આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

ખલિલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી એમને કહે છે, “અમને પીડા અંગે જણાવો.” અલમુસ્તફા કહે છે કે, “તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે. કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.”

આ સવાલ સ્ત્રી પાસે પુછાવીને ખલિલ જિબ્રાને એક સુંદર વાત કરી છે. પીડા સાથેનો સ્ત્રીનો સંબંધ જૂનો છે. એ દરેક વખતે પોતાની અંદર ઘવાતી, પીડાતી આવી છે. સ્ત્રીનું જ્ઞાન ક્યારેય સ્વીકારાયું નથી. સ્ત્રીની આવડત, સમજદારી કે અધ્યાત્મ વિશે સતત સવાલો ઊઠતા રહ્યા છે. આજની અર્બન સ્ત્રીને સફળ થવા માટે એ જ સંઘર્ષ કરવો પડે છે જે આજથી હજારો વર્ષ પહેલાં પુરાણકાળની સ્ત્રીને કરવો પડતો હતો.

ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. એક કથા કહે છે કે આમ્રપાલી નામની ગણિકાએ બુદ્ધ પાસે દીક્ષા માંગી હતી, પરંતુ બુદ્ધે એવું કહીને એને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો કે, “ફરસી નીચે મસ્તક મૂકવું કે વિકરાળ વાઘના મુખમાં પડવું સરળ છે, પરંતુ ગણિકાના મોહમાં ફસાવું એથીયે વધુ ભયાનક છે.”

બુદ્ધનો ઉછેર કરનાર ધાત્રી મહાપ્રજાપતિ ગૌતમીને સંસાર ત્યાગીને ભીખ્ખુ સંઘમાં ભળવું હતું. એણે ત્રણ વાર વિનંતી કરી અને બુદ્ધે ત્રણ વાર ના પાડી.

એ સિવાયના કેટલાક ધર્મોમાં સ્ત્રીઓને દીક્ષા આપવાનો કે દર્શનનો નિષેધ છે. આ કેમ છે, શા માટે છે એ વિશેનો સવાલ દરેક વખતે, દરેક યુગમાં, દરેક સ્ત્રીએ પૂછ્યો છે.

રાજ્યસભાની વચ્ચે જે દ્વૌપદીએ કુરુવંશના અનેક વડિલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે, “મારા પતિ પહેલા મને હાર્યા કે પોતાની જાતને ?” ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્વૌપદીએ વર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએ ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં.

એક સ્ત્રીએ જ – એની સાસુ કુંતીએ જ એને પાંચ પુરુષો વચ્ચે વહેંચાવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં એણે અનૌરસ કર્ણના મોઢે ‘વેશ્યા’ શબ્દ સાંભળવો પડ્યો ત્યારે કોઈએ ઊભા થઈને એનો પક્ષ ન લીધો !

સમાજની આ આખીયે વ્યવસ્થા સ્ત્રી વિરોધી શા માટે છે એ સવાલ હવે ખરેખર મહત્વનો બનતો જાય છે. કારણ કે સ્ત્રી સમાજવ્યવસ્થાના પાયામાં છે. દરેક વખતે કોઈ પણ સમાજ જ્યારે હચમચી ઊઠે ત્યારે એના પાયા – એના પાયામાં રહેલી સ્ત્રી હચમચી ઊઠી છે એમ ચોક્કસ માની લેવું.

સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે, કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જ સમાજવ્યવસ્થાને આધીન રહે છે. સમાજવ્યવસ્થા તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના ચારિત્ર્ય પર આ સમાજવ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈ પણ સમાજ જ્યારે પણ સ્ત્રીને અવગણીને આગળ વધે છે ત્યારે એ સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી.

જેમને વેદો-પુરાણોમાં શુદ્ર તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે કારણ કે નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.

સ્ત્રીનો સ્વભાવ એક જ પુરુષ સાથે બંધાઈને રહેવાનો અને સલામતી ઝંખવાનો છે, પરંતુ એ સહી શકે એનાથી વધારે અત્યાચાર એના ઉપર ગુજારવામાં આવે ત્યારે એમાંથી જન્મેલો વિદ્રોહ સર્વનાશ સર્જે છે. સ્ત્રીનો વિદ્રોહ સમાજને બદલે છે – બદલવાની ફરજ પાડે છે.

બહુ શાંતિથી વિચારીએ તો સમજાશે કે પુરુષ ભાગ્યે જ બદલાયો છે. આજથી ૨૦ વર્ષ પહેલાંના પુરુષમાં અને આજના પુરુષમાં ઝાઝો ફરક નથી પડ્યો. એની જરૂરિયાત, માનસિકતા અને માન્યતા આજે પણ એ જ છે જે આજ થી ૨૦ વર્ષ પહેલાં હતાં. મા-બહેન-પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે. એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજન અને ઉપભોગનું, સવલતનું અને સેવાનું સાધન હતી આજે પણ છે. એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે…

ખરું પૂછો તો છેક પુરાણોના કાળથી પુરુષના મન અને વિચારોમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી પરંતુ સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઈ છે. એણે પોતાનો વિકાસ જાતે સાધ્યો છે અને એનું કારણ એની પીડા છે. ફિનિક્સ પંખી પોતાની જ રાખમાંથી ઊભું થાય છે. એવી રીતે સ્ત્રી દરેક વખતે પોતાના જ વિનાશમાંથી નવું સર્જન કરે છે.

જેમ બીજને ઊગવા માટે ધરતીમાં દબાવવું પડે છે એમ દબાયેલી, કચડાયેલી સ્ત્રી ફણગો ફોડીને વિકસે છે અને વિશાળ વૃક્ષ બની જાય છે. જ્યારે પુરુષ માટીની જેમ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ભર્તૃહરિએ પોતાના એક શ્લોકમાં આ વાત કહી છે.

મનુસ્મૃતિમાં મનુએ પતિ-પત્નીને એમનો ધર્મ સમજાવવાની સાથે જ પતિને પત્નીનો આદરસત્કાર કરવાનો આદેશ અપ્યો છે. મનુએ પત્નીનું માનસન્માન શા માટે કરવું જોઈએ એ વર્ણવવા ત્રીજા અધ્યાયમાં કેટલાક શ્લોકો રચ્યા છે.

-“જ્યાં સ્ત્રીનો આદરસત્કાર થાય છે ત્યાં દેવીદેવતાઓ પ્રસન્ન થાય છે પણ જ્યાં એમનો સત્કાર થતો નથી ત્યાં યજ્ઞયાજ્ઞાદિ સર્વ ધર્મક્રિયાઓ વિફળ નીવડે છે.”

-જ્યાં પત્ની, ભગિની, પુત્રી, દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કરે છે તે કુળ તત્કાળ નાશ પામે છે પણ જ્યાં તેઓ શોક કરતી નથી તે કુળ હંમેશાં વૃદ્ધિ પામે છે.

-‘આદરસત્કાર નહીં પામેલી પત્ની, બહેન વગેરે સ્ત્રીઓ જે ઘરને શાપ આપે છે તે ઘરો જાણે કૃત્યાથી હણાયાં હોય તેમ ચારેબાજુથી નાશ પામે છે.’

-‘ઐશ્વર્યેચ્છુ પુરુષોએ સત્કારના પ્રસંગોમાં તથા ઉત્સવોમાં દાગીના, વસ્ત્રો અને ખાનપાનોથી સ્ત્રીઓનો નિત્ય સત્કાર કરવો.’

સ્ત્રીઓ વિશેના પરસ્પર વિરોધી આટઆટલાં મંતવ્ય છતાં આ જગત સ્ત્રી વિના ચાલી શકે તેમ નથી એ સત્ય છે. કોઈ નવલકથા, વ્યાખ્યાન, કવિતા કે સિનેમા પણ સ્ત્રીની હાજરી વિના રસહીન-અર્થહીન બની જાય છે.

સ્ત્રીઓની કથાઓ અત્યંત પ્રચલિત છે. મહાભારત, રામાયણથી શરૂ કરીને આપણી વાર્તાઓમાં સ્ત્રીઓનાં જુદાં જુદાં પાત્રો જોવા મળે છે. આમાંનાં કેટલાંક પાત્રોનો માત્ર નામોલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહાભારત અને રામાયણમાં આવાં પાત્રો ઘણાં મહત્વનાં હોવા છતાં એમના વિશે ખાસ કશું લખાયું નથી.

એમની પીડા, એમની મનોવ્યથા, એમના સુખ કે એમની સમજદારીની કથા મેં એમના જ મુખે લખવાનું નક્કી કર્યું છે.

‘હું’ – ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં લખાતી આ કથા સ્ત્રીની પોતાની કથા છે.

આ કોઈ ઇતિહાસ, સંશોધન કે બીજા સંદર્ભ ગ્રંથો પર આધારિત દાખલા-દલીલો ટાંકીને કરવામાં આવતો શાસ્ત્રાર્થ નથી જ. આ કથા છે, એવી સ્ત્રીની, જેમને કંઈ કહેવું છે…એમની પોતાની કથા તમે જાણો, સાંભળો એવું કદાચ આ સ્ત્રી પણ ઇચ્છતી હશે.

એવાં સંવેદનો, જેને તમે પોતીકાં માન્યાં હશે એવી લાગણીઓ, જેમાં ક્યાંક તમે તમારું પ્રતિબિંબ જોઈ શક્યા હશો.

સ્ત્રી હોય કે પુરુષ – સંવેદનોની તીવ્રતા ભિન્ન હોઈ શકે સંવેદનાઓ ક્યારેય ભિન્ન નથી હોતી.

આ કથા કહેવાનું એકમાત્ર કારણ એ છે કે જેને ક્યારેય મહત્વ નથી આપવામાં આવ્યું અથવા જેમના શબ્દ આપણા સુધી નથી પહોંચી શક્યા એવી સ્ત્રીને પુરાણોનાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ત્રી તો છે જ – સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેંચાતી સમસંવેદનાઓ છે.

આ દ્વૌપદી ‘આજની’ છે…હજી જીવે છે ક્યાંક, તમારામાં અને મારામાં પણ !

( કાજલ ઓઝા વૈદ્ય )

દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રા. લિ.

પૃષ્ઠ : ૨૫૫

કિંમત : રૂ. ૧૯૫/-

18 thoughts on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

  1. 1) કાજલ ઓઝાનું આ પુસ્તક , મારા રીડ લીસ્ટમાં છે , પણ હજી ત્યાં સુધી પોહ્ચાયું નથી :( , ખરેખર કાજલબેન એક કરંટ આપી જાય છે !

    2) ” માં -બહેન -પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે . એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજનનું અને ઉપ્ભોગનું , સવલતનું અને સેવાનું સાધન હતી , આજે પણ છે . એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે . . . ”

    ” The Killer statement “, Sadly saying , still there . . . .

    Like

  2. 1) કાજલ ઓઝાનું આ પુસ્તક , મારા રીડ લીસ્ટમાં છે , પણ હજી ત્યાં સુધી પોહ્ચાયું નથી :( , ખરેખર કાજલબેન એક કરંટ આપી જાય છે !

    2) ” માં -બહેન -પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે . એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજનનું અને ઉપ્ભોગનું , સવલતનું અને સેવાનું સાધન હતી , આજે પણ છે . એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે . . . ”

    ” The Killer statement “, Sadly saying , still there . . . .

    Like

  3. કાજલજીએ જે લખ્યું છે તે દરેક શબ્દ હ્રદયને હલાવી દે એવું છે. ઘણા પુસ્તકોમાં તો જાણે…..

    Like

  4. કાજલજીએ જે લખ્યું છે તે દરેક શબ્દ હ્રદયને હલાવી દે એવું છે. ઘણા પુસ્તકોમાં તો જાણે…..

    Like

  5. આખાબોલા સ્પષ્ટતાભર્યા કથનો-વિધાનો… અને ‘નારી ‘ -“સ્ત્રી” અંગે બેસુમાર બોલવું…લખવું… એ કાજલબેનનો આગવો સ્વભાવ… વાત તો સાચીજ! અન્યાય થતો આવ્યો છે યુગોથી…ચોખ્ખી હકીકત !અને હક-અધિકારની દૃષ્ટિએ પણ સાચા… આજનીએકવીસમી સદીમાં, આધુનિકતાના મોડર્ન જમાનામાં પ્રતિનિધિત્વ સ્વેચ્છાએ લગભગ એકલપંડે સ્વીકારવું…તેમની હિંમત – બોલ્ડનેસ બદલ ઘણું કહી જાય છે. ‘ બ્રેવો ‘ તો કહેવું જ પડે…. આ શિક્ષિત ‘ક્લાસ’ના ફરજ અને કર્તવ્ય બાબતે દીવાદાંડી સમાન સામાજિક કાર્ય જ છે!
    શાબાસ …મશાલ જલતી રાખજો….

    Like

  6. આખાબોલા સ્પષ્ટતાભર્યા કથનો-વિધાનો… અને ‘નારી ‘ -“સ્ત્રી” અંગે બેસુમાર બોલવું…લખવું… એ કાજલબેનનો આગવો સ્વભાવ… વાત તો સાચીજ! અન્યાય થતો આવ્યો છે યુગોથી…ચોખ્ખી હકીકત !અને હક-અધિકારની દૃષ્ટિએ પણ સાચા… આજનીએકવીસમી સદીમાં, આધુનિકતાના મોડર્ન જમાનામાં પ્રતિનિધિત્વ સ્વેચ્છાએ લગભગ એકલપંડે સ્વીકારવું…તેમની હિંમત – બોલ્ડનેસ બદલ ઘણું કહી જાય છે. ‘ બ્રેવો ‘ તો કહેવું જ પડે…. આ શિક્ષિત ‘ક્લાસ’ના ફરજ અને કર્તવ્ય બાબતે દીવાદાંડી સમાન સામાજિક કાર્ય જ છે!
    શાબાસ …મશાલ જલતી રાખજો….

    Like

  7. Pingback: કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a reply to Nirav Cancel reply