Skip links

તોય શું ? – બેન્યાઝ ધ્રોલવી

દર્દ આવે, દર્દ જાવે તોય શું ?

આંસુનો દરિયો વહાવે તોય શું ?

 .

એક પાનું જિંદગીનું ફાડતા,

સો વરસ અમથા વિતાવે તોય શું ?

 .

વ્યોમ ખેતરમાં ઉગાડી સૂર્યને,

છાયડાના રોપ વાવે તોય શું ?

 .

રાખ ચરખી ચાંદનીની હાથમાં,

ચંદ્રનો પતંગ ચગાવે તોય શું ?

 .

કોમ્પ્યુટરમાં જ નાખી ઊંઘને,

પ્રત ખ્વાબોની છપાવે તોય શું ?

 .

મેઘલી રાતે ગઝલ લખવી હતી,

શેર તારકના લખાવે તોય શું ?

 .

શ્વાસ ઘરના બંધ દ્વારે આવે યમ

મૃત્યુ સાંકળ ખટખટાવે તોય શું ?

 .

માંગતો ‘બેન્યાઝ’ સાઈલ ધર ગલી,

હમ્દ શેરીમાં સુણાવે તોય શું ?

 .

( બેન્યાઝ ધ્રોલવી )

Leave a comment