રમત – ( સિતાંશુ યશશ્ચંદ્ર )

.

હવે તમતમારે રમો નિરાંતે ફીલ્ડમાં,

હું તો જરાક બેઠો છું,

બાઉન્ડરી લાઈનની બહાર,

બેન્ચ ઉપર.

ના, ના, તમારી સાથે જ છું: પણ હવે જરા ત્યાં.

આટલો બધો ટાઈમ ગ્રાઉન્ડમાં રમ્યો છું

એટલે રમતની જે મઝા છે એ તો જાણું જ ને, પૂરેપૂરી ?

તમે દિલથી રમો, દિમાગ લગાવીને, કૌવત કસીને દેહનું.

તમારી એકેએક ખૂબીને જોનારો બેઠો છે

બાઉન્ડરી લાઈનની સહેજ જ બહાર, એની ગેરેન્ટી.

એકેએક ખૂબી તમારી જાણે છે, તમારી ચપળતા

અને ચાલાકી અને અજોડ આવડત માણે છે ને બિરદાવે છે,

બહારથી,

એ ખ્યાલે મેદાનમાં તમનેયે મઝા આવશે થોડીક વધારે.

ને ભૂલો.

મેંયે એટએટલી ભૂલો કરી છે,

રમતમાં ને રમતમાં,

કે તમે એવી ચિંતા કરતા નહીં.

તમારાથી જો થઈ જાય કોઈ ભૂલ, રમતમાં,

તો થાય.

મારાથીયે થઈ’તી,

વાંધો નહીં.

ને હું ક્યાં અમ્પાયર છું, કે સ્કોરર ?

આ તો જરા બેઠો છું, બે ઘડી નિરાંતે.

રમો તમતમારે નિરાંતે, મન મૂકીને,

કોઈ બીજું છે જ નહીં, રમત સિવાય, એમ;

જાણે સ્ટેડિયમ ખીચોખીચ છે, ચારે તરફ, એમ.

ખાલીપા અને ખીચોખીચ વચ્ચેની ખડીની લાઈનને

લગભગ અડીને

હાલ તો હું બેઠો છું બે ઘડી.

જોઉં છું મોજથી, જરાક બાઉન્ડરી બહારથી,

જાણે તમારી સાથે જ છું.

 .

( સિતાંશુ યશશ્ચંદ્ર )

Leave a comment