ચાંદરણા (૧૪) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અરણ્યમાંથી પસાર થતો ઉપવને જાય છે.

 .

ભીરુ પ્રેમ બેઠા બેઠા પોતાની પાંખો ફફડવ્યા કરે છે.

 .

પવનનો સાથ મળે તો રાખ પોતામાંથી જ ઊભી થાય છે.

 .

પ્રેમને દીર્ઘાયુ થવા માટે વાત્સલ્ય પણ થવું પડે.

 .

પ્રેમનાં આંસુ સુકાયાં પછી પણ ભીનાં રહે છે.

 .

પંખીને પાંખ આવે તો એના પડછાયાને પણ પાંખ આવે !

 .

કોઈ કોઈ પીડાને પોતાની સુવાસ પણ હોય છે.

 .

પ્રેમ અઘરી શોધ છે, કેમ કે તે બીજામાં (પણ) શોધવાનો હોય છે.

 .

પ્રેમ સારો અનુભવ છે, ભલે તે આપણે બીજાને કે બીજાએ આપણને કરાવ્યો હોય !

 .

ઊડી ગયેલી ચકલીનું ખરેલું પીંછું પસવારીએ તે વિરહપ્રેમ !

 .

રીસે ભરાતાં નથી તેમનું સૌન્દર્ય અપૂર્ણ રહે છે.

.

પ્રેમ ઉછેરી શકાતો નથી, તે જ તમને ઉછેરે છે !

 .

પ્રેમ અંતર રાખે છે, અને સાથે પણ રહે છે !

 .

પ્રેમ લ્હેરખી છે, અને ઝંઝાવાત પણ !

 .

પ્રેમ એ પોતામાં ફોરતી અને અજાણી દિશામાં જતી ફોરમ છે.

 .

છીપની કેદ અને અંધકાર છોડી પ્રેમનું મોતી પ્રકાશમાં આવ્યું છે.

 .

પ્રેમ એ દ્રવ છે પણ અતિ ઉત્સાહી અને ઉપદ્રવ બનાવી દે છે !

 .

પ્રેમમાં ઉજાગરો માથે નથી પડતો, લાલ થઈને આંખોમાં પડે છે.

 .

અનિદ્રા એ રોગ નહીં અફવા છે, માત્ર પ્રેમીઓ જ એ પુરવાર કરે છે.

 .

પ્રેમ હવે યજ્ઞ નથી એટલે અગ્નિ પરીક્ષા નથી.

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.