અંત અને આરંભ – માર્જોરી પાઈઝર

.

ઘણાં વર્ષો પહેલાં જેની શરૂઆત થઈ હતી

એનો અંત આણીને,

તમે પાછા ફર્યા છો,

જ્યાંથી, આપણે બધાં આવ્યાં છીએ એ અનંત આરંભમાં,

તમે કોઈક ન શોધાયેલી આકાશગંગામાં તારો બન્યા છો,

કે તમે શ્વાસ છો કે પવનલહરી છો

વિશ્વના શ્વાસ અને ઉચ્છ્શ્વાસમાં ?

.

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર

મને લાગતું હતું કે તમારું મૃત્યુ હતું

દુર્વ્યય અને વિનાશ,

સહન ન થઈ શકે એવી શોકની વ્યથા.

મેં હજી સમજવાની શરૂઆત કરી છે

કે તમારું જીવન એક ભેટ હતું અને વિકસતું

અને ચાહતું મારી સાથે બચ્યું છે.

મૃત્યુની હતાશા પ્રેમના અસ્તિત્વનો વિનાશ કરે છે,

પણ મૃત્યુની હકીકત

જે અપાયું છે એનો વિનાશ કરી શકતી નથી.

તમારા મૃત્યુ અને તમારી જુદાઈને બદલે

તમારા જીવનને ફરીથી જોવાનું હું શીખી રહી છું.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મહત્વ – માર્જોરી પાઈઝર

જીવનની બધી બાબતો કેવી મહત્વની છે,

મિત્રો અને માલિકીની વસ્તુઓ, રાજકીય સંઘર્ષો

અને માનવજાતનું ભવિષ્ય,

જાતીયતા અને રમતગમત અને કોણે કોને માટે શું કહ્યું,

અને કામધંધો અને ખરીદી,

અને થાકી જવું અને સુખી થવું

અને યુવાન થવું અને વૃદ્ધ થવું,

મૃત્યુ નજીક આવે છે

અને આપણી આસપાસની બધી રોજિંદી વસ્તુઓને હડસેલી દે છે,

ત્યાં સુધી રોજેરોજની બધી વસ્તુઓ કેવી મહત્વની છે

જ્યાંથી આપણે આવ્યાં

અને આખરે જ્યાં જવાનાં છીએ

એ મહારહસ્ય સમક્ષ

પછી આ બધી મહત્વની વસ્તુઓ

તુચ્છ બની જાય છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મૃત્યુ – ખલિલ જિબ્રાન

Khalil Gibran

.

ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.

 .

ત્યારે તેમણે કહ્યું :

 .

તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.

 .

પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ?

 .

દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં.

 .

જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હૃદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો.

 .

કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, – જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.

 .

તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે;

 .

અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હૃદય વસંતના સ્વપ્ન જુએ છે.

 .

એ સ્વપ્નોમાં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.

 .

તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણતાં છતાં, એની સામે ઊભો થતાં ધ્રુજે છે.

 .

પણ એની ધ્રુજારીની નીચે – રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ જ રહેલો નથી કે ?

 .

છતાં પોતાની ધ્રુજારીને જ વધારે મહત્વ નથી આપતો કે ?

 .

કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું ?

 .

અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાના કર્મમાંથી મુક્ત કરીને નિરુપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?

 .

મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો.

 .

અને પર્વતને શિખરે પહોંચ્યા બાદ જ તમે ચડવા માંડી શકો.

 .

અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતાનામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.

.

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

.

આ પોસ્ટ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.

યાદ રાખવું એટલું તો અઘરું છે – માર્જોરી પાઈઝર

.

તમે મૃત્યુ પામ્યા છો એ યાદ રાખવું એટલું તો અઘરું છે,

કોઈ પણ ક્ષણે તમે ઘરમાં હરતાફરતા હશો

એ જ રીતે, જાણે તમે રસ્તા પર ખરીદી કરતા હો,

અથવા કંઈક લખવાનું હમણાં જ પૂરું કર્યું હોય.

તમારા મૃત્યુના ભયાનક માર્ગ પર

તસુએ તસુ હું તમારી સાથે ચાલી છું,

છતાં કોઈક વાર, હજીયે, હું યાદ રાખી શકતી નથી

કે તમે મૃત્યુ પામ્યા છો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )