તેઓ ક્યાંય જતા નથી…………

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

જેઓ પંચતત્વમાં લીન થયાં છે તે ક્યાંય ગયાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ તમારી સાથે જ છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.
ને દુ:ખ-દર્દ સમેટી લઈ પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.
તો તો કલકલતા ઝરણાંમાં ને ખળખળતી સરીતાઓમાં વહી ગયાં છે,
ને પ્રશાંત મહાસાગરમાં નિદ્રાધીન થઈ ગયાં છે.
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
ઘરમાં, ખેતરમાં કે અડાબીડ ભીડમાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર છે.
તેઓ તો આવનારી પેઢીઓમાં ને માતાના ધાવણમાં છે.
તેઓ તો મંદ સમીર રૂપે હળુહળુ થતા તરુવરમાં ઝૂમી રહ્યાં છે.
ને લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યાં છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો અગ્નિકુંડમાંથી દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,
આપણે આંગણે તુલસીક્યારે ઝળહળે છે
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
તેઓ તો પંચતત્વ રૂપે આપણી આસપાસ જ રહે છે.
એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.
એટલે જ તો તેઓ ક્યાંય જતાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ આપણી સાથે જ રહે છે.

( અજ્ઞાત કવિ, મૂળ અંગ્રેજી, મુક્તાનુવાદ : બકુલા ઘાસવાલા )

પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી

સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે
જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ
રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે

નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે
અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

અલગ છે પ્રેમની ભાષા ચતુરાઈ ન ચાલે ત્યાં
ઠગે તારું જ તુજને છળ, પછી ત્યાં સહી કરી દેજે

સદીની ઊપજે અહીંયા મળ્યાં છે શ્વાસ થીજેલાં
મળે સંવેદનાની કળ, પછી ત્યાં સહી કરી દેજે

અગર છે ડૂબવાની વાત તો કિનાર શા માટે
મળે મઝધારનું જો તળ, પછી ત્યાં સહી કરી દેજે

( પ્રજ્ઞા વશી )

જીવને કાંઠે-એસ. એસ. રાહી

જીવને કાંઠે મને લાવી દીધો,
સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો

આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું
રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો

તે પછી તો શાંત થઈ ગઈ એ નદી
જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો

સાંભળી જો મેં કથા એકલવ્યની
ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો

રાતભર પીવડાવી હેતલ ચાંદની
એક માણસને મેં બહેકાવી દીધો.

ભર અષાઢે રાખતી’તી દૂર તું
આ ઉનાળે પ્રેમ વરસાવી દીધો ?

હું નિવાસી કોલસાની ખાણનો
કેમ ‘રાહી’ને તેં ચમકાવી દીધો ?

( એસ. એસ. રાહી )

નથી પૂરા થતા-મનીષ પરમાર

રાતના પાના નથી પૂરા થતા,
આંસુઓ છાના નથી પૂરા થતા.

એ શમા બળતી રહી છે રાતભર,
તોય પરવાના નથી પૂરા થતા.

કેટલા જન્મોથી ચાલ્યા આવતા,
દર્દ એ ઘાના નથી પૂરા થતા.

છેક છેલ્લા શ્વાસ લગ છોડે નહીં,
પ્રેમ દીવાના નથી પૂરા થતા.

વારતા ચાલ્યો અધૂરી મૂકીને,
મર્મ હોવાના નથી પૂરા થતા.

( મનીષ પરમાર )

કોણ છે તું ?-હનીફ સાહિલ

રોજ બારીમાં ઊભે, કોણ છે તું ?
રાહ કોની જુએ છે, કોણ છે તું ?

મારો પડછાયો બનીને ચાલે,
મારી સાથે જ રહે, કોણ છે તું ?

શ્વાસમાં આવજાવની ઘટના
તું જ રગરગમાં વહે, કોણ છે તું ?

તું જ ચાહત છે તું જરૂરી છે
તું જ વગર કંઈ ન ગમે, કોણ છે તું ?

સત્ય તું, શિવ તું ને સુંદર તું
તું જ કણકણમાં વસે, કોણ છે તું ?

તું જ શબ્દોનું કરે આયોજન
ને પછી રૂપ ધરે. કોણ છે તું ?

તું કહે એમ કરે છે સાહિલ
તું લખાવે તે લખે, કોણ છે તું ?

( હનીફ સાહિલ )