ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’

પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે !

 .

પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે !

 .

શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે !

 .

રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે !

 .

પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે.

 .

કોઈ જુદાં પડવા માટે મળે છે, કોઈ ફરી મળવા માટે જુદાં પડે છે !

 .

પ્રેમ એવો સોનામહોર સિક્કો છે, જેની પરની મુદ્રા બદલી શકાતી નથી.

 .

‘પ્રેમ’ પુરુષજાતિનો શબ્દ હોવાથી તે અર્ધસત્ય છે !

 .

પ્રેમ, શૂન્યમાંથી સર્જન કરે છે, તેમ પોલા શૂન્ય વચ્ચેની હવા પણ કાઢી નાખે છે !

 .

પ્રેમનું ગુરુત્વાકર્ષણ ધરતી પર આણીને આકાશે લઈ જાય છે !

 .

પ્રેમ આષાઢી મેઘની જેમ ઘેરાય છે ત્યારે અનરાધાર વરસે પણ છે !

 .

પ્રેમ પેઈંગ ગેસ્ટ હોવાથી એનું સરનામું કેર ઓફ જ હોય !

 .

સંવનન તો મધપુડો રચવાની પ્રક્રિયા હોય છે !

 .

પ્રેમના દરિયામાં પણ ચાંચિયાનાં વહાણ ફરતાં હોય છે !

 .

પ્રેમને કાળીચૌદશ નહીં, ચૌદશિયા નડે !

 .

કોઈ પ્રેમનું મંદિર બાંધતું નથી, કેમ કે મંદિર ‘સાર્વજનિક’ હોય છે !

 .

પ્રેમ ઊર્જા હોવાથી પ્રેમીઓ હૂંફાળા હોય છે !

 .

પ્રેમ આખું ગીત ગાતો નથી, માત્ર ધ્રુવપંક્તિ દોહરાવ્યા કરે છે : ‘હું તને ચાહું છું !’

 .

પ્રેમ : અગિયાર અગિયાર અમાસ પછી દિવાળી આવે છે !

 .

પ્રેમ એટલે સાથીની શોધમાં આગળ જતી એકલની પગદંડી !

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.