લઘુકાવ્યો – રમેશ ત્રિવેદી Mar6 (૧) ફૂલનું ખિલવું… ખરવું વચ્ચે મહેકે મહેક જીવનની . (૨) અવની કે આકાશ ક્યાંય ન દીઠું એકે ફૂલ તોય મન મહેકે-ગહેકે સુવાસથી તરબતર !! . (૩) રાતે ટમકતા તારા સવારે ક્યાં જતા હશે !? દાદા ? દાદા ઉવાચ : શિશુને મળવા ફૂલ બનીને ! . (૪) રોજેરોજ આથમતો રવિ તારક લિપિમાં SMS-મોકલતો હશે પ્રિય રાત્રિને ? . (૫) આષાઢી મેઘ સંગે ઊ-ડ-તી જતી બગલીઓએ લખેલી કાવ્યપંક્તિને કોણ વાંચશે ? શીતળ સમીર ? કે પછી આભે ચમકતી વીજ !? . (૬) એકબીજાથી લાખો-લાખો યોજન દૂ…ર છતાં કેટકેટલા પાસપાસે લાગતા તારકો ! ને ટોળાની ભીંસમાં ભીસાતા-કચડાતા છતાંય એકબીજાથી કેટલા દૂર… દૂ…ર માણસો !! . ( રમેશ ત્રિવેદી )
sundar rachna….