મારી પેઢી – માર્ટિન ઑલવુડ

.

મારી પેઢીએ ઝંખના કરી

એક મા-ની

તેને સાંપડી

પત્તાં રમનારી એક પૌઢા !

 .

સૂતી વેળાએ મારી પેઢી ઝૂરતી’તી

એક બાપને માટે

પેલા થાકીને ચૂર થયેલા વેપારી માટે નહિ !

 .

મારી પેઢી તલસતી હતી,

એક સરસ ઘર માટે

અને તેને મળી હિજરત !

 .

મારી પેઢીએ શમણાં જોયાં

કાવ્ય લખવાનાં,

તેને જાહેરખબર લખવાની નોકરી મળી !

 .

એક વધારે સારી દુનિયા રચવા ઈચ્છતી’તી

મારી પેઢી :

તેણે નરસંહાર માટે વધારે સારાં શસ્ત્રો સર્જ્યાં !

.

મારી પેઢી જન્મી

ત્યારથી જ

પોતાની મૈયતમાં મદદ કરતી આવી છે !

 .

સુંદર, સુડોળ બલિષ્ઠ દેખાય છે

મારી પેઢી :

મૂંગા અરીસાની સામે ઊભી હોય ત્યારે સ્તો !

 .

( માર્ટિન ઑલવુડ, અનુ. ઉદયન )

 .

મૂળ કૃતિ : સ્વીડિશ

બીલીપત્ર – મનસુખલાલ ઝવેરી

૧.

આ સાંજરે ઉદય શો અહીં સૂર્ય કેરો

કે એહનાં કિરણના બસ સ્પર્શમાત્રે

મારાં વિષાદ, કડવાશ, વિરાગ કેરાં :

ઊડી ગયાં ધુમ્મ્સ ! ને

ભૂગર્ભમાં ક્યહિંય ડૂકી ગયેલ પેલી

સૌએ સજીવ થઈ ગૈ સરવાણી સામટી !

ગાઈ રહ્યું વિહગ ગીત ગળું ભરી ભરી !

 

૨.

તારી આંખે અજબ ભર્યું આ શું ય કે

આ શું તેણે

ખેંચી મારા મહીંથી મુજને,

મૂકી દીધો અનન્તે !

તું દ્વાર મારું અમરત્વનું :

સ્પર્શ તારે

મારો ગયો મરણનો થઈ પાશ ઢીલો !

 

૩.

તારી આંખમાં એવું કયું સંગીત ભર્યું છે

કે તે મારા અહંના નાગને

એના દરમાંથી બહાર ખેંચી કાઢે છે :

ને પોતાને તાને તાને

બંકિમ છટાથી ડોલાવીને,

વિષધરને બનાવી દે છે સુન્દર !

 

( મનસુખલાલ ઝવેરી )

આપણે – જયન્ત પાઠક

સૂરજને જોવાની તાલાવેલીમાં

આખી રાત જાગીએ

ને પછી

સૂરજ વગરનું સવાર પડે !

આખી રાત

આકાશના મધપૂડાને નિચોવ્યા કરીએ

મધમાખોના ડંખ સહીએ

ને પછી સવારમાં

કાણો પડિયો ચાટવા મળે !

પંખીને પામવા

પહેરેલું વસ્ત્ર નાખીએ

ને

ભાયગ આગળ ભોંઠા પડીએ !

જિંદગીને ખભે બેસાડીને

જાળવી જાળવી ચાલીએ

ને ચાલી ચાલી આવીએ

આખરે તો

એક નાજુક ટેકે ટેકવાઈ રહેલી

મરણની ભેંકાર ભેખડ ઉપર !

આપણી ધારણાઓની ધાર

વારે વારે વાગ્યા કરે

ને આપણે

લોહીલુહાણ…લોહીલુહાણ…

 

( જયન્ત પાઠક )

શું થયું ? – કમલ વોરા

.

રેતીમાં પગ ખોડવાથી શું થયું ?

કે રણોમાં દોડવાથી શું થયું ?

 .

કાચ તો યે કાચ બસ કેવળ રહ્યો

આયનાઓ ફોડવાથી શું થયું ?

.

તું સમયના સાપનો ફુત્કાર જો

કાંચળી તરછોડવાથી શું થયું ?

 .

રક્તમાં ઘૂમતાં વમળ અટક્યાં નહીં

શબ્દ યાદો જોડવાથી શું થયું ?

.

જો દિશાઓ આભ આ સામે ઊભા

માત્ર ભીંતો તોડવાથી શું થયું ?

 .

( કમલ વોરા )

મૃત્યુ – પ્રકાશ દવે

.

બારીમાંથી

રોજ ડોકિયું કરી

પાંગરી રહેલા વૃક્ષને

હું નિરખ્યા કરું છું

 .

વીતેલા પ્રસંગોને

તપાસવા માટે

હું રોજ એક એક પાંદડું તોડી

માઈક્રોસ્કોપ હેઠળ

તેનું નિરીક્ષણ કરું છું

.

અને વિચારું છું

કે

આ વૃક્ષને

પાનખર સાથે કંઈ સંબંધ ખરો ?

 .

( પ્રકાશ દવે )

શાશ્વત સમુદ્ર – માર્જોરી પાઈઝર

.

સમુદ્રકિનારે મોજાંનાં તોફાન સામે

હું બેસું છું ત્યારે

મારી છાતી કૂટું છું

અને મને થયેલી ઈજા માટે રડું છું

અને તોયે મોજાં ઘૂઘવ્યા કરે છે.

હું નહીં હોઉં ત્યારેય,

મારા બધા જખમો અને શોક

સમયના સમુદ્રમાં ભુલાઈ ગયા હશે ત્યારેય

એ આમ જ ઘૂઘવ્યા કરતાં હશે.

હું અંતિમ નિદ્રામાં સૂતી હોઈશ ત્યારે

શાશ્વત મોજાં

આ રેતીને ધોઈ નાખશે

આજે ધોઈ નાખી છે એમ જ.

હે શાશ્વત સમુદ્ર,

મારા શોક અને જખમોને ધોઈ નાખ

અને મને ફરી પાછી સ્વસ્થ બનાવ.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મણકા સમી જ – શ્યામ સાધુ

.

મણકા સમી જ એને વિખેરી શકાય છે,

ઈચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે !

 .

આવો તરસને આંખનું ઉપનામ આપીએ,

મૃગજળ સમું કહે છે – સમેટી શકાય છે !

 .

નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો,

‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’

 .

વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં,

હા, એટલું ખરું કે પહેરી શકાય છે!

 .

એકાદ ચિંતા ફૂલની માફક ચૂંટી જુઓ,

લિપિ ઘણી ય ઊંધી ઉકેલી શકાય છે!

 .

( શ્યામ સાધુ )

નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

.

નથી જોઈતાં મને હવે

આ સંબંધોનાં ચોરદીવાનાં

નાનાં નાનાં ગોળ ચકરડાં

 .

ભલી એથી વિસ્તારભરી

આ અંધકારની સોડ

પ્રગટે એની મેળે ઢાંકે અંગેઅંગ

ઊંડે ઊંડે ઊતરી હવે શોધું એનો સંગ

દેખાય જે ના ભુલાય જે ના

મૌનતણી વાણી એની

પૂરી હજી સમજાય ના

પળપળનો સંગાથ એનો

તોય કદી વિસરાય ના

.

શી પરવા એ જડે ન જડે

બેસવું નિશ્ચિત થઈ એક કોર

એની મેળે શોધી કાઢશે

એ જ મને જરૂર.

 .

( ધીરુબેન પટેલ )

કારતૂસ – અનિલ જોશી

.

અઘોર યાતનામાંથી પ્રસવતી

નવજાત સ્વતંત્રતાની આંખ

ખૂલી ન ખૂલી ત્યાં

સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.

યાતનાનું તરફળવું

અને બરફનું ઓગળવું

એટલે ગંગા થઈ જવું.

શિશિરના હૂંફાળા તડકામાં

ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ

ગંગાનાં પાણીમાં પડ્યું

ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.

ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં

ને એ તૂટતાં વર્તુળોમાં

અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.

અમે નાના હતા ત્યારે

ચોપડી વાંચતાં વાંચતાં

પાનું ભૂલાઈ ન જાય એ માટે

ચોપડીમાં મોરપીંછ રાખતા

તો ક્યારેક વળી

સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.

આજે મોટા થયા છીએ ત્યારે

ઈતિહાસનું પાનું યાદ રાખવા માટે

અમે કારતૂસો રાખીએ છે.

 .

( અનિલ જોશી )

એક તાળી દેતામાં – હરીશ મીનાશ્રુ

.

એક તાળી દેતામાં ભવ વીતે

હવે માણસ જીવે તો કઈ રીતે ?

.

સુક્કી હથેળીમાં સુક્કી તિરાડ

અને સપનાંની સુક્કી આ કુંડળી

આંસુનાં ટીપાંથી સાંધેલી આંખ

જાણે પરપોટા ગેરવતી ભૂંગળી

માણસની જેમ હવે ખખડે છે

સુક્કાતું પાંદડું યે ઘરની પછીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

પાણીમાં કુંડાળાં ફેલાતાં જાય

એમ જીવતરનું ફેલાતું ગૂંછળું

પીગળતું જાય હવે માણસનું નામ

જેમ તડકા વચાળે મીણ-પૂતળું

સમ્મયની સોગઠાંબાજીમાં, ભાઈ

એક માણસ હારે ને પળ જીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

( હરીશ મીનાશ્રુ )