ચાંદરણાં (૧૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ ખાલી ખાતે કોરો ચેક આપીને બેલેન્સ વધારે છે.

 .

માણસ હાથી નથી એટલે તે માત્ર પ્રેમમાં જ ગાંડો થાય છે !

 .

પ્રેમની રફતાર માત્ર બે જ જણને ગિરફતાર કરે છે.

 .

પ્રેમી સિવાય કોઈ સાનમાં સમજતું નથી !

 .

પ્રેમ ભીના રૂમાલની ગડી વાળવાનું શિખવે છે !

 .

પ્રેમ અગિયારીનો આતશ હોય તો તે કદી ઓલવાતો નથી !

 .

પ્રેમ તો દીવેટીઓ દીવો છે અવસરનું તોરણ નહીં.

 .

પ્રેમ વિસ્તરે છે પણ પાતળો પડતો નથી.

 .

પ્રેમની શતાબ્દિ ઉજવવી હોય તો ૧૨૧ વર્ષ જીવવું પડે !

 .

તમે બારણાં બંધ કરશો તો પ્રેમ પોતાનું પ્રવેશદ્રાર શોધી જ લેશે !

 .

પ્રેમીઓ માત્ર એકબીજા માટે જ ‘મળતાવડા’ હોય છે !

 .

પ્રેમ અડધો અડધો થાય છે અને બે અડધે એક થાય છે !

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

વિરહ એ યાદગાર એકાંત હોય છે.

 .

આંસુની રેખા ગાલ પર અટક્યા પછી યે લંબાયા કરે છે.

 .

પ્રેમ ખેલ નથી પણ સૌથી વધારે ખેલદિલી પ્રેમમાં જ હોય છે !

 .

શહેરના નકશામાં ન આવેલા કેટલાક ઝોન માત્ર પ્રેમીઓ જ જાણે છે !

 .

મારા આંગળાની છાપ મારા દોસ્તના હાથમાં છે !

 .

કોરા પરબીડિયાને પ્રેમપત્રનું ભવિષ્ય હોય છે.

 .

આંસુ પાસે અટકી જાય તે સ્મિત સુધી પહોંચતો નથી.

 .

જેમાં તણખા છુપાયા હોય તે તણખલા કહેવાય !

 .

મને મળવાનું હું ટાળું છું ને ઉંઘ આવે છે.

 .

માળો બાંધવો નથી પડતો, ગોઠવવો પડે છે.

 .

દુ:ખ જેવું કશું પોતીકું નથી હોતું !

 .

પાણીદાર માણસે વરાળ બન્યા વિના જ ઉંચે જવાનું છે.

 .

પ્રેમની આંખો પાસે પોતીકું પ્રતિબિમ્બ હોય છે.

 .

પ્રેમ એવી ભીનપ છે. જેમાં કશું ઊગે છે ને આપોઆપ ઉછરે છે.

 .

અહીં રણ જ હશે ! મોસમ છે પણ મોસમનાં પંખી નથી !

 .

પ્રેમ, પ્રેમને જ અનુસરે છે.

 .

પ્રેમ તો કોરી કિતાબ હોય છે, વડીલો એમાં સૂચિપત્ર જોડે છે.

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.