ગીત-કિરણસિંહ ચૌહાણ

તું જે કહે એ કરું,
ઝેર પીને જીવું, કહે તો અમૃત પીને મરું !

તનમાં ખળખળ વહી રહ્યા છે લોહી કેરાં ઝરણાં,
મનમાં અવિરત દોડે છે મીઠી યાદોના હરણાં.
તેં આપ્યું એ વિકસાવીને અંતે તુજને ધરું.

જેમ તને હું ઝંખું છું એમ તુંય મને ઝંખે છે,
તોય મળાતું નથી હજી એ વાત મને ડંખે છે.
હા મળવાથી ઉત્કંઠાઓ મરી જાય…એ ખરું !

( કિરણસિંહ ચૌહાણ )

જોવા દે મને-બેન્યાઝ ધ્રોલવી

શબ્દ એનો એ જ જોવા દે મને,
ઘર ગઝલ સામે જ જોવા દે મને.

ચંદ્ર, સૂરજ છે કરામત બેઉમાં,
રાત દિવસ તેજ જોવા દે મને.

સાચવેલું વ્હાલ મૂકું પેટીમાં,
પ્રેમ દસ્તાવેજ જોવા દે મને.

પેન કાગળ લૈ કવિતા લખ હવે,
કલ્પનાનો મેજ જોવા દે મને.

ત્રાજવે ચોમાસું મૂકી જોઉં છું,
મેઘનું ય લગેજ જોવા દે મને.

મ્હેક રબની પૃથ્વી પર છે ઊતરી,
હવા આદમ બેજ જોવા દે મને.

જિંદગી ‘બેન્યાઝ’ ડૂબી સાંજના,
સૂર્ય ઢળતો સહેજ જોવા દે મને.

( બેન્યાઝ ધ્રોલવી )

ન કોઈ નિવારણ-હરકિસન જોષી

આ સ્વાસ્થ્યનું કથળવું અકારણ છે વૈદ્યજી !
એક દર્દ બીજા દર્દનું મારણ છે વૈદ્યજી !

જંગલથી જડીબુટ્ટી જરૂર શોધી લાવશે,
પશુઓને ચારનારો આ ચારણ છે વૈદ્યજી !

એ ઔષધે જ સૌને સ્વર્ગવાસી બનાવ્યા;
ટીવીમાં જેનું રોજ પ્રસારણ છે વૈદ્યજી !

ભીંજાઈ ગયા ત્યારે ખરું જાણવા મળ્યું;
વૈશાખના જ તાપથી શ્રાવણ છે વૈદ્યજી !

શું કરશો અહીં ખોલી દવાખાનું એ કહો;
મૃગજળથી છલોછલ જ્યાં ભર્યું રણ છે વૈદ્યજી !

અદ્દભુત કોઈ રોગ લઈ જીવીએ છીએ;
જેનું કદી ન કોઈ નિવારણ છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

પ્રશ્ન સનાતન-જયંતી જડિયા

વાદળોને પણ સૂર્યના તડકાનો
લાગતો હશે તાપ
એટલે
વરસાદને બહાને રડી લેતા હશે ?
વૃક્ષોને પણ પર્ણ-ફૂલો-ડાળનો
સહેવાય નહીં ભાર
એટલે
એ પાનખરની રાહ શું જોતા હશે ?
આંખમાં ઉમટેલ સાગરના તરંગો
કેટલાક કરવા સહન,
એટલે શું
અશ્રુધારા થઈ ટપકતા હશે ?

( જયંતી જડિયા )

થઈ ગયું છે-પરાજિત ડાભી

કાગળનું એક કોફિન તૈયાર થઈ ગયું છે,
અક્ષર મરી ગયા તે પુરવાર થઈ ગયું છે.

ડૂબી ગયા જહાજો સંતોને લઈ જનારા,
મડદું તરીને દરિયાની પાર થઈ ગયું છે.

એકાદ ભૂખ્યું બાળક રસ્તે મળી જવાનું,
લાખ વખત આ સપનું સાકાર થઈ ગયું છે.

હામી ભરી નહીં મેં તેની ગઝલમાં તેથી,
એનું વલણ પછીથી તલવાર થઈ ગયું છે.

વ્હેર્યા કરું કલમથી શબ્દોના ઢીમચાઓ,
સાલ્લુ દિમાગ મારું સુથાર થઈ ગયું છે.

( પરાજિત ડાભી )

ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

ભરવાડને ચિંતા નથી
તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં
ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી
વાડામાં લઈ આવે છે સાચવીને
ઘેટાં રોજ ચરવા લઈ જાય છે.
ભરવાડનો રખેવાળ કૂતરો
થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી
હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં,
માંદા તરફ ધ્યાન દોરે છે ભરવાડનું.

ને પેલો ‘સિનિયર’ ભરવાડનો કૂતરો
માનવીઓને ભૂલથી ચરવામાં ને ચરવામાં
બીજા જન્મમાં ન પહોંચી જાય તેનું ધ્યાન રાખે છે.
માનવીની ચરવાની સીમા છે આ જન્મ સુધીની.
ડાબે, જમણે, ઉપર, નીચે જતાં દૂર સુધી જઈ
બીજા જન્મમાં ભૂલથી ન પહોંચી જવાય…
ભરવાડનો રખેવાળ કૂતરો, કે ભરવાડ, બહુ કડક નથી.
પણ નિયમ એટલે નિયમ.

મને સાચવતો રખેવાળ કૂતરો પણ સતત હાંક્યા કરે છે
મારા વિચારોને, વર્તનને
ભરવાડ ખુશ છે, રખેવાળ કૂતરાના કામથી.

ભરવાડ, રખેવાળ કૂતરા અને ઘેટાંનું
સારું ચાલે છે ક્યારનું…જન્મોથી…

( સંસ્કૃતિરાણી દેસાઈ )

પ્રતીક્ષા-પંચમ શુક્લ

શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું,
ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું.

પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.

વિહિતની વેદના વચ્ચે, નિહિતની વ્યર્થતા વચ્ચે,
વચન, વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું.

તપી, નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે,
સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં છું.

જીવનસંગીત ભરપૂર પ્રેમથી માણી લીધું મિત્રો,
હૃદયકુંજે હવે હું હંસગીતની રાહ જોઉં છું.

( પંચમ શુક્લ )

તડીત : વીજળી,દામિની
વિહિત : શાસ્ત્રોક્ત
નિહિત : ત્યાજ્ય, ગુપ્ત, અનામત
વિદિત : જાણેલું/જાણીતું, જ્ઞાન, ખ્યાત
સ્મશ્રુ : દાઢીના વાળ
હંસગીત : Swan song

એક નોખું અનોખું પુસ્ત ક : ધી સિવિક કોડ

IMG-20151023-WA0032

‘‘મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, મગર મેરી પીડા સહી હૈ”

લેખક ડો. ગોરા નવીનચંદ્ર ત્રિવેદી એમના પુસ્તરક વિશે લખે છે કે મારી મેઈન સ્ટ્રીલમ બુક ‘ધ સિવિલ કોડ’ માટે છેલ્લા ૨ વર્ષથી મુદ્દા ભેગા કરતી હતી. ૫ લીગલ બુકસ લખી, પછી આર્ટીકલ્સિ-બ્લોમગ-પોસ્ટડની યાત્રા શરૂ થઈ, મજા આવતી ગઈ તેમ લખતી ગઈ. મેં એક વાત નોંધી કે એક મોટો વર્ગ દેશમાં-સમાજમાં બદલાવ ઈચ્છેત છે અને તે માટે પ્રયત્નત કરવા પણ તૈયાર છે, પણ કોણ કરે અને શું કરે તે સવાલ હોય છે મેં આ જ વિષય હાથ પર લીધો. ‘દેશ માટે-સમાજ માટે’ આપણે શું કરી શકીએ.?

આ બુકમાં મેં કોઈના વિચારો-મંતવ્યોલ નથી લીધા, ત્યાં સુધી કે મારા વિશે પણ લખવાનું ટાળ્યું છે, ‘લેખક’ નો પરિચય એટસેટરા… ફકત અને ફકત મુદ્દાની જ વાત. મારો હેતુ હતો કે તમામ ઉંમર-સમજણના લોકો વાંચે. સારો વાચક તો એક જ બેઠકે બુક પૂરી કરી શકે તેમ હોય.

દિવાળી પહેલા લોન્ચ કરવાનું ખાસ કારણ એ છે કે આપણે દિવાળીમાં મિત્રોને, કર્મચારીઓને, અધિકારીઓને, વડીલોને ગીફટ આપવામાં ઘણા કન્ફણયુઝડ હોઈએ છીએ. બુકે, મિઠાઈ, ચોકલેટ્સ‍, રોકડા કે કોઈ પણ ફોર્મલ ટીપીકલ ગીફટ એવા પણ લોકો હોય છે કે જેમને કંઈ પણ દેવુ અઘરું હોય છે. આ વખતે આ બુક લોકોને ગીફટ કરજો. ફકત મારી બુક છે એટલે નહિં. આ વાંચીને દેશ – સમાજમાં લોકો જે સારું ઉમેરી શકે તે આ દેશને-સમાજને દિવાળીની ગીફટ રહેશે.

રાજકોટવાસીઓ રાજેશ બુક સ્ટોંર, લોધાવાડ ચોક, રાજકોટનો સંપર્ક કરી શકે છે. મારા ઘરે ચા પીને બુક લઈ જવાનો વિકલ્પુ છે જ. બાકીના તમામ મિત્રો આ પુસ્તજક માટે (+૯૧) ૭૪૦૫૪૭૯૬૭૮ નો સંપર્ક કરવા જણાવ્યુંં છે.

પ્રસ્તાજવનામાં લેખક લખે છે કે આપણે ભારતના લોકો… વી ધ પીપલ ઓફ ઈન્ડિ યા… અમે ભારતના લોકો… આપણા બંધારણના સૌથી પહેલા શબ્દો . મારું ખૂબ ગમતું વાકય કે સ્લો૭ગન હું આ રીતે જ શરૂ કરવાનું પસંદ કરું. અહીં આ બુકની વાત કરીએ તો… વી ધ પીપલ ઓફ ઈન્ડિમયા એટલે આપણે ભારતના લોકો. અહીં મારે આપણી વાત કરવી છે. આપણી એટલે કે ભારતના લોકોની ! કેવા છે ભારતના લોકો? આપણે આપણા ભારત દેશ જેવા છીએ, પંચરંગી!

કયારેક આપણે તદ્દન મિડીયોકર એટલે કે મધ્યરમવાદી છીએ તો અમુક વાતોમાં આપણે અંતિમવાદી છીએ. આપણે આપણા મોરલ અને એથિકસ સમય સંજોગો પ્રમાણે બદલી નાખીએ છીએ. સારું છે કે ખરાબ તે ખબર નથી! હા, પણ એક વાત ચોક્કસ છે કે આપણે દેશપ્રેમી નથી! આ વાત જાણે સદીઓથી સાચી હતી અને આજે પણ સાચી જ છે. આ દેશના ઈતિહાસમાં ગદ્દારોની કોઈ કમી નથી. આટલા તાકાતવાળા અને આટલા વધુ સંખ્યાદમાં હોવા છતાં આપણે અનેક લોકોને આપણા પર રાજય કરવાનો મોકો આપ્યોા છે અને દુઃખની વાત તો એ છે કે આપણે ઈતિહાસમાંથી કંઈ શીખ્યાજ જ નથી.

આજે દેશ આઝાદ થયે ૭૦ વર્ષ થવા આવ્યાઅ. પણ હજુ આપણે આપણી જવાબદારી સમજતા નથી. જવાબદારી એટલે શું? તમારે અને મારે બોર્ડર પર જઈને યુદ્ધો નથી કરવાના. આપણે આપણા સમાજમાં આપણા ભાગે આવતી ફરજો જ નિભાવવાની છે, પણ….

જે દેશમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકશાહી સાચવવા ચૂંટણી થતી હોય અને ૫૦% થી ઓછું મતદાન થતુ હોય તે દેશના લોકો પાસે બીજી કઈ જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખી શકાય? લોકશાહી આપણને ખૂબ ગમે છે. કારણ આપણે આપણને વ્યાેજબી લાગે એમ વર્તી-જીવી શકીએ છીએ. પણ લોકશાહીના નિભાવ માટે મત આપવા જવા જેટલી તસ્દીે લેવા પણ આપણે તૈયાર નથી. ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે. એ કંઈ બોલીવૂડનું મુવી નથી કે જેની પ્રસિદ્ધિ-જાહેરાત-ભલામણ કરવી પડે, ભાગ લેવા લોકોને લલચાવવા-શરમાવવા-સમજાવવા પડે?

પરિવર્તન-બદલાવ-સુધારો બધાને જોઈએ છે, પણ એ માટે પોતાનો કોઈ જ ફાળો આપવો નથી, થોડા પણ શિક્ષિત લોકો ભેગા થાય એટલે ‘આ દેશમાં આ ખામી છે’ આ તકલીફ છે ની કાગારોળ શરૂ કરી દેશે. ઉગીને ઉભા થતા જુવાનીયાઓ, જેમને પોતાના વાહનનું પંચર થયેલુ ટાયર બદલતા પણ નથી આવડતુ તેમને પણ દેશ બદલી નાખવાની જરૂર છે તે ખબર પડે જ છે.

પોતાના દેશ-સમાજ કે કુટુંબને પાંચ પૈસાની મદદ ન કરી શકતો માણસ પણ દેશ કેમ ચલાવવો જોઈએ તે વિશે વિદ્વત્તાભર્યું ભાષણ આપી શકે છે.

દુનિયા બદલાઈ રહી છે અને ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આપણા પછી આઝાદ થયેલા કે ઉભા જ થયેલા દેશ આપણા કરતા ઘણા આગળ દોડવા લાગ્યાષ છે. વોર્નીંગ સિગ્નલ વાગી ગયું છે. ‘દોડો કે હારો’ આપણે બધા જ અંદરથી સમસમી ગયા છીએ કે, ‘હા ! હવે કંઈક નક્કર કરવું રહ્યું’ પણ શું? અને કોણ કરે? (યસ! શું કામ કરે? એ પ પ્રશ્ન ઘણાને હશે જ, પણ અહીં આપણે વિદ્વાનોને આરામ આપીશુ અને કર્મિષ્ઠ( લોકોની જ વાત કરીશું.)

આ દેશમાં બે વાતની મોટી ખોટ છે. એક સારા નેતૃત્વકની અને બીજી દેશદાઝની! દરેક વ્યપકિત કોઈક બીજુ સમાજ માટે કંઈક કરે એની રાહ જુએ છે.

આપણે નવું કંઈક વિચારવુ અને અમલમાં મૂકી દેવું એવો કન્સેનપ્ટા જ નથી. દરેક વાતની ચર્ચા- વિચારણા કરવી, પાંચ લોકોના મત લેવા (જેથી આપણે કામનો પ્રયત્નન કર્યો હતો એવો જવાબ આપણી જાતને આપી શકીએ અને પાંચની વાત આવશે એટલે નક્કર તો કંઈ થશે જ નહિં એટલે ચિંતાનો તો વિષય જ નથી) અને પછી બધા સર્વાનુમતે નક્કી કરે તેમ કરવુ એટલે કે ઓલમોસ્ટ્ કંઈ જ ન કરવું. નેતૃત્વવ ટાળવાના કારણોમાં સૌથી પહેલા તો પોતાની જાત પરના વિશ્વાસનો જ અભાવ છે અને બીજું આ દેશે ઉમદા નેતૃત્વાને ઈતિહાસમાં ખોટું જ પાડયુ છે. હવે શું કરીશું? ઈતિહાસ જ વાગોળતા રહીશું? ના! આજે શરૂઆત કરીએ, તમારા અને મારાથી શરૂઆત કરીએ, આપણા રસ્તાા લોકો મળે અને ટીમ બને તો ‘હરીકૃપા’ અને જો આપણે એકલું જ ચાલવાનું આવે તો ‘હરી ઈચ્છાક’. જો કે એવું થશે નહીં.

હું આ બુક લખું છું અને તમે આ બુક વાંચો છો એટલે આપણે બે તો થયા જ ને? ! એટલે હવે એકલાની વાત અહીં પૂરી થઈ. મને વિશ્વાસ છે કે તમારા અને મારા જેવા કરોડો લોકો આ દેશમાં જે ‘હકારાત્મ ક પરિવર્તન’ લાવવા માગે છે અને પોતાનો ફાળો આપવા પણ તૈયાર છે, પણ રસ્તો‘ નથી. અહીં હું મારા અવલોકન, સમજણ અને અનુભવને આધારે અમુક મુદ્દા મુકું છું. ચાલો ! અહીંથી અને આ રીતે શરૂ કરીએ

પુસ્તીક : ધ સિવિક કોડ
પાના : ૧૮૦
કિંમત : ૨૨૫ રૂ.
પ્રકાશક- :ડો. ગોરા એન. ત્રિવેદી (પી.એચ.ડી, એલ. એલ. એમ. બી.એસસી, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-, શ્રી એચ. એન. શુકલા કોલેજ ઓફ લીગલ સ્ટાડીઝ, રાજકોટ.
પ્રકાશન : શ્રદ્ધા, શ્રી રામ પાર્ક મેઈન રોડ, આરએમસી સ્વીલમીંગ પુલ, આત્મીાય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૦૨૮૧-૨૫૭૭૧૭૮- ૭૪૦૫૪ ૭૯૬૭૮-૮૯૮૦૦ ૯૨૨૫૫)

એષણા-ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કોને કહેવાય છુપા ઘાવ બકા
હું બતાવું નજીક આવ બકા

સ્પર્શ સિંચી કરું સજીવન હું
તારો આ મૃત હાથ લાવ બકા

ઘરને દુનિયાથી ડિસકનેક્ટ કરે
એવડી ભીંત ના ચણાવ બકા

ઓરડો એકલો ઝૂરી મરશે
એક બે બારીઓ મુકાવ બકા

એ જ વેળા લખોટી ખૂટે છે ?
જ્યારે આવે છે મારો દાવ બકા

એના મૂળમાં જ એનું મારણ છે
એને મૂળમાંથી તું ખોદાવ બકા

એમાં ઊતરી તરસ છીપાવ બકા
મારી ભીતર છે એક વાવ બકા

( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )

વ્યથા સમો-સાહિલ

સરેઆમ સત્ય મરી ગયું-હું રહી ગયો છું પ્રથા સમો,
અને બાણશય્યા પર શ્વસુ છું અજર-અમરશી વ્યથા સમો.

હું બળેલા ખેતરે ઊભો છું હજી ચાડિયાના લિબાસમાં,
ભલે હોઉં ઠામડું ખાલીખમ છતાં હું સફરમાં ભથા સમો.

નથી અંશ મારા વિચારનો મળ્યો કોઈનાયે વિચારથી,
હું ઉતારી મુખવટા ઊભો છું-આ નગરના ચોકે તથા સમો.

સહુની હથેળીમાં એકલપણાના જ શ્રાપ લખાયા છે,
અહીં શૂન્યતામાં સરી રહેલો હરેક જણ છે જથા સમો.

મને ખુદને પણ હજી ઓળખી શક્યો અંશભારેય ક્યાં કદી,
મળ્યા લાખ લાખ જનમ છતાં-છે હરેક અધૂરી કથા સમો.

છે ચરણ ઘૂંટીડૂબ ધૂળમાં-અને દ્રષ્ટિ આભની પાર છે,
હું પરાસ્ત હોઉં તો શું થયું-હું નથી નમેલા મથા સમો.

ગઈ કાલ ‘સાહિલ’જે હતો-છું એ જ સાહિલ આજ પણ,
આ સમય રહ્યો છે વિખેરતો-છતાંયે રહ્યો છું યથા સમો.

( સાહિલ )