…પ્રવેશું છું ગઝલમાં – લલિત ત્રિવેદી

કવિમિત્રો ! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં

.

ઇનાયત હો… કે ખુશનુમા પ્રહર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું ઝાકળમય બગીચાની લહર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

નજર કરજો કે રજ સરખી બહર લૈને પ્રવેશું છું ગઝલમાં

કિરણના તંતુ ભીતર રહગુજર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

કવિ કહે છે – ગુપત ! તારી ખબર લૈને પ્રવેશું છું ગઝલમાં

સમય કહે છે – સબદ ! તારી ઉંમર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ન કેવળ હોમઊંચો નાભિસ્વર લૈને પ્રવેશું છું ગઝલમાં

ઋષિમુનિઓ ! હું ઘર સરખું શિખર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ઝીણા ઝીણા રદીફોકાફિયા …એથીય મિસરા કૂણેરા

ટગરની પાંખડી ભીતર બસર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

રખે માનોકે કાગળમાં છું નમણી એક મરજાદ પંડિત !

સબર એક શબ્દ માટે ઉમ્રભર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

( લલિત ત્રિવેદી )

કવિ – અજય સરવૈયા

(૧)

કવિ જેવો હોય છે તેવો દેખાતો નથી,

જેવો દેખાય છે તેવો હોતો નથી,

વળી જેવો દેખાવાનો પ્રયત્ન કરે છે

તેવો તો બિલકુલ હોતો નથી.

હોવા અને દેખાવા વચ્ચે ઘણો ભેદ છે

એવું કેટલાક માને છે.

હોવું અને દેખાવું અભિન્ન છે

કેટલાક એવું પણ માને છે.

કવિએ કેવા દેખાવું જોઈએ ?

કવિએ કેવા હોવું જોઈએ ?

કોઈ નથી જાણતું.

 .

(૨)

કવિ શું જુએ છે ? શું દેખાડે છે ?

વસ્તુઓ ને એમના સંબંધો

વ્યક્તિઓ ને એમના સંબંધો

વસ્તુઓ ને વ્યક્તિના સંબંધો

આપણે જે રીતે જોવા ટેવાયેલા છીએ

ને જે રીતે જોવા ટેવાયેલા નથી

કવિ એ જુએ છે

એ દેખાડે છે

જે છે એના જે નથી સાથેના સંબંધો

જે નથી એના જે નથી સાથેના સંબંધો

 .

( અજય સરવૈયા )

ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે,

હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.

 .

ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં,

ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.

 .

મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા,

ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.

 .

લાગણીનું, ભાવનું, સ્પંદનનું ચલણી માત્ર નાણું,

કામ ના આવે કશી સમજના કે અક્ષર ત્યાં જવું છે.

 .

કોઈને ના કોઈની સ્હેજે પડી સૌ મસ્ત ખુદમાં,

એકસરખા હોઈએ જ્યાં બ્હાર-અંદર ત્યાં જવું છે.

 .

ને ઘણીયે વાર ઘર છોડી અને જાવા ચહું ત્યાં,

રોકતાં ને પૂછતાં આ દ્વાર-ઊંબર, ક્યાં જવું છે ?

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મળ્યા’તા – હર્ષ બ્રહ્મભટ્ટ

કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા,

કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.

 .

ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં,

જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.

 .

સાવ સાચા લાગતા માણસ કનેથી,

સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.

 .

રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા જે,

બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.

 .

ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના,

એકસરખા સર્વને અવસર મળ્યા’તા.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ડાળ મારી – ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,

ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

 .

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,

જે દશા તારી થઈ  છે એ દશા મારી નથી.

 .

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,

એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

 .

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,

આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

 .

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,

જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

 .

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,

દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

 .

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,

ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

 .

( ખલીલ ધનતેજવી )

માણસની વસ્તી – અશરફ ડબાવાલા

માણસની વસ્તી જોને મને છોડતી નથી,

મારીયે હસ્તી જોને મને છોડતી નથી.

 .

હું બંદગી કરું તો કરું કેમ કોઈની ?

આ લયપરસ્તી જોને મને છોડતી નથી.

 .

ઊડવાથી પર થવાનાં છે કારણ અનેક પણ,

પાંખો અમસ્તી જોને મને છોડતી નથી.

 .

નહિતર તો માહિતીના શિખર પર બિરાજું છું,

જૂની આ પસ્તી જોને મને છોડતી નથી.

 .

અશરફ ! હું કેમ પહોંચું ચરણની સીમા સુધી ?

પગલાંની મસ્તી જોને મને છોડતી નથી.

 .

( અશરફ ડબાવાલા )

પ્રાર્થના – સુરેશ દલાલ

અમે તારી પાસે માગીમાગીને માગીએ છીએ શું ? અમે અશક્તિમાન છીએ અને તું શક્તિમાન. એથી તો તું ભગવાન. અમારી નિર્બળતાને અમે બરાબર જાણીએ છીએ. હે પ્રભ ! તું અમને મન-વચન-કર્મની એકતા આપ. અમારામાં અસંખ્ય વિરોધો અને વિરોધાભાસો છે. અમને સંવાદિતા આપ-પછી પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતા આપોઆપ પ્રકટશે. અમારો ચહેરો સોનાનો હોય અને પગ માટીના હોય એ અમારાથી સહેવાતું નથી. તું અમને માટીપગા ન બનાવ. તારે રસ્તે ચાલીએ એવું અમારા ચરણમાં બળ આપ-અને તારે રસ્તે યાત્રા કરતાં કરતાં ચહેરો સુવર્ણનો થતો જાય અને અમે જ અમારા આકાશમાં તારો સૂર્ય થઈને પ્રકટી શકીએ એવી શક્તિ-ભક્તિ આપ.

 .

તારા વિના હરું છું, ફરું છું, હળું છું, ભળું છું, આ સંસારમાં મોકળે મને મહાલું છું, લાખ લોકના ટોળામાં ટોળાઉં છું, ખુશીનાં ગીતો ગાઉં છું-પણ કોણ જાણે કેમ એ ઉપરછલ્લું લાગે છે. મને પણ ખબર ન પડે એમ તું ક્યાંક ભીતર પ્રવેશી ચૂક્યો છે. એકાદ ક્ષણ તારી ઝાંખી થઈ છે. એકાદ ક્ષણ તારી ઝલક જોઈ છે. પછી મારી આંખ તને બધે જ શોધ્યા કરે છે. મારી આ શોધ ચાલ્યા જ કરે છે. મને લાગે છે કે તારી આ તલાશ એ કદાચ મારી પ્રાર્થનાનું સ્વરૂપ જ હોય. હું મને પૂછ્યા કરું છું કે આ બધું છે શું ? તું મને મળશે ક્યારે ? પ્રશ્ન થઈને આવતી મારી પ્રાર્થના તારા મહેલના સુવર્ણ દરવાજાને પણ પહોંચે છે ખરી ?

( સુરેશ દલાલ )

પ્રાર્થના – સુરેશ દલાલ

આ સમગ્ર વિશ્વ તારું છે તો અમે કેમ તારા નહીં ? તારા પરનો અમારો અધિકાર ચૂકવા માગતા નથી. તારા દરિયામાં મારે માછલી થઈને તરવું હોય તો હું પરવાનગી લઈશ નહીં. તારા વૃક્ષ પર મારે પંખી થઈને ટહુકવું હોય તો હું તને પૂછીશ નહીં. તારા હોઠ પર હું પ્રકટીશ સ્મિત થઈને અને ગીત થઈને. મારે તો કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક રૂપે તારી સાથે રહેવું છે, જીવવું છે. ફૂલ અને ફોરમની જેમ, આકાશ અને વાદળની જેમ. તારે ક્યારેક વીજળીની જેમ દર્શન આપવાં હોય તો આપજે. હું ધરતી છું-તું વરસાદ થઈને આવ. તરસવાનો અને વરસવાનો આપણો સંબંધ સનાતન છે. હું તરણું થઈને પણ આકાશના સિતારા સામે મીટ માંડી શકું છું અને વાત કરી શકું છું, મારી આ અગાધશક્તિ એ તારી કૃપાનું જ પરિણામ.

.

એક દિવસની વાત છે-પણ આ માત્ર એક દિવસ પૂરતી નથી. હું તો મારે બેઠો હતો મારા ઘરના હિંડોળે. મનમાં તારું સ્મરણ ધૂન મચાવતું હતું. ઓચિંતાનું જ ક્યાંકથી ઊડતું ઊડતું મોરપિચ્છ મારી બાજુમાં જ આવ્યું. મને થયું કે આ કેવો ચમત્કાર કે તારું નામ મારા મનમાં અને તું છે મારી જ પાસે. એના સંકેતરૂપે આ મોરપિચ્છ. તું પણ અમને યાદ કરે છે એવું કહેવાની તારી આ રીત તો નથી ને ! માણસ આટલા ઊંડાણપૂર્વક જીવે તો એને ક્યાંકથી ને ક્યાંકથી તારા હોવાપણાની પ્રતીતિ મળે છે. એટલે જ કહું છું કે આ એક દિવસની વાત છે-પણ આ વાત માત્ર એક દિવસ પૂરતી નથી.

.

( સુરેશ દલાલ )

કરતાં રખડપટ્ટી – મધુમતી મહેતા

ભલે કોઈ ના આવ્યું, સાથમાં કરતાં રખડપટ્ટી

ક્ષિતિજો વિસ્તરી ગઈ જાતમાં કરતાં રખડપટ્ટી

 .

ઝીણી નજરે તપાસ્યાં છે અમે મહેલો ને ખંડેરો

સમયની રાખ આવી હાથમાં કરતાં રખડપટ્ટી

 .

અમે ફરતાં હતાં અમને જ રાખી મધ્યમાં કાયમ

ઝરણ ને ધોધ આવ્યાં વાતમાં કરતાં રખડપટ્ટી

 .

સમયની ગર્તમાં ગૂંચવાઈને છુટ્ટા પડી ગ્યા જે

મળી ગ્યા એ ચરણની છાપમાં કરતાં રખડપટ્ટી

 .

કશું પિંજર નથી હોતું કશું બંધન નથી હોતું

કરે છે મોજ મહેતા આભમાં કરતાં રખડપટ્ટી

 .

( મધુમતી મહેતા )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

શિયાળાના ઠંડાગાર આકાશમાં

સવારના  પ્હોરમાં સૂરજ

પાછલી રાતનો કામળો ઓઢીને

વાદળના પથ્થર જેવા પગથિયાં

ચડતાં ચડતાં હાંફી ગયો…

એની હૂંફ હજીયે

હવામાં સંભળાય છે.

 .

(૨)

કેટલાક લોકો,

‘આવતીકાલ’ના વચનને ભરોસે હોય છે

અને વર્ષો સુધી એને દરવાજે

ભટક્યા કરે છે.

પણ ‘આવતીકાલ’ કદી આવતી નથી.

 .

(૩)

કોઈક વાર હું એને કહું છું, શરાબ

કોઈક વાર કહું છું, જામ

કોઈક વાર કહું છું, ઈશ્વર

કોઈક વાર બીજ, કોઈક વાર છોડ

કોઈક વાર શિકાર, કોઈક વાર…

હું તને તારા નામે ન બોલાવું

ત્યાં સુધી આ બધું રહસ્ય જ રહે છે.

 .

(૪)

કેટલાંયે રહસ્યો વિસ્ફોટિત થઈ રહ્યા છે

પણ એમને પ્રકટ કરીને

અને ઉઘાડાં પાડીને

હું એમને હાંસીપાત્ર નહીં કરી શકું.

મારી ભીતર કશુંક આનંદથી

વિસ્ફોટિત થઈ રહ્યું છે,

પણ ત્યાં હું મારી આંગળી મૂકી નહીં શકું.

 .

(૫)

એક વખત પ્રિયતમાએ એના પ્રિયતમને પૂછ્યું :

પ્રિય,

તેં તો દુનિયામાં ઘણાં સ્થળો જોયાં છે !

હવે-આ બધામાંથી શ્રેષ્ઠ શહેર કયું ?

એણે કહ્યું : ‘જ્યાં મારી પ્રિયતમા રહે છે તે’.

.

(૬)

પ્રેમીઓ

શરાબ પીએ છે

રાત ને દિવસ, દિવસ ને રાત

અને ચીરી નાખે છે મનના નકાબ,

જ્યારે પ્રેમના નશામાં ચકચૂર થાય

ત્યારે શરીર અને આત્મા એક જ થઈ જાય.

 .

(૭)

પ્રેમ,

એક એવી જ્વાળા છે

કે જ્યારે એ પ્રકટે છે

ત્યારે બધું જ બાળી નાખે છે.

કેવળ રહે છે ઈશ્વર.

 .

(૮)

હું કવિ નથી,

કવિતાથી મારો જીવનનિર્વાહ કરતો નથી

મારા જ્ઞાનની ડંફાસ મારવાની પણ

મને જરૂરિયાત જણાઈ નથી.

કવિતા પ્રેમનો શરાબ છે

અને મારી પ્રિયતમાના હાથે જ

એને સ્વીકારું છું.

.

(૯)

હું મરણ પામું ત્યારે

મારો અગ્નિસંસ્કાર કરજો

આ મારા શરીરમાંથી

પ્રકટતો ધુમાડો

હવા પર લખશે :

તમારું નામ… તમારું નામ…

 .

(૧૦)

રોજ સવારે

મારી આંખમાં

તારો ચહેરો ઊગે છે

મને ખબર નથી પડતી

કે આકાશ મારી આંખમાં છે

કે મારી બારી બહાર ?

 .

( સુરેશ દલાલ )