝાડ પાળીએ, પાન પાળીએ. ભગવાન પણ પાળેલા. ગોખલામાં પંપાળેલા. ડ્રોઈંગરૂમનો ખૂણેખૂણો, કેવો ભરેલો, ક્યાંય ન ઊણો. વોલ ટુ વોલ કાર્પેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ.

 .

બેડરૂમમાં કોસ્મેટિક્સ, મિરર, નાઇટી, સ્લિપર, સ્લીપંગ-પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ્ઝ, પ્લેબોય, પેન્ટિંગ, મ્યુઝિક, ઝીંકાઝીંક, લમણાઝીક, માથાઝીક. આર્ગ્યુમેન્ટસ, સામસામા માંડ્યા કેમ્પ્સ; અમે ડ્રોઈંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ, પાળેલો ડોગ, પાળેલી કેટ; એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. ધિસ એન્ડ ધૅટ, ધૅટ એન્ડ ધિસ, કિસમકિસ, ભીંસમભીંસ, ધિસ એન્ડ ધૅટ. લેફ્ટ, રાઇટ, રાઇટ, લેફ્ટ.

 .

લંચ, ડિનર, પાર્ટી, રિસેપ્સશન્સ. પિકનિક, ફિલ્મ્સ, ડ્રામા, – રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ.

 .

કોઈકને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું. શોકસભામાં જવું હોય તો આંખ લૂછીને જવાનું, બધું જ ક્રમ પ્રમાણે, બધું જ નિયમ પ્રમાણે, બધું જ પ્રમાણે પ્રમાણે. મોટેથી હસાય નહીં. છીંક ખાવાની અને ‘એક્સ્ક્યૂઝ મી’ બોલવાનું. પાસે રાખવાના ફિક્કા ફિક્કા-ત્રણચાર સિક્કા. ‘થેન્ક યુ, સોરી, હેપી ટુ સી યું.’ યુ, યુ, આઈ યુ. આઈ યુ. વિઝિટિંગકાર્ડ, ફોન નંબર, એપોઇન્ટમેન્ટ, વાતવાતમાં સ્ટેડિયમ, વાતવાતમાં ક્રિકેટ, સિગારેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ, એવો એનો ફ્લેટ, ફ્લેટ ભયો ભયો, ફ્લેટ જિયો જિયો. ભયો ભયો, જિયો જિયો ! જિયો જિયો, ભયો ભયો !

 .

ફિયાટ ને એમ્બેસેડર, ઓબેરોય અને શમિયાણા, દિલ્હીને દાર્જિલિંગ, વ્હિસ્કી સાથે કાજુ ને શીંગ, ટાઈપિન, કફલિંક. હિલ્સ ને પિલ્સ. આંખોમાં ગ્રિલ્સ. અમને સમારંભોની હોંશ, અમને વ્હિસ્કીમાં સંતોષ, ક્યાંય નહીં હોય અમારો દોષ; અમે ડ્રોઇંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ. આજે બૈરુત, કાલે તિબેટ, આખું જીવન જમ્બોજેટ. જેવું જેનું ગજવું એવો એનો ફ્લેટ. મકાન જિયો જિયો, પીળો રંગ જિયો જિયો, માણસ ખાલી ખાલી, સ્કેવર ફીટ ભયો ભયો.

 .

એક મકાન હતું. મકાનને અને માણસને સ્કવેરફૂટનો નાતો હતો.

સમજ નથી પડતી કે માણસ રોતો હતો કે માણસ ગાતો હતો.

 .

( સુરેશ દલાલ ‌)

૧૪.૦૪.૧૯૭૬

બાર લઘુકાવ્યો

(૧)

સત્યની શોધ

Third degree

मूकम् करोति वाचालम्

 .

(ધીરુભાઈ અધ્યારુ)

 .

(૨)

જાકારો

 .

હાંફળીફાંફળી

પાનખર

પાછી વળી ગઈ મારા પહેલે પગથિયેથી જ :

વધામણી માટે ના પામી એ

કંકુ

ચોખા

નારિયેળ

કે ફૂલ….

 .

(ચંદ્રેશ ઠાકોર)

 .

(૩)

ચીંથરેહાલ

થઈ ગયેલી

જિંદગી ઓઢીને

ફૂટપાથ પર સૂતેલા

બાળકને જોઈને

મને ઈશ્વર

પથ્થરમાં દેખાય છે !!

 .

(દિનેશ કાનાણી)

 .

(૪)

જિંદગી કેવી અધૂરી હોય છે !

ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

રોજ આવે રક્તવર્ણી સાંજ આ,

રોજ ઈચ્છા એક ઝૂરી હોય છે.

 .

(સ્વ. સ્મિતા પારેખ)

 .

(૫)

આજે પણ

હું જોઈ શકું છું

પંખીના હસ્તાક્ષર

આકાશના દસ્તાવેજોમાં…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૬)

તો-

 .

જ્યાં છું

ત્યાં હોવાનું જો આવડે

તો ખબર પડી જાય

કે

આ શ્વાસ

આ ડર

આ પ્રેમ

આ સ્વપ્નો

આ શ્રદ્ધા

ને આ પ્રશ્નો

આ એક જ ક્ષણના

લાંબા ટૂંકા ઝાંખા ઘેરા

પડછાયા છે….

 .

(સોનલ પરીખ)

 .

(૭)

છોકરી

કરિયાવરની

પહેલેથી જ વિરોધી હતી !

એટલે તો

પિયરમાંથી

એના પતિના ઘરે

કશુંયે ન લઈ ગઈ

અપેક્ષાઓ સિવાય !!!

 .

(દિનેશ કાનાણી)

 .

(૮)

ભ્રમ

 .

તું

જેને ટકોરા

મારે છે…

એ દ્વાર નથી

દીવાલ છે

અને

દીવાલને

નહીં ખૂલવાની

આદત હોય છે.

 .

(રામુ પટેલ ડરણકર)

 .

(૯)

રાત્રે

ચંદ્રના

આછા અજવાળામાં

આરંભાયેલો

પ્રણય

સવારે

સૂર્ય બની

પાંગરે છે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૦)

તારા સ્મિતના દરિયામાં

ડૂબી ગયો છે

મારા

આંસુનો તરાપો…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૧૧)

હું

તારા સ્વપ્નમાં

આવું કે ?

આટલું જ પૂછ્યું ને…

એણે

આંખો મીંચી દીધી,

હંમેશ માટે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૨)

દરવાજાએ

ઘરમાં પ્રવેશવાની

‘ના’ પાડી

ત્યારથી

લટક્યા…. ખખડ્યા..

કરું છું

સાંકળ બની.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૩)

જેને જણસ સમજી જાળવ્યો’તો

જિગર સમીપે

એક દિવસ ખબર પડી

હતો એ કોલસો.

 .

પછી જણસની જગ્યા

તેં લીધી ને

તું જણસ, હું કોલસો.

 .

મને જ અજવાળતો

તાપણું થઈ ગયો.

.

.

(૪)

બારી તો ખુલ્લી જ હતી

આખા જન્મારાથી

અને બારણાંય ખુલ્લાં ફટાંક.

 .

તને બોલાવવાનું ન મને સૂજ્યું

ન તને આવવાનું.

ઘર આખું શું કામનું ?

અતિથિ વગર ?

બારી શું કામની

પંખી વગર ?

બારણું શું કામનું

તારા પગરવ વગર ?

 .

હું નથી છતાં છું

તારી રાહ જોતો

બારી જેવો.

 .

( રાજેન્દ્ર પટેલ )

નહીં જો મળે – શોભિત દેસાઈ

જઈશું શોધવા એને, સનમ નહીં જો મળે,

અહીં જ આવીશું પાછા-પરમ નહીં જો મળે.

,

સ્મરણમાં આપના હું જ્યારે જાઉં છું ત્યારે,

સતત રહે છે મને ભીતિ-ભરમ નહીં જો મળે !

 ,

ભવિષ્ય આખું તમે તો મુલતવી રાખ્યું છે,

બગડશે બેય, ફરીથી જનમ નહીં જો મળે

 ,

ટકોરા મારે છે એ ખૂબ આપતાં પહેલાં,

શું મેળવીશું, ફૂટેલાં કરમ નહીં જો મળે

 ,

દુકાનદારી સજાવી છે સ્થાનકોએ અહીં,

ન નાસીપાસ થતાં, ત્યાં ધરમ નહીં જો મળે !

 .

( શોભિત દેસાઈ )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે બીજી આવૃત્તિ પ્રગટ થઈ. જે આખરે મેં હમણાં થોડો સમય પહેલા ખરીદી લીધી.

 .

વિઠ્ઠલ કામતની સંઘર્ષકથા જે કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે સફળતામાં પરિણમી એ મને તો વાંચવાની બહુ જ મજા આવી. વધારે હું કંઈ એ વિશે કહું એના કરતાં આ પુસ્તકના શબ્દોને જ બોલવા દઈએ. મને ગમતી વાતો આ પુસ્તકમાંથી મૂકું છું.

 .

  • હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી એરપોર્ટનું વિહંગમ દ્રશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ !
  • આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ.
  • આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. ડિટરમેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી.
  • આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી આપણી રહે છે.
  • ગણેશાપ્રાસાદમાં આખું વરસ નિત-નવા કાર્યક્રમો થતા રહેતા. હું એ બધામાં હોંશભેર ભાગ લેતો. જોકે નાચવા-ગાવા કે મહાલવા પૂરતો જ નહીં, કપ-રકાબી વીછળવાથી માંડીને પડદા ખેંચવા સુધીનું કોઈપણ કામ કરવાની મારી તૈયારી હોય. એમાંથી એક જ સામજિક સજાગતા ઊભી થતી ગઈ. કોઈ પણ કામ કરવામાં નાનમ નથી એ વાત મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને ખાસ તો એ કે જવાબદારી ઉપાડવાની એક સારી આદત મને ત્યાંથી જ પડી.
  • મને લાગે છે કે મારા બાપુજી વ્યંકટેશ કામત ઘણું ખરું જાપાની હોવા જોઈએ. કારણ કે એમનો તો હંમેશનો એક જ તકિયા કલામ ‘નામ કામત છે, તો કામ કર !’ આ વાક્ય એમણે પોતાને જ ગાઈ વગાડીને કહી રાખ્યું હોય તેમ તેઓ પોતે જિંદગીભર એ રીતે જ વર્તયા. કામ, કામ, સતત કામ. પરોઢિયે ઊઠી જવાથી માંડીને રાત્રે મોડેથી પથારીમાં લંબાવે ત્યાં સુધી એ કામ જ કરતા રહેતા. એનું કારણ એવું હતું કે એમણે પોતાની અટકને શબ્દશ: અર્થ સાથે ગંભીરતાથી આવકારી હતી. આથી જ એ તરી ગયા, જીવી ગયા ને ઊંચેરા બની ગયા.
  • ઘણી જગ્યાએ છેતરપીંડી થતી પણ બાપુજી એમાંથી એટલું જ શીખતા ગયા કે, ‘આપણે ક્યારેય કોઈનેય છેતરવું નહીં.’
  • નાનું બાળક ભૂલ કરતું હોય તો એને મારવું એ જ એક ઉપાય નથી તેમ એને છાવરીને બચાવવું એ પણ સત્યથી દૂર ભાગવા જેવું છે.
  • બાપુજી અમને સંબોધીને હંમેશાં એક વાક્ય તો અચૂક બોલે જ : ‘તમારાથી જિંદગીમાં કાંઈ થવાનું નથી.’ છે ને ! કોઈ માણસમાં વિરોધાભાસ કેટલી હદે ભરાયેલો હોઈ શકે ! અમે ભણી-ગણીને મોટા થઈએ, કાંઈ કરીએ એવી આશા રાખનારા, વખત આવ્યે કઠોર થનારા અમારા બાપુજીના મોઢેથી આવો નિરાશાનો સૂર કોણ જાણે કેમ નીકળતો હશે ? એમનું આ વાક્ય એકસરખું કાન પર વાગ્યા કરવાથી મને ચાટી જતી અને હું મનમાં જ બોલી ઊઠતો, ‘હું તમને કાંઈ કરી બતાવીશ!’
  • મારાં મા-બાપુજી બન્ને આપનારાં હતાં. એમના સદ્દકાર્યોએ મારી સામે એક આદર્શ ખડો કર્યો હતો.
  • સારું વાવશો તો સારું લણશો.
  • સામાન્ય રીતે આપણે અવું માનતા હોઈએ છીએ કે ધંધો ને ઈમાનદારી એ બેઉ એકસાથે ન ચાલે. પણ મારા બાપુજીએ ધંધામાંથી ઈમાનદારી ક્યારેય બાદ કરી નહીં. અને તોય સારામાં સારી રીતે ધંધો કરી બતાવ્યો.
  • તમારા પેટમાં ભૂખ હોય, તમારા મનમાં કોઈ જાતનાં શરમ-સંકોચ ન હોય અને તમારા કાંડામાં જોર હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો; હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી.
  • હું મારી જાતને ‘બિઝનેસમેન’નથી કહેતો. પણ હું છું એન્ટરપ્રિન્યોર (ફ્રેંચ-આંત્રપ્રીનર). જેનો અર્થ શબ્દકોશમાં જોખમ ખેડીને ધંધો કરનારો એવો થાય છે. એ જન્મીને આવતો નથી, એને ઘડવો પડે છે. એવી રીતે મેં પણ મારી જાતને પ્રયત્ન કરી કરીને ઘડી છે, કેળવી છે. એન્ટરપ્રિન્યોરને ફક્ત પૈસાના ખણખણાટમાં રસ નથી હોતો, એના માટે એથીય મહત્વની છે અફલાતૂનને ચમકતી કલ્પનાઓ. આ કલ્પનાઓને વ્યવહારમાં ઉતારવા માટે એ આકાશાપાતાળ એક કરી મૂકે છે. અને છેવટે જ્યારે એની કલ્પના એના આકાર પ્રમાણે વ્યવહારમાં ઊતરે છે ત્યારે પોતે કેટલા પૈસા કમાયો ને કેટલા ગુમાવ્યા એના કરતાં એનું સપનું સાચું પડ્યાનો આનંદ જ એન્ટરપ્રિન્યોરને વિશેષ હોય છે.
  • એન્ટરપ્રિન્યોર થવા માટે સાત બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કાંઈ જુદું જ કરી બતાવવાની જબરજસ્ત ઈચ્છા, ચમકતી કલ્પનાઓ, નવીનતા પ્રત્યેનો ગમો, કોઈનું પીઠબળ ક્યાં તો ગુરુ, ધ્યેય, આત્મવિશ્વાસ અને આવતી કાલને પારખવાની નજર.
  • તમારી કલ્પના ફક્ત નવીનતાભરી છે એટલું જ બસ નથી, એ માટે વ્યવહારનું ગણિત સરખું બેસાડવું જોઈએ.
  • આજે ધંધામાં લોકોની દાનત એવી હોય છે કે બને ત્યાં સુધી તો કોઈને પૈસા ચૂકવવા જ નહીં અને જો ચૂકવવા જ છે તો થાય તેટલી મુદત લંબાવ્યે રાખવી. એ રીતે જોતાં હોટેલનો ધંધો કરનારા બાપુજીનું વર્તન બીજા કોઈને સાવ મૂર્ખામીભર્યું લાગે પણ એક વાત ચોક્કસ કે બાપુજીએ પોતાના આવા વર્તનને લીધે લોકોનાં માન અને શુભેચ્છા બહોળા પ્રમાણમાં મેળવ્યાં.
  • આજ્ઞાંકિતપણું અને બળવાખોરી આ બન્ને બાબત જેમ એકબીજાની સાથે હળીમળીને રહે છે તેવી જ રીતે જૂના હઠાગ્રહો દૂર થતાં એ જ જૂના થડને ફરીથી નવી ડાળીઓ-કુંપળો ફૂટી નીકળે છે એ વાત તો સો ટકા સાચ્ચી !
  • ધંધાની રીતે કોઈ માને કે ન માને પણ ધંધો ચલાવવા માટે જેમ બુદ્ધિની જરૂર પડે છે તેમ હૈયાની પણ પડે છે. લાગણીઓની બાબતમાં શું ને કેમ એવા વિચારો ઊભા થતા નથી ! ‘બસ ! મન લાગતું નથી.’ એનાથી વધીને કહેવાની કાંઈ જરૂર રહેતી નથી.
  • જેને ચોક્કસ સફળ થવું છે તેના માટે એક જાદૂઈ મંત્ર પણ ચોક્કસ હોય છે. હા, થોડો વખત એ મંત્ર ગુલબકાવલીના પેલા ફૂલની જેમ તમને ભૂલમાં નાંખી દે છે. પણ તેથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. એ મંત્રની શોધખોળ તો ચાલુ જ રાખવાની છે. ને પછી ક્યારે ને ક્યારેક તો તમને મંત્ર ચોક્કસ જડી જાય છે.
  • મારા જેવો એક સીધો-સાદો રેસ્ટૉરન્ટવાળો ‘ઓર્કિડ’ જેવું ફાઈવસ્ટાર-ડીલક્સ-ઈકોટેલ ઊભું કરી શકે એવું તો હું પોતેય જાણતો નહોતો. પણ તે શક્ય છે. ‘એ માટે જિંદગીને ચોક્ક્સ રીતે આકારવી પડે છે અને સતત ધ્યેય પર નજર માંડીને એ જ દિશામાં પ્રવાસ કરતા રહેવું પડે છે.’ એ પ્રવાસમાં ગમે તેટલાંય સંકટો આવે તોય નાસીપાસ થઈને ભાગી છૂટવાની જરૂર નથી. સફળ થવા માટે પહેલી વાત તો એ કરવાની કે આજ પછી તમારી પત્ની, તમારી પ્રિયતમા, તમારું સર્વસ્વ એ બધું જ કાંઈ તમારું કામકાજ છે, એ જ તમારો ધંધો છે.
  • મારા બાપુજી કહેતા, ‘માણસનાં લગ્ન બે વાર થાય છે. એક વાર જીવનસંગિની પત્ની સાથે અને બીજી વાર ધંધા સાથે.’ તો હું એવું કહેતો રહ્યો, ‘હોટેલનો વ્યવસાય મારી ગર્લફેન્ડ છે.’ તેથી જ વ્યવસાય કરવામાં, હંમેશાં નવા નવા પડકારો ઝીલવામાં સફળ થવામાં એક જાતનો રોમાન્સ રહેલો હોય છે.
  • અમે બધા જ રાતદિવસ કામ, કામ ને કામ જ કરતા રહેતા. સફળ થવું હોય તો કામનો નશો ચઢવા લાગે છે. મને એ સમજાયું હતું. એને માટે મારે કોઈ ફરિયાદ પણ નહોતી.
  • તમને જે કલ્પના કે વિચાર સૂઝે તે બીજા કરતાં જુદો હોવો જોઈએ. ‘મી ટુ’ – ‘હું પણ’  એવી કલ્પના બહુ સફળ થતી નથી. બિઝનેસમાં હું કાંઈ આગવું, મારી રીતે કરી બતાવું એવી ખંત હોય તો સફળ થવાની ખાતરી ખરી.
  • સફળ થનારાઓએ પોતાના કામકાજમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ રાખવો.
  • સફળતા તરફ લઈ જનારા જાદૂઈ મંત્રનું છેલ્લું પગથિયું એટલે યોગ્ય ગુરુ મળવા !
  • પૂર્વતૈયારીઓનું મહત્વ મને આજે નહીં, ઘણાં વરસો પહેલાં સમજાયું હતું. અમારી હોટેલ ઈન્ડસ્ટ્રીનો બધો યશ આ પૂર્વતૈઅયરી પર જ આધારિત હોય છે. ઘરાક ઓર્ડર આપે એની દસ મિનિટમાં તો એની સામે ગરમાગરમ વાનગી રજૂ થાય છે. એનું રહસ્ય શું ? વાટેલી, સમારેલી, બાફેલી બધી જ ચીજ તૈયાર હોવી જોઈએ…તો જ દ્રૌપદીની થાળીની જેમ અસંખ્ય લોકોની ક્ષુધાશાંતિ કરવાનો યશ મળી શકે.
  • ….દરેકના સંસારમાં એકબીજાને સમજી લેવું, એકબીજાની પડખે ઊભા રહેવું એ બધું મહત્વનું હોય છે. પણ મારા જેવા બિઝનેસ-વાળા માટે તો અતિ મહત્વનું બની રહે છે. વેપારધંધામાં અનેક વા-વંટોળ આવતા રહે છે. આવે વખતે તમારા જીવનસાથીનો મજબૂત ટેકો તમને ન મળે તો સમજો સત્યાનાશ; સંસારનો અને તમારોય ! આ બાબતમાં હું ભારે ભાગ્યશાળી છું. મારાં મા-બાપુજીએ અને વિદ્યાએ મને વખતોવખત સંભાળી લીધો છે; મને સહાયરૂપ થયાં છે. કોઈ પણ વૃક્ષને જેમ અનુકૂળ હવામાન અને ખાતરપાણીની જરૂર રહે છે તેવું જ એન્ટરપ્રિન્યોરનું પણ. કારણ કે એન્ટરપ્રિન્યોર એટલે ચીલો ચાતરીને સપનાં જોનારો.
  • ભલાઈ એ આપવાથી ઘટતી નથી, ઊલટાની વધે છે. જિંદગીમાં એ તમને ક્યાં ને ક્યારે ઉપયોગી થઈ પડે એ કાંઈ કહેવાય નહીં. પણ ધ્યાનમાં રાખવાની વાત એક જ કે ભલાઈ કરવી, પરોપકાર કરો પણ નિરપેક્ષવૃત્તિથી, સાચા મનથી કરવો ! ફળની અપેક્ષા રાખ્યા વિના કામ કરો તો એનાં ફળ સારાં જ મળે છે.
  • જિંદગીના મહત્વના નિર્ણયો ક્યારેય પણ લાગણીના કે હૈયાના જોરે લેવા નહીં, દિમાગના જોરે લેવા.
  • ‘ઓર્કિડ’માં જ્યારે જ્યારે પણ ‘પૈસા બચાવો’ની ઝૂંબેશ ઉપાડી છે ત્યારે મેં મેનેજમેન્ટના સભ્યો સાથે સ્ટાફનેય વિશ્વાસમાં લીધો છે. એના લીધે એક તો સામૂહિક ભાવના પેદા થતી હતી. અને સાથોસાથ એવી એક ધગશ પણ ઊભી થતી કે આપણે બધાએ ભેગા થઈને જ આ સમસ્યાનો નિકાલ લાવવાનો છે.
  • ફાઈવસ્ટાર હોટેલ ચલાવવા માટે ફાઈવસ્ટાર સંસ્કૃતિની જરૂર નથી હોતી. એમાં આવશ્યકતા હોય છે આતિથ્ય-ભાવનાની જે મારાં બા-બાપુજીએ મારામાં પોષી છે. આજે હું ગર્વથી કહી શકું છું, મારું ‘બલ્ડ-ગ્રૂપ’ છે ‘એચ’. ‘એચ’ ફોર હોસ્પિટેલિટી.
  • ‘ઓર્કિડ’સોએ સો ટકા ઈકોટેલ (પર્યાવરણયુક્ત) છે. એનું બાંધકામ, એની સજાવટ, એની સર્વિસને લગતી દરેક બાબતમાં વાતાવરણની સમતુલા જાળવવામાં આવી છે. ‘ઓર્કિડ’માં જે ‘પદ્ધતિ’ વાપરવામાં આવી છે તે છે-
    • Reduce, Reuse, Recycle !’

એનો અર્થ એવો કે એકેય ચીજવસ્તુ વેડફશો નહીં, બને ત્યાં સુધી એને ફરી વપરાશમાં લો અને ફરી પ્રક્રિયા કરીને એ જ વસ્તુ પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય એવી ચીવટ રાખો. એવી રીતે ‘ઓર્કિડ’ના મંત્રો નીચે મુજબ છે :

  • ‘Delux need not disturb.’

એટલે કે એશાઆરામ માટે થઈને પર્યાવરણની સમતુલા બગાડવાની જરૂર નથી.

  • ‘Comfort need not compromise’

એટલે કે સુખસગવડ મેળવવા માટે પર્યાવરણનાં તત્વો સાથે બાંધછોડ કરશો નહીં.

  • ‘Entertainment need not insensitive.’

એટલે કે મનોરંજન માટે લાગણીહીન થઈને કુદરતનો ભોગ લેશો નહીં.

  • મારી એક નકામી આદત એટલે આગળ-પાછળનો વિચાર કર્યા વગર પડકાર ઝીલી લેવો. કોઈ કહે કે ‘આ કામ તારાથી નહીં થાય’ તો હું ફટાક દઈને કહેતો ‘ના શું થાય?’ અને પછી કાંઈ લેવા-દેવા વગર હું એ કામ કરી બતાવવા માટે તનતોડ પ્રયત્નો કરતો.
  • ધંધાદારીઓ માટે બે જોખમકારક બાબત રહેલી છે. એક તો લાગણીથી દોરાવું ને ગમે તેના પર ભરોસો કરવો. મારામાં આ બન્ને દુર્ગુણો પુષ્કળ પ્રમાણમાં છે. એની સાથેસાથ બે-હિસાબીપણું, બે-ફિકરાઈ અને બે-શિસ્ત પણ એટલાં જ ! આ બધાંને લીધે ક્યારેક ક્યારેક તો એવા ફટકા પડે ને, કે પછી જ આંખ ઊઘડે. આવા વખતે મારા પોતાના જ કાન પકડીને હું મારી જાતને કહી રાખું છું, ’જો હવે ફરી આવું નથી કરવાનું.’
  • મારા વ્યક્તિત્વનું એક સબળ પાસું એટલે હું આજન્મ વિદ્યાર્થી છું. શિક્ષણ કાંઈ શાળા-કોલેજોમાંજ મળે છે એવું નથી. જીવનનો પ્રત્યેક અનુભવ તમને કાંઈ ને કાંઈ શિખવાડતો જાય છે.
  • સફળ માણસો માટે બધાને કુતૂહલ હોય છે, એમના માટે અહોભાવ હોય છે. પણ એ સફળતા સુધી પહોંચનારી સીડી કાંઈ એક જ દિવસમાં ચઢી જવાતી નથી. જેને સફળ થવું છે તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મોટે ભાગે તો સફળ થનારો માણસ એક પછી એક પગથિયાં ચઢીને સીડીએ પહોંચ્યો છે અથવા તો પર્વતની ટોચે ઊભો છે એવું ચિત્ર દોરવામાં આવે છે. પણ ખરી રીતે જુઓ તો સફળ થવા માટે પહેલાં એક નાનો ત્રિકોણ, પછી એની ભૂજા લંબાવીને થયેલો મોટો ત્રિકોણ, પછી એવી જ રીતે વધુ ને વધુ ઊંચો થતો જતો ત્રિકોણ એવી વૃદ્ધિ થવી જોઈએ. જેથી પાયો મજબૂત રહે અને ઊંચાઈ વધતી જાય.
  • આ પદ્ધતિને કહે છે ‘સકસેસ ટ્રાયેંગલ’. મને આ પદ્ધતિ પર પૂરો વિશ્વાસ છે. અથવા જો શિખર આંબવું હોય તો પહેલાં નાની ટેકરીનું શિખર, પછી એકાદા ડુંગરાનું શિખર, પછી પર્વતનું શિખર એમ પ્રવાસ થતો રહેવો જોઈએ. સફળ થવાના રસ્તે આવતાં ખીણ-ખાડા-ખૈયા-વાંકાચૂકા વળાંકો ઓળંગવાનાં હોય છે…તો જ શિખર સર કર્યાનો સંતોષ થાય છે. ગ્રાહકને ઉપયોગી થનારી ચમકતી કલ્પનાઓ એટલે જ ધંધાની સફળતાની ગુરુચાવી. આ કલ્પના જેટલી અફલાતૂન, જેટલી નવી તેટલો જ તેનો વિરોધ થવાનો છે એટલું ધારીને જ ચાલવાનું છે. આવા વિરોધને ન ગણકારતાં હાડનો એન્ટરપ્રિન્યોર પોતાની કલ્પના આકારે છે, સાકારે છે, એને સફળ કરી બતાવે છે અને એવી રીતે જ દુનિયાનો ક્રમશ: વિકાસ થતો હોય છે.
  • કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમાં જો એ સંસ્થાનો અને ત્યાંના લોકોનો વિકાસ કરવોહોય તો શિખર પર બેઠેલો માણસ જ માખણ ખાધે રાખે ને એના હાથ નીચેના માણસો ભૂખ્યા રહે એ બરાબર નથી. બધાને જ ફાયદો થવો જોઈએ. બધાનો જ વિકાસ થવો જોઈએ. હું જો ગાડી ચલાવતો હોઉં તો મારા હાથ નીચેના લોકોને કાંઈ નહીં તો છેવટે સ્કુટર તો આપી શકું એવો મારો ભાવ હોવો જોઈએ. હાથ નીચેના માણસો સાઈકલ પણ લઈ શકતા નથી ને બોસ મર્સિડિઝમાં ફરે છે એ વાત મને રુચતી નથી.
  • દિવસમાં જેટલો સમય હું મારા વ્યવસાયને આપું છું તેટલો જ સમય હું ‘નિસર્ગમૈત્રી’ માટે આપું છું. કારણ કે નિસર્ગમૈત્રી એ જ મારું અવિભાજ્ય રૂપ છે અને નિસર્ગ સાથે મૈત્રી એ જ મારી જીવનપદ્ધતિ છે !
  • મને સુખનો મૂળમંત્ર જડ્યો છે. એ મૂળમંત્ર છે : કુદરત સાથે મૈત્રી કરો. હું પ્રકૃતિપ્રેમી તો હતો જ. પણ હવે પ્રકૃતિનું ઋણ ફેડવાનો પ્રયત્ન પૂરી ઈમાનદારીથી કરું છું. ખુશીની વાત એ છે કે મને સાંપડેલો આ મૂળમંત્ર મેં મારા માટે જ મર્યાદિત રાખ્યો નથી. આ મંત્ર મેં બીજાને આપ્યો છે. એમને ય એ ગમ્યો. એમણે હાથ મિલાવ્યા, અમારી ટીમ તૈયાર થઈ. અમારી ટીમના બે અર્થો છે. એક તો એનો સામાન્ય અર્થ એટલે સંઘ(જૂથ). બીજો અર્થ છે ‘Three, Environment And Me!’ (વૃક્ષ, પર્યાવરણ અને હું.) આ બીજો અર્થ તમને અંદરથી સમજાય છે ત્યારે તમને જીવવાનો અર્થ પણ સમજાય છે.

 .

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : મીડિયા પબ્લિકેશન

પૃષ્ઠ : ૧૬૦

કિંમત : રૂ. ૧૬૦/-

પાંચ લઘુકાવ્યો

(૧)

સજા

 .

હે કવિ !

વાસ્તવિક થા.

જનમટીપની સજા

ફરમાવતા કાગળની પાછળ

કવિતા લખવાથી

સજામાં

ઘટાડો નહીં થાય.

 .

(મદનકુમાર અંજારિયા “ખ્વાબ”)

 .

(૨)

અંતિમયાત્રા

 .

ડાઘુભાઈ,

જરા ધીમેથી

ચાલજો… !

મેં બહુ ‘ઠોકરો’

ખાધી છે

જિંદગીમાં….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૩)

મૌનની ઘેરી ઉદાસી તોડ મા,

શબ્દની સંગાથ નાતો જોડ મા;

જિંદગાનીને ગઝલમાં રણ કહી,

ઝાંઝવા પાછળ દીવાના દોડ મા.

 .

(પુષ્કરરાય જોષી)

.

(૪)

છાંયડામાં….

 .

વૃક્ષને કાપવું

જો અનિવાર્ય

થઈ પડે

તો…

ઉનાળામાં કાપજો,

કદાચ,

વિચાર

બદલાઈ જશે….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૫)

હરીફાઈ

 .

મહાભિનિષ્ક્રમણ માટે

શ્વાસ ભલેને

ટટમટ તૈયાર થઈને બેઠા હોય.

પણ

ઠઠરો કરીને બેઠેલી જિજીવિષાની

હરીફાઈ એમને કરવાની છે.

અને

ઈતિહાસ જિજીવિષાની પડખે છે…

 .

(ચંદ્રેશ ઠાકોર)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૧)

મૂઠી ખૂલતાં

ઊઘડતા મસમોટાં બારણાં.

 .

એ બંધ હતી ત્યાં સુધી તો

હતું અંધારાનું શાસન.

 .

ખુલ્લી થઈ

થયું અજવાળું.

 .

પણ ખૂલતાં ખૂલતાં

ખૂટી ગયા રે દિવસો.

 .

(૨)

રાતમાં તો

કાયમ અંધારું.

 .

ને રાતનો પડછાયો

આંખોમાં સદા છવાયેલો.

 .

પડદો ખોલી જોયું

ન પડછાયો, ન અંધારું.

 .

છે કેવળ આંખ તારી

અજવાળું છલકાવતી.

 .

( રાજેન્દ્ર પટેલ )

હવાનો વાંક નથી – શોભિત દેસાઈ

.

હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા !

અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા !

 .

ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને,

જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા !

 .

રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને,

હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા !

 .

જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,

દખલ નકામી કરી ટૂંક સાર ના કરતા !

 .

સરળ સ્વભાવ સફળ જિંદગીની ચાવી છે,

બનીને મીંઢા વધુ માથે ભાર ના કરતા !

 .

ઝીણું વણ્યું છે બધું એણે લાયકાત મુજબ,

ઉમેરી મરજી જીવન તાર તાર ના કરતા !

 .

ઢબૂરી દઈને બધાં અસ્ત્ર સાચી જગ્યાએ;

પછીથી મૌન તમે ધારદાર ના કરતા !

 .

( શોભિત દેસાઈ )

દસમો ખોવાયો છે – સ્વામિની સદ્દવિદ્યાનંદાજી

[વેદાંત શ્રવણ દરમ્યાન કેટલાક દ્રષ્ટાંતો મને બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. જેમાંથી એક છે “દસમો ખોવાયો છે”. આ દ્રષ્ટાંતનું આલેખન કરી આપવા પૂ. સ્વામિનીજીને હું ઘણાં સમયથી કહ્યા કરતી હતી. પણ શક્ય ન્હોતું બનતું. હમણાં ફરી મને યાદ આવ્યું તો મેં પૂ. સ્વામિનીજી પાસે ઉઘરાણી કરી. અને તેમણે તેમના અમેરિકાના પ્રવાસમાં સત્સંગની વ્યસ્તતા હોવા છતાં તરત લખીને મોકલ્યું. જે આજે હું અહીં પ્રસ્તુત કરું છું.]

.

.

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જંગલમાં નદી કિનારે એક મહાત્મા સ્વામી પરમાનંદજી રહેતા હતા. તેમના આશ્રમમાં વેદપાઠશાળા હતી. વેદપાઠશાળામાં દસ બાળકો વેદાધ્યયન કરતા હતા. તેઓ ત્યાં આશ્રમમાં જ રહીને અંતેવાસી તરીકે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા હતા.

 .

આજકાલ જેવી રીતે શનિ-રવિ રજાના દિવસો હોય છે એવી જ રીતે શાસ્ત્રના અધ્યયન માટે કેટલાક દિવસોને અનધ્યયન દિવસ ગણવામાં આવતા હતા. જેવા કે અમાસ, પડવો, તેરસ વગેરે દિવસોને અધ્યયન માટે અયોગ્ય ગણવામાં આવતા હતા. વેદપાઠની સાથે સાથે દરેક શિષ્યને તેની આવડત અનુસાર આશ્રમમાં કેટલીક સેવાઓ કે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સૌ શિષ્યો આનંદથી અધ્યયન કરતા હતા અને સેવાકાર્ય પણ કરતા હતા.

 .

એક દિવસની વાત છે. તે દિવસ અનધ્યયન દિવસ હતો અને સવારની બધી જ સેવાઓમાંથી શિષ્યો નિવૃત્ત થઈ ગયા હતા. આશ્રમ નદી કિનારે હતો છતાં હજી સુધી આ બાળકોને સામે કિનારેનો જંગલપ્રદેશ જોવાની તક મળી ન હતી. એક બાળકના મનમાં વિચાર આવ્યો અને તેણે તરત જ વિચાર બધાની સામે રજૂ કર્યો “ચાલો ! આપણે સામે કિઅનરે જંગલ જોવા જઈએ !”  અન્ય સર્વ બાળકોએ સહર્ષ તેની વાત સ્વીકારી લીધી. પરંતુ ગુરુજી પાસે જઈને કોણ રજૂઆત કરે ?

 .

બધા જ બાળકો ગુરુજી પાસે ગયા. બધામાં જે એક વયમાં મોટો હતો તેણે નમ્રતાથી ગુરુજી પાસે રજૂઆત કરી. ગુરુજીને પણ થયું કે ભલેને બાળકો જંગલમાં ફરવા જતા. તેમણે પરવાનગી આપી તેથી બધાં બાળકો પ્રસન્ન થઈ ગયા. પણ ગુરુજીએ સૌથી મોટા શિષ્ય દેવદત્તને કહ્યું, “તું વયમાં બધાથી મોટો છે. તેથી અન્ય સર્વેની સંભાળ લેજે. તમે દસે દસ પાછા હેમખેમ આવજો.” દેવદત્તે કહ્યું, “ભલે ગુરુજી ! બધાનું ધ્યાન હું રાખીશ અને દસે જણ હેમખેમ પાછા આવીશું.”

 .

બધા બાળકો આનંદકિલ્લોલ કરવા લાગ્યા. સર્વ તૈયારી કરીને સૌ નીકળી પડ્યા. રજાનો દિવસ એટલે મજાનો દિવસ. સૌ બાળકો મસ્તી કરતા રમતાકૂદતા નદી કિનારે પહોંચ્યા. નદીને સામે કિનારે જવાનું હતું. સૌ તરવાનું જાણતા જ હતા. પણ કોઈ ઉતાવળ તો હતી નહીં. સૌ પાણીમાં રમવા લાગ્યા. કોઈએ ડૂબકી મારી, કોઈ જમણી બાજુ ગયું, કોઈ ડાબી બાજુ ગયું. આમ નદીમાં થોડો વખત રમીને, મસ્તી કરીને વારાફરતી બહાર નીકળવા લાગ્યા. દેવદત્ત થોડો ગંભીર હતો. ગુરુજીએ જવાબદારી સોંપી હતી ને ! તે સૌ પ્રથમ બહાર નીકળ્યો અને બહાર ઊભા રહીને જેમ જેમ અન્ય બાળકો નીકળતા ગયા તેમ તેમ ગણતરી કરવા લાગ્યો. એક બે ત્રણ….નવ. “અરે ! અમે તો દસ જણા હતા નવ જ કેમ ? દસમો ક્યાં ગયો ?” એણે ફરીથી ગણતરી કરી. નવ જ !

 .

એણે એના અન્ય સહાધ્યાયીને ગણવાનું કહ્યું, “તું ગણતરી કર.”  તેણે ગણ્યા તો પણ નવ જ ! બસ બધાના મનમાં નક્કી થઈ ગયું દસમો ખોવાયો છે. એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો અહીં નથી, ખોવાઈ ગયો છે પછી તો તેની શોધખોળ શરૂ થઈ. કોઈ પાછું પાણીમાં કૂદ્યું, કોઈ આગળપાછળ ફરીને જોવા લાગ્યું, કોઈએ જોરથી રડવા માંડ્યું. એકે રડવાનું શરૂ કર્યું એટલે બાકીના બધા પણ રડવા લાગ્યા. હવે ફરવા જવાની મજા બગડી ગઈ. અને આશ્રમમાં પાછા કેમ ફરવું, ગુરુજીને શું જવાબ આપીશું એ ચિંતામાં બધા પડી ગયા. અને બધા જ ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા.

 .

આ મનુષ્ય મનની વિશેષતા છે કે એક વાર એક વિચાર મનમાં અટકી પડ્યો પછી મન બીજી રીતે વિચારવા તૈયાર થતું નથી. તે અન્ય પ્રકારે વિચારવાનું જ બંધ કરી દે છે. કારણ કે નિર્ણય થઈ ગયો છે કે દસમો ખોવાયો છે.

.

કોઈને સમજમાં ન આવ્યું શું કરવું. એજ વખતે એમના ગુરુજીના સહાધ્યાયી મહાત્મા આશ્રમ તરફ આવી રહ્યા હતા. તેમણે દૂરથી બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો અને વિચારવા લાગ્યા કે અત્યારે જંગલમાં કોણ રડી રહ્યું છે ? આ તો બાળકોના રડવાનો અવાજ લાગે છે. તરત તેઓ એ દિશામાં ઝડપથી જવા લાગ્યા. ત્યાં નદીકિનારે પહોંચીને જોયું તો ‘દસ’ બાળકો જમીન પર બેસીને રડી રહ્યા હતા. જેવા નજીક પહોંચ્યા કે તેઓ ઓળખી ગયા કે આ તો તેમના જ સહાધ્યાયી સ્વામી પરમાનંદના શિષ્યો છે. તેમની પાસે જઈને પ્રેમથી પૂછ્યું, “શું થયું તમે અહીં શું કરી રહ્યા છો ?  તમે કેમ રડો છો ?” ત્યારે દેવદત્તે કહ્યું કે “અમે દસ શિષ્ય આશ્રમમાંથી જંગલમાં ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ નદી પાર કરવામાં અમારામાંથી એક ખોવાઈ ગયો છે. અમે ગણતરી કરી તો નવ જ થાય છે. અમે દસ હતા. દસમો ખોવાઈ ગયો છે.”

 .

મહાત્માજી તરત જ સમસ્યા સમજી ગયા. બધાના મનમાં એક જ વાત નિશ્ચિત થઈ ગઈ હતી કે દસમો ખોવાયો છે. તેથી મહાત્માએ તેમને સાંત્વના આપતા પ્રેમથી કહ્યું, “દસમો અહીં જ છે. તમે ચિંતા ન કરો. હું તમને મદદ કરીશ.” આટલું સાંભળીને બધાએ રડવાનું બંધ કરીને એક અવાજે પૂછ્યું, “ખરેખર ? દસમો અહીં જ છે ? તમે અમને મદદ કરશો ?” “જરૂરથી”.

 .

મહાત્માએ સૌને એક કતારમાં ઊભા રહેવા જણાવ્યું. દેવદત્તને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તું ગણતરી કર.” દેવદત્તે ગણતરી કરી. એક, બે, ત્રણ….નવ. જૂઓ નવ જ છે.” તરત જ મહાત્માએ કહ્યું, “તું દસમો છે !”. તરત જ તે બોલ્યો, “ઓહ ! દસમો મળી ગયો. “હું દસમો છું”.

.

શું ખરેખર દસમો મળી ગયો ? શું ખરેખર દસમો ખોવાયો હતો ? દેશ કાળમાં દસમો દૂર હતો ? ત્યાં કેટલા દસમો હતા ? દસે દસ જણ દસમો હતા. કારણ કે જે દસમાને શોધી રહ્યો હતો તે સ્વયં જ દસમો હતો. જે વિચારતો હતો કે દસમો ખોવાઈ ગયો હતો તે જ દસમો હતો. આમ દસમો જ દસમાને શોધી રહ્યો હતો. શોધવાવાળો અને શોધવાનો વિષય બંને એક જ હતા.

 .

એ જ રીતે જીવનમાં આપણે સૌ અનંત સુખ, શાંતિ અને અભયતા શોધી રહ્યા છે. પરંતુ અનંતનો અર્થ જ થાય કે તેમાં તમારો ઉમેરો થઈ ગયો. તમારાથી અલગ, ભિન્ન રહીને તે અનંત ન હોઈ શકે. સૌ કોઈ જાણે છે, “હું છું અને હું ચૈતન્ય છું.” સત, અસ્તિત્વ અને ચિત, ચૈતન્ય તો સૌને ખબર છે. સૌ બાળકો પણ જાણતા હતા કે તેઓ છે અને તેઓ ચૈતન્ય છે. પરંતુ “હું દસમો છું” તે જાણતા ન હતા. એ જ રીતે “હું છું અને હું ચૈતન્ય છું” એ સૌ કોઈ જાણે છે. કોઈને તે કહેવાની જરૂર નથી. છતાં “હું બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું” તે કોઈ જાણતું નથી. આમ શોધનાર અને શોધનો વિષય બંને એક જ છે. સાધક સાધ્ય બંને કે જ છે. દસમો જ દસમાને શોધી રહ્યો હતો એ જ રીતે સુખસ્વરૂપ સ્વયં પોતાને શોધી રહ્યો છે. કેમ ? શા માટે ? કારણ કે પોતાને સુખસ્વરૂપ ઓળખતો નથી.

 .

જેવી રીતે એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો ખોવાયો છે, અહીં અત્યારે દસમો નથી પછી તો એની શોધ શરૂ થઈ જાય છે. એ જ રીતે મનુષ્યે એકવાર નિશ્ચય કરી લીધો છે કે તે દુ:ખી છે, સંસારી છે, જન્મ-મરણવાળો છે પછી તે પોતાને શોકગ્રસ્ત જ જૂએ છે. તે પોતાને અલ્પ, તુચ્છ માને છે.

 .

જેવી રીતે દસમાની શોધ માટે “અન્યબુદ્ધિ”, અન્ય ઉપદેશકની આવશ્યકતા છે એ જ રીતે પોતાના સાચા સ્વરૂપની ઓળખ માટે પણ સદ્દગુરુની આવશ્યકતા છે. તેથી ગીતામાં ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું કે “તું જ્ઞાનીને શરણે જા, તેમને પ્રણામ કર અને તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર. તેમને પ્રશ્ન પૂછ. તે તને ઉપદેશ કરશે.” આમ સદ્દગુરુના ઉપદેશના શ્રવણથી જ પોતાના સાચા સ્વરૂપની ઓળખ થાય છે. સદ્દગુરુ પાસે શાસ્ત્રશ્રવણથી જ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ્ઞાન થાય છે. પરંતુ દસમાનું દ્રષ્ટાંત ઘણું સરળ છે. શાસ્ત્રશ્રવણ પછી પણ પોતે અનંત, પૂર્ણ સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ છે એ સ્પષ્ટ થતું નથી. કારણ કે જન્મોજનમથી, અનાદિકાળથી આપણે પોતાને દુ:ખી, અલ્પ, જન્મ-મરણવાળા માનીએ છીએ. તેથી સતત શાસ્ત્રશ્રવણથી જરૂર છે. શ્રવણ કર્યા પછી તેના પર મનન કરી સંશય, શંકાની નિવૃત્તિ જરૂરી છે. અને સ્પષ્ટ થયા પછી પોતાને અલ્પ માનવાની, દેહ માનવાની આદત પડી ગઈ છે તેથી નિદિધ્યાસનની પણ એટલી જ આવશ્યકતા છે. એકવાર સ્પષ્ટ, દ્રઢજ્ઞાન થઈ ગયું પછી વ્યક્તિ મુક્ત છે.

 .

( સ્વામિની સદ્દવિદ્યાનંદાજી )