વજન છે – મનીષ પરમાર

આજ મારા શ્વાસમાં થોડું વજન છે,

આમ ભીના ઘાસમાં થોડું વજન છે.

 .

એટલે વરસો પછી ભેગો થયો છું,

એમના વિશ્વાસમાં થોડું વજન છે.

.

રાખમાંથી તેજ પ્રગટાવ્યું તમો એ,

એટલે અજવાસમાં થોડું વજન છે.

 .

કેટલું દોડ્યો નદીની શોધમાં હું,

જળ મળ્યું ના પ્યાસમાં થોડું વજન છે.

 .

ઊંચકી થાક્યા ખભા મારા તમારા,

પથ્થરો શી લાશમાં થોડું વજન છે.

.

( મનીષ પરમાર)

Leave a comment