પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા

.

પોપચાંને ચૂમી જગાડ તું

આંખો રેતાળ, એમાં

મોગરાનું ફૂલ ઉગાડ તું

 .

રાત ઓછાડની ન ઊકલેલી ગડી

સવાર હુલાવે એલાર્મની ઘંટડી

બંધ હોઠથી બંસરી જગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

ખાલી ફૂલદાન ખાલી આઈનો હોઉં છું

સપનામાં પોતાને તૂટી જતો જોઉં છું

મને જીવવાનો ચસ્કો લગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

( સંદીપ ભાટીયા )

યાદ આવે છે – સુરેશ દલાલ

કોઈકની મને યાદ આવે છે,

જળનો ઝીણો સાદ આવે છે.

 .

દરિયા-કાંઠે ફરતો રહું

મોજાં ઊછળે, શમે.

સાંજને સમે તારા વિના

કઈ રીતે મને ગમે ?

હવા નહીં, વિષાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

હલેસાં વિના એકલી હોડી

કોણે મારા જળમાં છોડી ?

રાતની ઘૂઘવે શાંતિ, મને

કોણ ગયું તરછોડી ?

ખારો ખારો સ્વાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

( સુરેશ દલાલ )

છું કે નહિ ? – લાભશંકર ઠાકર

અંધકારમાં

દીપ પેટાવું છું છતાં

મને કેમ દેખાતો નથી ?

કોણ ?

હું.

તું નથી ?

મારે એ જ જાણવું છે કે-

હું

છું કે નહિ ?

આ કોણે આપ્યો જવાબ ?

મેં.

તેં ?

હા, તારા નિત્ય નકારે.

તો મારો હકાર ક્યાં છે ?

તે નથી.

એટલે ?

તું નથી.

તો આ ભીતરની ભીતરમાં

છું-છું-છું-છું એવો…

એવો…અવાજ કરે છે કોણ ?

ઈચ્છના પિચ્છ ફફડાવતું

કલ્પાયન તારું.

 .

( લાભશંકર ઠાકર )

વિખેરાતા ટહુકાઓની વચ્ચેથી… – પ્રફુલ્લ પંડ્યા

હું તો પંખી બનીને રોજ ટહુક્યાં કરું છું;

ભલે ઓછાં થઈ જાય મારા ટહુકા !

ટહુકાને કોઈ મારા સાંભળી જો લે તો,

મને લાગે છે વાગ્યા મારા ડંકા !

 .

એક પંખી બનીને ગીત ગાવાની વાત;

મારી પાસેથી છીનવાતી જાય છે !

કૈં કેટલાંયે ઝાડ ઉપર બાંધેલા માળાની,

વારતાઓ પીંખાતી જાય છે !

ધીરે ધીરે એકલતાનો કાગળ મળે છે :

કહે મારામાં આવ અને ટંકા !

 .

કૈંકવાર સપનાંની વચ્ચે હોવું ને પછી

સપનાંઓ છોડીને ચાલવું…

કૈંક ઝળહળતા દિવસોનો લાંબો પ્રવાસ ;

એને ભૂંસીને મનને મઠારવુ !

 .

હું તો જાતને ભૂંસીને રોજ ગ્હેક્યાં કરું છું;

મારી અંદર સળગે છે કૈંક લંકા !

 .

( પ્રફુલ્લ પંડ્યા )

આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ

આ હોવાનું તે શું છે ?

જોવા જેવું.

ઘર વિના પણ ચારેબાજુ

રહેવા જેવું.

 .

આ જોવાનું તે શું છે ?

કહેવા જેવું.

ભીતરના બે ચાર સમયમાં

વહેવા જેવું.

 .

આ કહેવાનું તે શું છે ?

સાંભળવા જેવું.

છેક સુધીના રૂપરંગને

ઝીલવા જેવું.

 ,

આ સાંભળવું તે શું છે ?

હોવા જેવું.

એકમેકને સથવારે

જીરવવા જેવું.

 .

આ હોવાનું તે શું છે ?

હોવા જેવું.

 .

( પ્રબોધ પરીખ )

તંબૂર મારો તાર-તૂટલો – ચંદ્રકાંત શેઠ

તંબૂર મારો તાર-તૂટલો  એ લઈને ક્યાં ફરું ?

અંદર ઊઠી રણઝણ એને સુણાવવા શું કરું ?

.

કોણ ઓટલો, કોણ રોટલો

મને આપવા આવે ?

કોણ પાઈ જલ શીળાં મીઠાં

મારી તરસ બુઝાવે ?

ખાલી ખોબે કેમ કરી હું સૌના ખોળા ભરું ?

.

ભીતર જેવાં ફૂલ ફૂટતાં

તુરત બધાં કરમાતાં;

મૂળિયાં મારાં ઊંડે ઊંડે

ખારા જળે ખવાતાં ?

ઠૂંઠો વડા હું, કેમ છાયડાં સૌના માથે ધરું ?

.

ધાન વિનાની ઘંટી ઘૂમે,

એમ જ હું પણ ઘૂમું;

ઉજ્જડ ચહેરે કેમ કરીને

લીલુંછમ હું ચૂમું ?

તરડાયેલું તળિયું લઈને કયા તળાવે તરું ?

.

( ચંદ્રકાંત શેઠ )

સંબંધ…. – મીરાં પટેલ

.

આ સંબંધ એટલે શું ?

.
બે મન, હૃદયરૂપી વિચારધારા ને, ઉર્મિઓ રૂપી કિનારા ને એક કરે એવો ‘બંધ’ એટલે સંબંધ…

 .

જેમની વચ્ચે સમાન લાગણીઓની ધારા વહે છે..

 .

શું, આપણે જેની જેની સાથે જે પણ સંબંધથી જોડાયેલ છીએ ત્યાં સમાન વિચારધારા ને લાગણીઓનું  વહન છે ? ઘરથી શરુઆત કરી શેરી, ફળી, સોસાયટીમાં આવીએ.. અહીં ઘરની ચાર દિવાલો વચ્ચે સંબંધ રોજ રોજ મરે છે.. પડોશમાં એક બીજાની ટિકા ટિપ્પણમાંથી જ નવરાશ નથી.. બાજુમાં ના રહેતા હોય પણ…. મહોલ્લાને છેડે આવેલ ઘરની વાતો કરીને પણ હાશકારો નથી થતો.. એક ઘર ગામના એક છેડે હોય અને બીજું ઘર ગામના બીજા છેવાડે હોય તોય… પેલીએ આમ કર્યું ને પેલા એ તેમ કર્યું… દિવાળી આવી ને, જતી પણ રહેશે.. કેટલાય મેળાવડા સંબંધીઓના અને દોસ્તારોના થશે… ત્યારે પણ, આનું આ જ… કોણ શું કરે છે ને, શું પહેરે ઓઢે છે… કોણે શું નવુ વસાવ્યું ને શું નથી વસાવી શક્યું …

 .

સંબંધોની ઔપચારિકતા વચ્ચે હૃદયની ઉષ્મા ખોવાઇ ગઇ છે… સંબંધનો બંધ બંધાઇ જાય પણ, હૃદય ઉર્મિઓનો વિનિમય વારંવાર થતા નેટવર્કની પ્રોબ્લેમની જેમ ખોરવાઇ જાય છે.. સતત સંબંધો માવજત અને ખુલાસા માંગતા ફરે છે… અને, તો જ જાણે ટકી શકે… પણ, ખુલાસા કરવા પડે તે સંબંધ કહેવાય ? સંબંધ નો બંધ તો એક અદિઠ સમજદારીના તંતુ થી જોડાયેલ છે.. ને, અજાણપણે આ તંતુ જ તુટી જાય છે છતા સંબંધ ને ગુંગળાવી ગુંગળાવી… કૃત્રિમ લાગણીઓનો ઑક્સિજન આપી જીવાડવાની નિર્દોષ રમત એકબીજા સાથે કરતા હોઇએ છીએ..

.

કહીશું કે, કલિયુગનો પ્રભાવ ચાલે છે… એટલે આમ સ્થિતિ છે… પણ, ભીતરની સમજણને કોઇ યુગ ક્યારેય નડ્યો નથી… જો એમ જ હોત તો રામ વખતે કૈકેયી અને વિભિષણ ના હોત… ને કૃષ્ણ વખતે, યશોદા(જે જન્મ દાતા નથી) અને કુંતિ(જે કર્ણની જન્મ દાતા છે)ના હોત…

 .

ચાલો, બહાનાબાજી છોડીએ અને નવા વર્ષની શરુઆતને પ્રેમથી વધાવીએ.. એક વૈશ્વિક પ્રેમને ભીતર સમેટી… ઉંચ-નીચ, અમીર-ગરીબ, કુરુપ-સુરુપ, ને, ધર્મને નામે થતી અનેક સાપેક્ષતા છોડી સાચા અર્થમા સંબંધોનો વિકાસ કરી સમાન સમજણ ધરાવતા સમાજને બનાવવામા યોગદાન દઇએ..

 .

સૌને નવા વર્ષની શુભકામના સહ..

 .

( મીરાં પટેલ )

આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ

.

પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે.

નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ.

એક રીતે જોઈએ તો દિવાળી આત્મનિરીક્ષણની વસ્તુ છે. ગયે વર્ષે આપણે કયા કયા મનોરથ કર્યા હતા અને કયા કયા કામ પાર પાડી શક્યા એનું સ્ટોકટેકિંગ કરવું જોઈએ. આપણે કોને માટે કશુંક કરી શક્યા કે કોની જોડે ખરાબ રીતે વર્ત્યા એ પણ આપણે અંદરથી જાણવું જોઈએ અને જો આપણી ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. દિવાળીનો અર્થ તો એક જ છે કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો કરો. માત્ર દીવો નહીં. દીવાઓની હારમાળા કરો. દિવાળી શબ્દ દીપાવલિ પરથી આવ્યો. દીપાવલિ એટલે દીવાની હારમાળા.

આપણે ત્યાં એમ કહેવાય છે કે વનવાસ વેઠીને રામ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને અજવાળાંનો ઉત્સવ મનાવ્યો હતો અને આખું અયોધ્યા તેજનાં તોરણથી સુશોભિત થઈ ગયું હતું. આપણા આયુષ્યની અયોધ્યામાં પણ આપણા રામનું ફરી પાછું આગમન થાય અને આપણી બધી જ ચિંતા, આપણી એકલતા, આપણો વિષાદ, આપણા પૂર્વગ્રહો, આપણો ક્રોધ-આ બધાનું પરિવર્તન થાય અને આપણે સુખ, શાંતિ અને ચેનથી રહીએ. આપણને અંદરથી કોઈ અછત ન લાગવી જોઈએ. મન ભરેલું અને સંતોષી હોય તો જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રકાશ છે. જ્યાં અજવાળું છે ત્યાં હંમેશાં દિવાળી જ હોય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ધ સ્પીકિંગ ટ્રીમાં એક કથા પ્રગટ થઈ હતી. એમાં દ્વાપરયુગની વાત છે. કૃષ્ણએ તો વિષ્ણુનો અવતાર. એ રાક્ષસ નરાકસુરનો નાશ કરવા માટે સત્યભામા સાથે યુદ્ધભૂમિ પર નીકળી પડ્યા. નરકાસુર એ વખતે કૃષ્ણની સોળ હજાર કુંવારીઓને બંદીવાન કરીને બેઠો હતો. નરકાસુરે પોતાની બધી શક્તિ કૃષ્ણ પર અજમાવી, પણ ન ફાવ્યો. અંતે કૃષ્ણએ સુદર્શનચક્રથી નરકાસુરને હણી નાખ્યો. કુંવારીઓએ કૃષ્ણને સત્યભામા સાથે જોયો ત્યારે એમણે કૃષ્ણને વિનંતી કરી કે તમે સત્યભામા સાથે લગ્ન કરો. દ્વારકામાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કૃષ્ણનાં લગ્ન થયાં. પ્રજાની ઈચ્છાપૂર્તિ થઈ. આમ દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.

દિવાળી દરેકની જુદી હોઈ શકે. મારી દિવાળી હું મારી રીતે ઊજવું છું. કોઈક સારી કવિતા વાંચું કે કાવ્યનો અનુવાદ કરું તોય મને દિવાળી જેવું લાગે. દિવાળી મારે માટે કોઈ એક જ દિવસ નથી, પણ જે ક્ષણે આનંદ આવે એ દિવાળી છે. આપણે આપણા કેટલાય અહંકારને ઊંચકીને ચાલતા હોઈએ. પણ જે ઘડીએ આપણે આપણા અહમથી મુક્તિ પામીએ ત્યારે મારે માટે દિવાળી છે. જીવનમાં બધું મળે છે. પણ સમજદાર માણસો મળતા નથી. જે ક્ષણે આપણને કોઈ સમજદાર માણસ મળે-ભલે એ આપણી વાતને સ્વીકારે નહીં, પણ સમજે ત્યારે મને દિવાળી જેવું લાગે છે. આપણે અમુક પ્રકારના સાચા કે કલ્પિત ભયથી પીડાતા હોઈએ છીએ. ભયનું અંધારું આપણને ઘેરી વળ્યું હોય ત્યારે એમાંથી નિર્ભયતા તરફ ગતિ કરીએ એ બીજું કશું જ નથી, પણ દિવાળી જ છે.

મોટા ભાગના માણસો જીવનમાં આળસુ અને એદીની જેમ પડ્યા હોય છે. એમને કશું કરવાનું સૂઝતું નથી, જે માણસ કાર્યશીલ રહે એને દિવાળી ઉજવવાનો અધિકાર છે. જે માણસ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે અને નીરસ થઈને ફરે છે, બીજા માણસમાં રસ લેતો નથી, સ્વાર્થી અને એકલપેટો થાય છે એ માણસ-ભલે એના ડ્રોઈંગરૂમમાં હાજરો ઝુમ્મર લટકતાં હોય તો પણ અંદરથી તો એના મનમાં અંધારું જ હોય છે. જે માણસ પોતાની માટે કમાય છે એ ધન છે, પણ જ્યારે એને સમજાય છે કે મારું ધન હું બીજામાં વહેંચું ત્યારે એ લક્ષ્મી થાય છે. ત્યારે એના ધનની સદ્દગતિ થાય છે. હું તો માનું છું કે સમજણપૂર્વકની સમાજસેવામાં ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના તમામ સંકલ્પો સદાયને માટે સમાઈ જાય છે.

એક જમાનામાં લોકો દર વરસે કંઈક ને કંઈક સંકલ્પ કરતા. દાખલા તરીકે, ગાંધીયુગમાં મોટા ભાગના લોકો રોજ ડાયરી લખતા. કેટલાક અધવચ્ચે છોડી દેતા હશે. કોઈ પણ સંકલ્પ ન કરવો એના કરતાં એકાદ સંકલ્પ કરવો એ સારી વાત છે-એ દિવાળી જેટલી જ ઊજળી વાત છે.

( સુરેશ દલાલ )

વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ

.

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો

કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો…

.

વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન

વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન…

બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

.

ખબર પડી ના કેમ કરીને પ્હોંચી ગઈ હું વગડે

કેમ કરી સમજાવું મનને લોચનથી ના ઝગડે

સૂરની માયા એવી વગડો વૃંદાવન થઈ ફળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

 .

ફૂંક ફરે ને ફરે ટેરવાં હોઠમાં જાદુ છાયો

આરપાર અવકાશો ભેદી સૂર ઘણો છલકાયો

મઘમઘતો કોઈ મેઘધનુષી ભાવ ભીતરે ભળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

કોઈને વાગી ઠેસ કોઈને કેફ નાદનો ચઢ્યો…

 .

( ગાયત્રી ભટ્ટ )