સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

.

શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું શ્રાવણ ‘વદ’ આઠમ પર અવસાન.

 .

શું લખું તે જ મને તો સમજ નથી પડતી. સુરેશભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોઈ જ પરિચય ન્હોતો. એક વાચક અને ભાવક તરીકેનો નાતો. એમના લખાણો મારા હૃદયની ખૂબ જ નજીક હતા, છે અને રહેશે.

.

કૃષ્ણ પર એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું તે પછી કવિતા હોય કે ઝલક હોય કે પ્રાર્થના. અને આજે જન્માષ્ટમીના દિવસે જ તેઓ કૃષ્ણમાં સમાઈ ગયા. કદાચ કૃષ્ણને પણ એમના અવાજમાં કૃષ્ણગીતો સાંભળવા હશે એટલે પોતાની પાસે બોલાવી લીધા.

 .

કવિ અને લેખક તરીકે એમણે ઉત્તમ કક્ષાનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. ગણી ગણાય નહીં એટલી બધી કવિતાઓ અને એટલા બધા પુસ્તકો. અઢળક. અને તોય લોકભોગ્ય ભાષામાં. સરળ ભાષામાં ઉંચા અને ઉમદા વિચારોને રજૂ કરી છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા. આ રીતે લોકો સુધી પહોંચવા માટે એમની પાસે બે પ્રબળ માધ્યમો હતા…કવિતા અને ઈમેજ પબ્લિકેશન. ‘ઈમેજ’ના માધ્યમથી એમણે પ્રકાશક, સંપાદક અને અનુવાદક તરીકે જે પુસ્તકો આપ્યા એ બધા જ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યા છે. એમના સંપાદનો દરેક વખતે વિવિધતા ભરેલા રહ્યા છે. આ ઉપરાંત એમણે કેટલાયે નવોદિતોને બનાવ્યા છે, પ્રોત્સાહિત કર્યા છે, પ્રેર્યા છે, તક આપી છે, ઘડ્યા છે અને એમના પછીની બીજી પેઢી તૈયાર કરી છે.

 .

પણ સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ જ. એમના ન રહેવાથી ગુજરાતી સાહિત્યમાં જે શૂન્યાવકાશ સર્જાશે તે ગમે એટલા પ્રયત્નો પછી પણ નહીં પૂરી શકાય.

 .

“મોરપીંછ” એમના પ્રિય કવિ-લેખકને હાર્દિક શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ આપે છે..

 .

સુરેશભાઈ તમે જ લખ્યું હતું….

મૃત્યુ પછી

કાવ્યમાં

કવિ જીવે છે સુખથી.

*

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

*

કંઈ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:

એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે !

*

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

મને સૂતીને સપને જગાડ્યા કરી.

*

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

*

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

*

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

*

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

*

અમે એવા છઈએ : અમે એવા છઈએ

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

*

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

*

આપણે આપણી રીત રહેવું :

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

*

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

*

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ..

આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ…

*

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો

*

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી.

*

હું વિદૂષક છું એમાં કોઈ શંકા નથી

આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં

એટલે હાસ્યથી લૂછી લઉં છું.

*

હજાર વચ્ચે રહેવું નથી મારે બજાર વચ્ચે રહેવું નથી

મને ગુરુ મળ્યા છે ક્ષણમાં

નીરવ એમના મૌનમાત્રથી ગુલાબ ખીલ્યાં છે રણમાં.

*

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ,

અમને થાય પછી આરામ…

*

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

*

અને છેલ્લે…

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનગમતો માણસ એક ચાલ્યો ગયો.

લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો

ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો.

સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને

હણહણતો માણસ એક ચાલ્યો ગયો.

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત અહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

.

[આ સાઈટ બનાવી ત્યારે સાઈડ પરના વિજેટમાં ‘શેરબજાર’ નામનું એક વિજેટ બનાવ્યું છે જેમાં કાવ્યપંક્તિઓ મૂકું છું. ‘શેરબજાર’ નામ લખતી વખતે મનમાં પ્રશ્ન થયો કે ‘શેરબજાર’ આવ્યું ક્યાં ? તો મુંબઈમાં ‘દલાલ સ્ટ્રીટ’માં. દલાલ કોણ ? તો સુરેશ દલાલ. એમાંથી મેં બીજા વિજેટને નામ આપ્યું છે ‘દલાલ સ્ટ્રીટ’ અને એમાં સુરેશભાઈની રચનાઓ મૂકું છું.]

.

હિના પારેખ “મનમૌજી”

વાત કહું શ્યામ…- રમેશ પારેખ

.

તમે આવો તો વાત કહું શ્યામ…

નીત રે ઉઠીને મને ઉંબરમાં તગતગતા

સૂરજની શૂળ એમ વાગે

મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ

મોરપીંછનો પડછાયો લાગે

દર્પણની દ્વારિકામાં દર્પણને તીર

હું તો પાણીને મૂલ વહું શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

.

ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ

મને લૂંબ્રઝૂંબ વાયરે ઝુલાવો

શેરી તો સાવ ફૂંક વિનાનો વાંસ

તમે પંચમની ફૂંક સમું આવો

ઘરના પોલાણમાંથી વાંસળીના સૂર જેમ

વગડે વેરઈ જઉ શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

 .

( રમેશ પારેખ )

…જન્માષ્ટમીની શુભેચ્છાઓ… 

રૂબરૂ – શરીફા વીજળીવાળા

[આમ તો આ સાઈટ પર જે કૃતિ અગાઉ ક્યાંય પણ નેટ પર ન મૂકાઈ હોય એ જ અહીં મૂકવાનો પ્રયાસ હું ૨૦૦૮થી રોજ કરું છું. પરંતુ “ગુજરાતી સાહિત્ય સંગમ” બ્લોગ પર શરીફાબેન સાથેની મુલાકાત વાંચીને અહીં ફરી પોસ્ટ કરવાની લાલચ હું રોકી શકતી નથી. અલબત્ત અગાઉ જ્યાં પ્રાકાશિત થઈ છે તેની લીંકના સાભાર ઉલ્લેખ સહિત જ. ]

ચિટચેટ – નંદિની ત્રિવેદી

ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે.

મુખ્ય શોખ

વાંચવું, લખવું, ઓફબીટ સિનેમા જોવી, ગમતાં લોકો સાથે ગપ્પાં મારવાં અને ક્રિકેટ જોવાનો ભારે શોખ. કોઈ પણ દેશ રમતો હોય તોય આ બંદા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ની જેમ હરખાય અને પોરસાય!

પ્રિય લેખકો

પન્નાલાલ પટેલ, જયંત ખત્રી અને કવિ-સર્જક-વિવેચક તરીકે દ્વિરેફ સૌથી વધુ ગમે. એ મને હંમેશાં સમય કરતાં ૩૦-૪૦ વર્ષ આગળ લાગ્યા છે. લોકપ્રિય સાહિત્યકારો ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ અને વિનોદ ભટ્ટ પણ એટલા જ પ્રિય. પણ ક.મા. મુનશી શિરમોર. સાહિત્યમાં વાર્તા સ્વરૂપ અને આત્મકથા સૌથી વધુ ગમે તેથી દરેક ઉત્તમ વાર્તાકાર મને ગમે. મન્ટો, ઈસમત ચુગતાઈનો જવાબ નહીં. કુર્રેતુલૈન હૈદર, ક્રિશ્ના સોબતી, રાહી માસુમ રઝા, ઈન્તીઝાર હુસૈન અને વિદેશી લેખકોમાં અર્નેસ્ટ હેમિંગ્વે, આર્થર મિલર, શેક્સપિયર તો ખરા જ અને નાટ્યલેખક તરીકે ઈબ્સન.

પ્રિય કવિ

કાવ્યોની હું બહુ ચાહક નથી છતાં નાનપણથી વાચનની શોખીન એટલે એ વખતે વાંચેલાં કાવ્યોમાં કાન્ત સૌથી વધુ ગમતા, યુવાનવયે હરિવંશરાય બચ્ચનની કવિતા પણ ગમતી. એ પછી પ્રહલાદ પારેખ, ઉશનસ, રા.વિ. પાઠક, ઉમાશંકર જોષી, સુંદરમ અને રમેશ પારેખ ખૂબ ગમ્યા છે. આધુનિકતામાં ઓછી ચાંચ ડૂબે છતાં સિતાંશુનાં સર્જનો ઘણાં ગમે. હિન્દીમાં ગુલઝાર, અશોક બાજપાઈ અને દુષ્યંતકુમાર.

પ્રિય સાહિત્યિક કૃતિ

જુલે વર્નની ‘સાહસિકોની સૃષ્ટિ’. પચાસવાર તો મેં એ વાંચી જ છે. એ પછી ગુજરાતનો નાથ, સોક્રેટિસ, માનવીની ભવાઈ, સળગતાં સુરજમુખી, ચુગતાઈની આત્મકથા અને તેમની નવલકથા ‘ટેઢી લકીર’. થાકી હોઉં ત્યારે હળવાશ અનુભવવા વિનોદ ભટ્ટનુું પુસ્તક ‘મારી નજરે’ અવશ્ય વાંચું. ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘ધ ગ્રેપ્સ ઓફ રૉથ’ પણ સર્વપ્રિય.

પ્રિય ફિલ્મો

ફિલ્મ જોવાનો જબરજસ્ત શોખ. દર રવિવારે સાંજે મૂવી જોવાનો નિયમ ૧૭ વર્ષથી બરકરાર છે. જોકે મને હળવી, રોમેન્ટિક અને જરા હટ કે પ્રકારની ફિલ્મો જ ગમે. એકશન ફિલ્મો જરાય ન ગમે. મુગલ-એ-આઝમ એટલી પ્રિય કે બધા સંવાદો સાથે બોલી શકું. કાગઝ કે ફૂલ, પ્યાસા અને તીસરી કસમ મોર્બિડ કહેવાતી હોવા છતાં મારી ફેવરિટ ફિલ્મો. માતૃભૂમિ અને થ્રી ઈડિયટ્સ જેવી મેઈનસ્ટ્રીમ ફિલ્મો ઉપરાંત ‘ખામોશ પાની’, ‘ખુદા કે લિયે’ અને ‘બોલ’ બહુ જ ગમી હતી. ઈરાનીયન ફિલ્મોમાં બાળકો પાસેથી જે અદ્ભુત કામ લેવાય છે અને જે સુંદર સંગીત હોય છે એ નવાઈ ઉપજાવે.

મનપસંદ વાનગી?

ખીચડી. સાચું કહું તો એને મેં મારી ફેવરિટ વાનગી જ બનાવી દીધી છે કેમકે રાંધવાની હું ભારે આળસુ છું. રસોઈના બેસ્ટ શોર્ટકટ મારી પાસેથી શીખી શકાય (હસીને કહે છે).

પ્રેમ એટલે શું?

વ્યાખ્યાયિત કરવો અઘરો. પણ મને લાગે છે કે જેને માટે બધું જતું કરવાની ઈચ્છા થાય, લેવા કરતાં આપવાની દાનત વધુ હોય અને લડ્યા પછી તરત ભેગા થઈ જવાનું મન થાય એ લાગણી પ્રેમ હોઈ શકે.

જીવનસાથી કેવો ગમે?

મળ્યો જ નથી તો શું કહું? હા, એક સમયે ‘મિલ્સ એન્ડ બુન્સ’ના નાયક જેવા જીવનસાથીની કલ્પના કરી હતી, કારણકે મોટાભાગના જુવાનિયાઓની જેમ અંગ્રેજી નવલકથા વાંચવાની શરૂઆત તો મેં એનાથી જ કરી હતી. જોકે, ન મળ્યાનો અફસોસ કે ખોટ ક્યારેય લાગ્યાં નથી, સિવાય કે માર્ચ મહિનામાં ઈન્કમટેક્સની ગણતરી કરવાની આવે. એવું બોરિંગ કામ કે એ વખતે થાય કે કોક હોત તો સારું થાત! મને લાગે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ ઓગળી જાય અને એકબીજા સાથે નિર્ભાર થઈને જીવી શકાય એવો જીવનસાથી શ્રેષ્ઠ.

પ્રિય સંગીત અને સંગીતકાર

હળવું ક્લાસિકલ અને હિન્દી ફિલ્મીગીતો. આજકાલ મને રાશીદખાનનું જબરું ઘેલું લાગ્યું છે. ફિલ્મી ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, મોહમ્મદ રફી અને ભૂપેન હઝારિકા.

તમારા માટે સ્ટ્રેસ બસ્ટર શું?

અનુવાદ. જ્યારે મારા અનુવાદો પ્રગટ થવા માંડે ત્યારે મિત્રો સમજી જાય કે જિંદગીમાં પીડા વધી ગઈ હશે. તાજેતરમાં જ મેં ‘જિન્હે લાહૌર નહીં દેખા’નો ગુજરાતી અનુવાદ કર્યો અને હમણાં ‘સુખા બર્ગદ’ (વડનું ઝાડ)નો કરી રહી છું. અનુવાદ કરતી વખતે હું આખી દુનિયા ભૂલી જાઉં અને સાહિત્યમાં ઓતપ્રોત થઈ જાઉં.

પ્રિય પ્રવાસસ્થળ

જ્યારે શરીર સાજું-સારું હતું ત્યારે પૈસા નહોતા અને હવે પૈસા ભેગા કર્યાં છે ત્યારે શરીર સાથ નથી આપી રહ્યું. ભારત બહાર તો ક્યાંય ગઈ નથી, પણ ભારતમાં હિમાલય સૌથી વધુ ગમે. જુદા જુદા એંગલથી એને નિહાળવાની ખ્વાહિશ છે.

મનગમતી સાંજ એટલે શું?

દુનિયાથી જુદી જ છે મારી સાંજ. ઘરમાં અંધારું કરીને ઊંઘી જવું એ મારી બેસ્ટ ઈવનિંગ. સવારે નવથી સાડા પાંચની નોકરી કરીને આવ્યા પછી ઢગલો થઈ જાઉં એટલે દોઢેક કલાક ઊંઘી જાઉં અને પછી રાત્રે દોઢ-બે વાગ્યા સુધી લખું.

વીકએન્ડ કઈ રીતે વિતાવવો ગમે?

રવિવાર બહુ મહત્વનો. આરામથી ઊઠું અને વળી પાછો બપોરે બાર વાગ્યાથી તો ઊંઘવાનો જ વિચાર આવે. તેથી ફક્ત આરામ, લેખન-વાચન અને સાંજની ફિલ્મ તો ખરી જ.

જિંદગીમાં સૌથી મૂલ્યવાન શું?

પ્રામાણિકતા. મેં નક્કી કરેલા સિદ્ધાંતોમાં કોઈ સમાધાન ન કરું. મૂલ્યોથી વધુ મહત્વનું કંઈ નહીં!

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?

લોકો ગાંધીજીને ભૂલી ગયા છે તો મને શું યાદ રાખવાના?

લોકોની કઈ બાબત ગમતી નથી?

જે દેશે દુનિયાને સર્વોદયની ભાવના આપી તે જ દેશના પ્રજાજન અતિશય સ્વાર્થી બની ગયા છે, સ્વકેન્દ્રીતા વધતી ગઈ છે. અપ્રામાણિકતા, કામચોરીના માહોલમાં બદલાવની શરૂઆત જાતથી કરવાની જરૂર છે.

કોઈ ધ્યેય?

આત્મકથા લખીને જ જવું છે દુનિયામાંથી.

કોઈ ડર?

ના. હું બહુ બિન્દાસ એટલે મારી મા મને હંમેશાં કહેતી કે તું તો ભૂતના પેટની છું. આમ છતાં, તમે માનશો? હોરર ફિલ્મો હું જોઈ શકતી નથી. એનો ડર લાગે.

પુનર્જન્મ હોય તો શું બનવું પસંદ કરો?

શરીફા જ. પણ જે જગ્યાએ મને મારા નામની સજા ન મળતી હોય એવા સ્થળે જન્મ લેવો છે. હું ભારતપ્રેમી છું, આ દેશ મને અતિશય પ્રિય છે, છતાં ઈતિહાસની સજા મને શા માટે? ઔરંગઝેબે મંદિર તોડ્યાં એમાં મારો શો વાંક? જિંદગી આખી ખભેથી ઈતિહાસ ખંખેરવામાં જ ગઈ તોય ધર્મના ‘રખેવાળો’એ બમણા વજનથી ઈતિહાસ મારા પર થોપ્યો. સામાન્ય લોકોની વસાહતમાં ઘર ન મળવાને કારણે ૨૯ વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યાં. ૬૪ બિલ્ડરોએ ના પાડી હતી. શા માટે? જો હું ભારતીય હોઉં તો મારો પોતાનો ‘અલગ’ વિસ્તાર કેવી રીતે હોય? જો હું મુસ્લિમ બનવા તૈયાર થાત તો મને મુસ્લિમ વિસ્તારમાં અને હિંદુ બનવા તૈયાર હોત તો મને હિન્દુ વિસ્તારમાં ઘર મળ્યું હોત. મારી મથામણ માણસ બનવાની હતી. માણસ થવા ગઈ એની સજા મળી. માણસને એકબીજા સામે પ્રશ્નો નથી હોતા, ટોળાંને જ હોય છે. પરંતુ, માનવતા મરી પરવારી નથી. માણસજાત પ્રત્યેની શ્રદ્ધાને કારણે ૧૮ વર્ષે મને છેવટે મારું ઘર મળ્યું છે, મારા ઈચ્છિત વિસ્તારમાં જ. મને આશા છે કે, વો સુબહ જરૂર આયેગી, જ્યારે ધર્મ-કોમ-પ્રદેશવાદથી પર થઈને માણસ પોતાના ‘મનુષ્યત્વ’ને સાર્થક કરશે, માણસ માત્ર ‘માણસ’ને શોધશે.

આભાર :

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=28987

http://gujaratisahityasangam.wordpress.com/2012/08/04/sharifa-vijaliwala/

 

આવવા દે – શોભિત દેસાઈ

.

સુગરી કપોત તેતર ચકલાંને આવવા દે

પર્યાય છે પરમના ટહુકાને આવવા દે

 .

પહેલાં તો સ્તંભ પર તું દેખાડ એક કીડી

મોકલ પછી-નિરાંતે ભડકાને આવવા દે

.

ખાબોચિયું બનીને ખુદ પૂરતું ના વિચારીશ

ભીતર પ્રસાર પહોળું, દરિયાને આવવા દે

.

આક્ષેપ હોય તો છે રક્ષણ જરૂરી તારું

જો હોય એ કસોટી-પથરાને આવવા દે

 .

અંધારું એવું, કાંઈ ભાળી નથી શકાતું

પકડી શકું, દિશા હું, પડઘાને આવવા દે

 .

આવે તું સામે ત્યારે ભાષા દગો જો આપે

કિંતુ-પરંતુ-જોકે-અથવાને આવવા દે

 .

અવરોધ સૌ વટાવી સૂરજને ઝીલવો છે

વચ્ચેથી દૂર થા તું, તડકાને આવવા દે

 .

( શોભિત દેસાઈ )

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૫-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

.

.

.

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૨-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૩-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૪-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

અમે – નીતિન વડગામા

.

અમે સંતના ચેલા.

લોક ભલે ને અવગણતા ને ગણતા ગાંડાઘેલા !

.

શાતા આપે એ જ અમારું એક અસલ સરનામું,

રુદિયાને ના રુચે એ સઘળુંયે સાવ નકામું.

કોઈ કહે બડભાગી અમને, કોઈ કહે વંઠેલા !

અમે સંતના ચેલા.

 .

એ જ અમારી અંદર મ્હોરે વડલો થઈ ઘેઘૂર,

કેમ કરીને થાવું ખુદના પડછાયાથી દૂર ?

આંખ મળે ત્યાં આપોઆપ જ થઈ જાતાં અલબેલા !

અમે સંતના ચેલા.

 .

( નીતિન વડગામા )

અસ્તિત્વને ખોયા વિના – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

અસ્તિત્વને ખોયા વિના અત્તર થવાય ના,

ચાલીને કાંખઘોડીથી પગભર થવાય ના.

.

એ મારો પિંડ છે કે હું ઉત્તર બની શકું,

તું પ્રશ્ન છે, ને પ્રશ્નથી ઉત્તર થવાય ના.

 .

પીવું અને પચાવવું એની કમાલ છે,

પીવાથી માત્ર ઝેર કંઈ શંકર થવાય ના.

 .

ઓળખ અલગ અલગ છે અહીં પ્રત્યેક જીવની,

કોઈથી પણ કોઈની બરાબર થવાય ના.

 .

આંગણ હો આપણું અને ઉત્સવ હો આપણો,

‘નાદાન’ પારકાને ત્યાં અવસર થવાય ના.

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

બેઠો છું – બેજાન બહાદરપુરી

.

ન આદિ અંત જેની વાત એ માંડીને બેઠો છું,

સમયના ફીંડલાને ખૂંટીએ ટાંગીને બેઠો છું.

 .

ન ઝંઝાવાતનો છે ડર, ડરાવે શું હવે આંધી,

દીવાની વાટને બે હાથથી ઢાંકીને બેઠો છું.

.

દિશાઓને ગજવવાના થવાના ચૂર સપનાઓ,

વહી વંચા ! હું મારા ભાગ્યને વાંચીને બેઠો છું.

 .

હવે નહિ ઘૂઘવે મોજાં, હવે સંભળાય નહિ ગર્જન,

ઈલમથી સાત સાગરની નજર બાંધીને બેઠો છું.

 .

ઘૃણાઓના પડ્યા હેવા અને બંધાણ જખમોનું,

જનોઈ વાઢ કાતિલ ઘાવ હું સાંખીને બેઠો છું.

 .

રજતનો પાસ લાગ્યો કેશને ‘બેજાન’ ઉતાવળ કર,

પ્રતીક્ષા આંખમાં શબરીની જો આંજીને બેઠો છું.

 .

( બેજાન બહાદરપુરી )