હું માણસ – સુરેશ દલાલ

હું માણસ તરીકે જન્મ્યો ન હોત

તો કદાચ વૃક્ષ થયો હોત

કે કદાચ પંખી

કે કદાચ તારો

કે કદાચ માછલી

કૈંક તો થયો હોત.

 .

પણ,

હું માણસ ન થયો હોત તો,-

વૃક્ષની લીલાને

શબ્દશબ્દમાં આલેખતે કોણ ?

કોણ ગાતે આકાશની છટા

ને સમુદ્ર-મુદ્રા સાંભળતે કોણ ?

પણ, સારું થયું કે આપણે માણસ થયા

નહીંતર માણસની વ્યથાને જાણત કેમ ?

 .

( સુરેશ દલાલ )

સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’

જીવનમાં જે પણ મૂલ્યવાન છે,

પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય,

ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય

કે પરમની પ્રાપ્તિ હોય. એની

શોધ જાતે કરવી પડે છે. એ હાથ

લંબાવીને કોઈની પાસે માગવાની

વસ્તુ નથી. એ આપલેની વસ્તુ

છે જ નહીં એનો આવિષ્કાર જાતે

જ કરવો પડે છે. એને પામવાની

બીજી કોઈ રીત છે જ નહીં.

*

‘સ્વ’નો

સાક્ષાત્કાર કરવા માટે

નિતાંત એકલા હોવું ખૂબ

જરૂરી છે. જે માણસ  પોતાની

એકલતાથી ડરતો નથી, પણ

એને બાથ ભરીને પ્રેમ કરે છે

તે પોતાની એકલતામાં કશુંક

મૂલ્યવાન પ્રાપ્ત કરે છે.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

મને ફાવે નહીં – મધુમતી મહેતા

છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં,

હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં.

 .

ફૂલ જો રાખો બિછાવી તો વળી આવી જશું,

ઠોકરો ખાતાં સિસકવાનું મને ફાવે નહીં.

.

હું સતત પહેરું મને ગમતા ભરમનો અંચળો,

મોસમોની જેમ ફરવાનું મને ફાવે નહીં.

 .

હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું,

પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં.

 .

માતૃભાષાને કરું વંદન ગઝલ ને ગીતથી,

બોલી બોલીને વિરમવાનું મને ફાવે નહીં.

 .

( મધુમતી મહેતા )

તું આવશે – અનંત રાઠોડ

તું આવશે જરૂર એ સૌ ધારણાનું ખૂન

આજે કરી દઈશ હું આ બારણાનું ખૂન

 .

પાછા વળેલ પગલાંની સાચી હશે ખબર,

કહેતા હતા કે થઈ ગયું આંગણાનું ખૂન

 .

તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને

એના પછી કરીશું એ તાપણાનું ખૂન

.

મારા સુધીય હું હવે પહોંચી શકી નહીં

અંદરથી રોજ થાય છે મારાપણાનું ખૂન

 .

( અનંત રાઠોડ )

તોડી શકાય – ઉર્વીશ વસાવડા

તોડી શકાય તો જ ત્વચાના રિવાજને

સ્પર્શી શકાય જો કદી તારા અવાજને

 .

મારી ઊલટતપાસ મેં જાતે કરી લીધી

પ્રશ્નો પૂછી શકાય ના આખા સમાજને

 .

શ્વાસોની આવજાવને માની લીધી અઝાન

આપ્યો નવો મેં અર્થ આ મારી નમાજને

 .

નુસખા નવાનવા તો મળે ક્યાં સુધી તને ?

હો શક્ય તો અજમાવ પુરાણા ઈલાજને

 .

બારી ઉઘાડ, આવવા દે સહેજ પવનને

પામી શકીશ તુંય ઋતુના મિજાજને

 .

( ઉર્વીશ વસાવડા )

લાગણીને જીવભરી – સુરેશ દલાલ

લાગણીને જીવભરી જીવવા દિયો !

અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં;

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

આપમેળે ઊગે છે ફૂલ એમ લાગણી

ઝરણાંની જેમ વ્હેતી.

ઊગવાનું કેમ અને વહેવાનું કેમ

એવા વિચારે નથી રહેતી.

 .

મીરાંની પાસે જઈને કોઈ દુનિયાની

પાછી કિતાબ હવે ખોલે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

કોઈના હુકમથી કોયલના લયમાં

કાંઈ કશો ફેર નહીં પડશે.

એક દિવસ કિનારો પોતે પણ દરિયામાં

હોડી થઈ દૂર દૂર ઊપડશે.

 .

દિવસના તાપને કહી દો કે બહુ થયું :

ભીતરનાં સપનાં ઢંઢોળે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

( સુરેશ દલાલ )

દોડી શક્યો નહીં – ઉર્વીશ વસાવડા

મારી ઉપર છે આળ હું દોડી શક્યો નહીં

તેં તો દીધો’તો ઢાળ હું દોડી શક્યો નહીં

 .

ભાગી જવામાં સાથ ચરણનો ન સાંપડ્યો

ઠેકી શક્યોના પાળ હું દોડી શક્યો નહીં

 .

દાવાનળોમાં એટલે સળગી જવું પડ્યું

લાગી’તી જ્યારે ઝાળ હું દોડી શક્યો નહીં

 .

એ આવશે એંધાણ મળ્યું એનું એ છતાં

એવી પડી’તી ફાળ હું દોડી શક્યો નહીં

 .

આજે સૂતો છું આમ અહીં એ જ કારણે

પાછળ ઊભો’તો કાળ હું દોડી શક્યો નહીં

 .

( ઉર્વીશ વસાવડા )

…પ્રવેશી ના શક્યો – મધુમતી મહેતા

જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો,

મસ્ત્ય છું ને તોય હું જળમાં પ્રવેશી ના શક્યો.

 .

જાતરા મારી હતી મૂળથી તે ટગલી ડાળ લગ,

ફૂલને અડકી લીધું ફળમાં પ્રવેશી ના શક્યો.

 .

હું મને જાણી ચૂક્યો છું લોહી ને મજ્જા સુધી,

જાણ કે સમજણ થકી તળમાં પ્રવેશી ના શક્યો.

 .

વારતા લખતો રહ્યો છું ઝાંઝવાં ને જળ તણી,

બુંદ થઈ ક્યારેય વાદળમાં પ્રવેશી ના શક્યો.

 .

જે સકળમાં છે અકળ એનો મને અહેસાસ છે,

એ જ કારણથી હવે છળમાં પ્રવેશી ના શક્યો.

 .

( મધુમતી મહેતા )

તૂટ્યો મ્હારો – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મ્હારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રે

રહ્યું ભગવાનનું…

 .

એક તૂટ્યા બીજા રે તાર અસાર છે,

જીવાળીમાં નહિ હવે જીવ જી :

પાસ પડ્યા પોચા રે નખલિયું નામનું…

તૂટ્યો મ્હારો…

 .

તરડ પડી છે રે બાતલ તુંબડે,

લાગે નહીં ફૂટિ જતાં વાર જી :

ખૂંટીનું ખેંચાવું રે કાંઈ ન કામનું…

તૂટ્યો મ્હારો…

 .

સ્વર મેળવિયે શેમાં રે તાલ બેતાલ છે,

ઢોલકમાં પણ કાંઈ ન ઢંગ જી :

બંધ થયું છે બારું રે હરિરસ પાનનું…

તૂટ્યો મ્હારો…

 .

ખર્ચી હવે ખૂટી રે બૂટી હવે બીજી નથી,

હરિ હવે ઝાલો તમે હાથ જી :

કહું છું કામ ન મ્હારે રે ધનજનધામનું…

તૂટ્યો મ્હારો…

 .

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,

વાણી મન પાછાં વળી જાય છે :

બલ ચાલે નહિ એમાંરે મહા બલવાનનું…

તૂટ્યો મ્હારો…

 .

( કેશવલાલ હરિરામ ભટ્ટ )

ભૂંસી નાખી – ઉર્વીશ વસાવડા

Stone in water

મળે આકાર એ પહેલાં જ માટીને ભૂંસી નાખી

મથ્યો જ્યાં નામ લખવા ત્યાં જ પાટીને ભૂંસી નાખી.

 .

સગડ મળશે નહીં તમને, તમે કોશિશ કરો તો પણ

અમારી જાત ઊંડે ખૂબ દાટીને ભૂંસી નાખી.

 .

ઉપાડી એક કંકર જળ મહીં ફેંક્યો વિના કારણ

યુગોથી સ્થિર જંપેલી સપાટીને ભૂંસી નાખી.

 .

હવે રોમાંચ કંપનમાં કે સ્પંદનમાં રહ્યો છે ક્યાં ?

ખબર પડતી નથી કોણે રુંવાટીને ભૂંસી નાખી.

.

નયન વીંચ્યા હતાં, ચારે તરફના દ્રશ્યને નિરખીને

મૂકીને હાથ ખભ્ભે કમકમાટીને ભૂંસી નાખી.

 .

( ઉર્વીશ વસાવડા )