વર્ષો થયાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બે કદમ છેટું હતું પણ ત્યાં જતાં વર્ષો થયાં,

મનથી, શ્રદ્ધાથી ખરેખર ઝૂકતાં વર્ષો થયાં.

 .

મ્હેં મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો,

કોચલું તોડી લીલુંછમ ઊગતાં વર્ષો થયાં.

 .

બાપદાદાના સમયની એક જે મૂર્તિ હતી,

ધૂળ એની પાંપણોથી લૂછતાં વર્ષો થયાં.

 .

માણસો સીધા-સરળ મળતા હતા પણ તે છતાં,

આંખ મીંચીને ભરોસો મૂકતાં વર્ષો થયાં.

 .

બંધ રહેવાની મથામણમાં દુ:ખી-દંભી થયા,

ખૂલવું સ્હેલું હતું પણ ખૂલતાં વર્ષો થયાં.

 .

રાખવા જેવું હતું જે યાદ ન આવે કશું,

ને દુ:ખદ સઘળા પ્રસંગો ભૂલતાં વર્ષો થયાં.

 .

એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કીન ખરું,

છોડવું કોને હતું ? તે છૂટતાં વર્ષો થયાં.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share this

2 replies on “વર્ષો થયાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.