સાવ કોરા કાગળ જેવી જિંદગી પર સમયે ચીતરી આપેલા તારા નામને
કોરા કાગળે ચીતર્યા કરવાનું મને ગમે
તારા નામને
ઘૂંટી-ઘૂંટીને ઘાટું તો કરું
પણ કેમેય કરીને આખું નામ એક સાથે લખાય જ નહીં…!
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ
કાગળ પર ચીતરતાં યુગો લાગે ?
તારું નામ એક પઝલ જેવું.,
જિંદગીએ દોરી આપેલી ક્રોસવર્ડ પઝલ…!
જિંદગીએ દોરી આપેલા ચોકઠા વચ્ચે
વર્ષોથી તારા નામને ઘૂંટ્યા કરું છું
અને જિંદગીના ક્રોસવર્ડ ઉકેલવાની કોશિશ કરું છું
પણ આડી-ઊભી ચાવી વચ્ચે ઉકેલાઈ જતું તારું નામ
જિંદગીના ચોકઠામાં ભરવા જાઉં કે
ચોકઠા મોટા ને મોટા થતા જાય છે
હવે
મેં ક્રોસવર્ડ ઉકેલવાનું માંડી વાળ્યું છે
અને
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ પણ
શ્વાસ ભરાઈ આવે એટલું મોટું થતું ગયું છે
એટલે જ
તારા નામને કાગળ પર ચીતરવાની હઠ મેં છોડી દીધી છે…!!
( એષા દાદાવાલા )