ધાર્યું હતું – કવિતા સિંહ

કેવું અદ્દભુત ધારેલું !

એક ધોધ, એક બગીચો, એક પહાડને

મારા તાબામાં રાખીશ, પાળીને રાખીશ

નળની ધારમાં, ફૂલદાનીમાં, કાગળની ગોઠવણીમાં

કંઈ વાંધો નહીં આવે, બધું સહજ બનશે

આવું જ કંઈક ધારેલું, કેવું અદ્દભુત !

 .

કેવી વાતો ધારેલી ! કંઈ કંઈ વિચારેલું !

એક પુરુષ, કોમળ દ્રષ્ટિ સભર, એક દીકરો,

આ બધાને પ્રેમની-ચાહનાની શક્તિએ બાંધીશ

પોતીકું સુખ, છાનુંછપનું સ્વર્ગ, શાંતિનું ઘર સહજ ઘડીશ.

આવું જ કંઈક ધારેલું,

કેવું કેવું ધારેલું !

 .

( કવિતા સિંહ, અનુ. નલિની માડગાંવકર )  

ગુમ છે – હનીફ સાહિલ

જિંદગીના ખયાલમાં ગુમ છે

તારા હિજ્રો-વિસાલમાં ગુમ છે

 .

કોણ વાંચે એ કિતાબી ચહેરો

વાંચનારા જમાલમાં ગુમ છે

 .

પુષ્પ ખિલ્યા છે શુષ્ક ડાળ ઉપર

ગામ આખું અકાલમાં ગુમ છે

 .

કોઈ બેઠા છે થઈ ઉદાસ અને

કોઈ તારા ખયાલમાં ગુમ છે

 .

કોઈ આપી શક્યું ન એનો જવાબ

શર્મથી સૌ સવાલમાં ગુમ છે

.

કોઈ રાખે હિસાબ જીવનનો

કોઈ ક્ષણ, માહો-સાલમાં ગુમ છે

.

શૈર કહે છે કમાલના સાહિલ

એટલે એ કમાલમાં ગુમ છે

.

( હનીફ સાહિલ )

ટેવ પાડો – દિનેશ કાનાણી

વાત સાચી જાણવાની ટેવ પાડો

થોડી ધીરજ રાખવાની ટેવ પાડો

 .

આ ઉદાસી દૂર કરવી છે તમારે ?

સૌની સાથે ચાલવાની ટેવ પાડો

 .

સાવ સાચું હું કહું છું, ખૂબ મળશે

થોડું થોડું આપવાની ટેવ પાડો

 .

કેટલું લઈ લીધું એ તમને ખબર છે ?

આ સમયને વાંચવાની ટેવ પાડો

 .

છે હકીકત વાંસળીના છીદ્ર જેવી

ફૂંક એમાં મારવાની ટેવ પાડો

 .

કોણ કોનું છે, ખરેખર જાણવું છે ?

દૂર અમને રાખવાની ટેવ પાડો.

 .

હું કહું છું, એ ગલત છે એ ગલત છે

તોય શાને માગવાની ટેવ પાડો ?!!

 .

( દિનેશ કાનાણી )

તે દિવસે અમે બન્ને – મન્દાક્રાન્તા સેન

હમણાં જ ઊંઘમાંથી ઊઠી,

કામિની વૃક્ષની આડશે, શરમાળ આંખે મુંઝાયેલા ચહેરે

ઈશ્વર આવીને ઊભા,

ઈશ્વર ! હા ઈશ્વર, એમને કઈ રીતે ઓળખ્યા,

એ નથી જાણતી.

ત્યારે હજુ સૂરજ પણ ઊગ્યો નહોતો,

મારા આંગણામાં તડકો ઊતર્યો નહોતો,

અજવાળું નહોતું થયું પણ અજવાળું આવું, આવું કરતું હતું

પરોઢિયાનો દેહ લજ્જાભર્યો,

એવે સમયે ઈશ્વર એકલા જ આવ્યા

મારે દરવાજે

વેરવિખેર વાળ, ચોળાયેલાં કપડાં

કેટલાંય વર્ષોનો થાક, પથરાયેલો આંખો નીચે

જોકે આવી આંખો જોઈને અચાનક

એવું લાગ્યું કે એ દેખાવડા છે

આટલું રૂપ મેં ક્યારેય જોયું નથી.

મારો આવો મુગ્ધભાવ જોઈ

એમણે ચહેરો ઝુકાવી અસ્વસ્થ થઈ,

ઉધરસ ખાવા માંડી,

ઉધરસ ખાતાં ખાતાં જ એ દરવાજા પાસે

નીચે પગથિયાં લગોલગ હળવેકથી બેસી ગયા

ત્યારે પણ સવારનું ધુમ્મસ પૂરેપૂરું વિખરાયું નહોતું

ભીંત લગોલગ ઈશ્વર અને મારી વચ્ચે

વાતચીત શરૂ થઈ

 .

એ વાતો ખૂબ ખૂબ ગમતી, મધુર, છતાં ગુપ્ત હતી,

એ બધી વાતો મેં કવિતામાં લખી નથી,

જો લખીશ તો એ મને દગાબાજ માનશે…

 .

( મન્દાક્રાન્તા સેન, અનુ. નલિની માડગાંવકર )

મૂંઝવણ – નલિની માડગાંવકર

લખતાં લખતાં અચાનક,

મારા અક્ષરોને… શબ્દોને… અર્થોને…

ઓળખવાનો પ્રયત્ન કરું છું

પણ એ તો બધા ધુમ્મસિયા બની

હાથને ઈશારે મને બોલાવતા ભાગતા જાય છે

બે આંગળીઓ વચ્ચેની ફાંકમાંથી ટપકતું જળ…

કેમ કરી સાચવું!

અમૃત સંજીવનીનું દમયંતીની હથેળીનું વરદાન

દરેક અક્ષરને વરેલું છે આ સત્ય

પચાવવું કેટલું અઘરું છે !

ખોબે ખોબે વિરામચિહ્નોને પાથરું છું,

 .

થોડા અલ્પવિરામો થોડાં આશ્ચર્યચિહ્નો

વચ્ચે ડોકાતાં પ્રશ્નાર્થો

પણ પૂર્ણવિરામ ક્યાં ?

 .

( નલિની માડગાંવકર )

તારો ઉલ્લેખ – ભાવિન ગોપાણી

જ્યારે સભામાં તારો ઉલ્લેખ નીકળે છે,

બદાલય મનનો મોસમ ને મેઘ નીકળે છે.

 .

તારા તરફનો રસ્તો જાણે કે જિંદગી હોય,

ક્યાંથી શરૂ થયો ને ક્યાં છેક નીકળે છે.

 .

મ્હેંકી ઊઠે છે શ્વાસો, ઉઘડે કિતાબને જ્યાં,

તારો મને લખેલો આલેખ નીકળે છે.

.

તારો વિચાર જણે, યોદ્ધા ખરેખરો છે,

સામાં થયાં ઘણાં પણ, એ એક નીકળે છે.

.

તું નીકળે અહીંથી તો શ્વાસ નીકળે છે,

લે નીકળી હવે તું, તો દેખ નીકળે છે…

.

( ભાવિન ગોપાણી )

તમો છો તો – દીપક બારડોલીકર

તમો છો તો નથી ચિંતાનું કારણ પણ

હથેલી પર ઉપાડી લેશું પર્વત પણ

 .

કદી એવાયે ફરકે છે અધર એના

કે સૂક્કી ડાળે ફૂટી જાય કૂંપળ પણ

.

કોઈની યાદ જાણે ભોમિયો કોઈ

કે ભટકું ત્યાં મળી જાયે મારગ પણ

 .

ઉમર-શો કો છબીલો પણ નથી રણમાં

સૂનો છે મારવીનો એક પનઘટ પણ

 .

હવે શું વાટ જોવી કોઈની ‘દીપક’

નથી જાણીતો પગરવ, કોઈ આહટ પણ

 .

( દીપક બારડોલીકર )

વ્હેતી મૂકો ગઝલ – લલિત ત્રિવેદી

જો જો કે છે ને સત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ

શું રાખવી સરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

.

લઈ એક અસલિયત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

કાગળની શું મમત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

શબ્દની હોડલી આ…હલેસાં શું મારવા…

ડૂબવાની હો જો મત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાણ…

ક્યાં આવવું પરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

જો જો વજન અહમનું હશે તો ડૂબી જશે

પહેલાં તજો તખત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

નહિંતર તો કૈં સહેલો નથી તરવો આ કાળમીંઢ

તરણાથી રાખી પત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

વાણીની સાથ સાથ ને પાણીની પેલે પાર

તરવું લઈ ગુપત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

 .

( લલિત ત્રિવેદી )

કબીરી અદાથી – આહમદ મકરાણી

જીવું છું જગતમાં ફકીરી અદાથી;

લઉં, શ્વાસ છોડું, અમીરી અદાથી.

 .

હતો, ના હતો હું, ભલે થૈ જવાનો;

વહેતો રહું છું સમીરી અદાથી.

.

જરા શોધશો મળે કૈં નિશાની;

ગયો છાપ છોડી લકીરી અદાથી.

.

‘ન તેરા, ન મેરા’-જીવું એમ સમજી,

ફિકર એ જ ફાકી કબીરી અદાથી.

.

( આહમદ મકરાણી )

રક્તસંચાર – જિજ્ઞા ત્રિવેદી

ટચસ્ક્રીન પરની થીજી ગયેલી

આંગળીઓ માટે

સારું વદન, સંવેદન ધરાવતાં

સ્પર્શને અનુભવી શકે એવા,

ભાવથી જડ અને ઉજ્જડ થયેલાં ટેરવાને…

ચેતનવંતા અને હરિયાળી કરી શકે તેવા,

પ્રેમસભર નિરંતર રક્તસંચાર કરવાનું

સામર્થ્ય ધરાવતાં,

દ્રવ્યની જરૂર છે.

આ જા.ખ. વાંચીને

નેટમાંથી સર્ચ થયેલી

કેટલીક હાઈડ, કેટલીક અનહાઈડ થયેલી,

કેટલીક ફાઈલ, કેટલીક પ્રોફાઈલ થયેલી,

કેટલીક મર્જ તો કેટલીક હેંગ થયેલી

લાગણીઓની લાઈન લાગી…

એક પછી એકનું ઈન્ટરવ્યુ લેવાયું,

બધી જ થઈ ચેક,

અને બધી જ થઈ રિજેક્ટ,

પછી છેલ્લે ટશિયા ફૂટેલી એક

અણઘડ આંગળી ઈન્ટરવ્યુમાં થઈ પાસ…

ત્યાં જ ટચસ્ક્રીન પરની ગંઠાઈ ગયેલી

આંગળી, ધબકી ઊઠી તત્કાલ !

 .

( જિજ્ઞા ત્રિવેદી )