અંધારાએ – પરાજિત ડાભી

અંધારાએ રાત સમેટી

સપનાં સૂતાં વાત સમેટી

 .

આંખો ખોલી ઝરણું જાગે

કાંઠા ઊંઘે જાત સમેટી

 .

રસ્તો અર્ધી રાતે જાગી

બેઠો છે આઘાત સમેટી

 .

પ્હેલાં પ્હેલાં અજવાળાનાં

કિરણો ઊગ્યાં ઘાત સમેટી

 .

ફૂલોએ ખોલી પાંદડીઓ

પતંગિયાએ ભાત સમેટી

 .

ઝાકળ ટપકી ફૂલો પરથી

રંગોની ઓકાત સમેટી

 .

સાંજ ઢળી ગઈ ધીમે ધીમે

સૂરજની સોગાત સમેટી

.

( પરાજિત ડાભી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.