ચાંદરણા (૧૦) – રતિલાલ ‘અનિલ’

કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષ પર પ્રેમ જ માળો બાંધે છે.

 .

હૈયામાં પ્રેમ હોય તે આ જગત પાસે માત્ર માળાનું ઘાસ જ માંગે છે !

 .

પ્રેમ દિશા નથી, દિશાઓ વિહોણું આકાશ છે.

 .

પ્રેમ, પ્રયોજન વગરનું ઈજન પણ હોય !

 .

સૂર્યનો દિવસ પ્રકાશથી, માણસનો દિવસ પ્રેમથી ઊગે છે !

 .

‘અંગત’ બાબતમાં પારંગત હોય તો તે પ્રેમ !

 .

પ્રેમ શરૂ થતો નથી, માત્ર ગુપ્તવાસમાંથી બહાર આવે છે.

 .

પ્રેમ ક્ષણને સમય અને સમયને ક્ષણ બનાવી દે છે !

 .

પ્રેમ પ્રવાહની જેમ પસાર થાય છે અને સરિતાની જેમ રહે છે.

 .

પ્રેમ ઉજાગરાની મશાલને દીવો બનાવી દે છે.

 .

ઓ પ્રેમ ! તું તો તાજી કબર પર તાજું ઈંડું પણ મૂકી શકે છે !

 .

પ્રેમમાં વાયદાનો વેપાર નહીં, વ્યવહાર થાય છે !

 .

દરેકની સામે જિંદગી ‘પડી ’છે, કોઈક જ તેને ‘ઊભી’ કરે છે.

 .

કશું ન કરી શકાય ત્યારે પ્રેમ તો કરી જ શકાય છે !

 .

પ્રેમ એવો પ્રકાશ છે, જેમાં માત્ર બે જ જણ દેખાય છે !

 .

પ્રેમમાં ઘડિયાળ બંધ પડે છે અને સમય ચાલે છે !

 .

પ્રેમ અંધ નથી હોતો, તે એક વ્યક્તિને અવશ્ય જુએ છે !

 .

પ્રેમ એવી સુવાસ છે, જે ત્રીજી વ્યક્તિ માટે નિર્ગંધ હોય છે.

 .

ગણિતથી દૂર રહ્યા વિના પ્રેમની નજીક પહોંચી શકાતું નથી.

 .

પ્રેમ એ સહિયારી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.