સાહિબ, ભેદ જરા સમજાવો-નીતિન વડગામા

સાહિબ, ભેદ જરા સમજાવો.
મનની મરુભૂમિને ખેડી ચપટીક સમજણ વાવો.

કયા જનમને પુણ્યે પૂગ્યા અમે તમારે પાદર ?
કેમ કરીને પાર અમે આ કીધા સાત સમંદર ?

કયા કરમને કારણ અઢળક વ્હાલ તમે વરસાવો ?
સાહિબ, ભેદ જરા સમજાવો.

અંધારી રાતે અણદીઠા મારગમાં અટવાતાં.
મુકામ મળતાવેંત અમે તો ભીનાંભીનાં થાતાં.

સૂને આંગણ આવી લીલાં તોરણ કાં બંધાવો ?
સાહિબ, ભેદ જરા સમજાવો.

( નીતિન વડગામા )

સાહિબ, સૌને સરખા વ્હાલા-નીતિન વડગામા

સાહિબ, સૌને સરખા વ્હાલા.
સોહે સૌને કંઠે વ્હાલની એ વૈજયંતી માલા.

જગ આખાને ચાહીચાહી કરતાં રહે રૂપાળું.
એને પગલે ધગધગતું રણ થઈ જાતું હરિયાળું.

સકળ વિશ્વમાં વ્હેંચાતા એ થઈને પ્રેમ-પિયાલા.
સાહિબ, સૌને સરખા વ્હાલા.

આમ વસે છે શ્વાસશ્વાસમાં, આમ રાખતાં દૂરી.
કૂવાકાંઠે તરસ્યા રહીએ, એ કેવી મજબૂરી !

ઝાંખી કરવા જીવ પળેપળ કરતો કાલાવાલા.
સાહિબ, સૌને સરખા વ્હાલા.

( નીતિન વડગામા )

સાહિબ, જબરું એક ઉખાણું-નીતિન વડગામા

સાહિબ, જબરું એક ઉખાણું.
કૈંક યુગોથી પૂરેપૂરું ક્યાંય નથી સમજાણું.

કમળપાંદડી માફક એ તો રહે સદાયે જળમાં
સૂરજ થઈ ઓળખ અળપાવે જાણે કે વાદળમાં.

પીડાને પણ પોંખે એ સમજીને ગમતું ગાણું.
સાહિબ, જબરું એક ઉખાણું.

જોજન છેટા રહીને પણ એ સૌનાં સુખ-દુ:ખ જાણે.
પળભરમાં એ દૂધ અને પાણીનો ભેદ પિછાણે.

ભરવૈશાખે સ્વયં બને સૌની શાતાનું થાણું.
સાહિબ, જબરું એક ઉખાણું.

( નીતિન વડગામા )

ખબર ના રહી-દિવ્યા સોની “દિવ્યતા”

SketchGuru_20160127231218

શું વાત થઇ ખબર ના રહી;
શું સમય થયો ખબર ના રહી !
દુ:ખ વહેંચ્યા, સુખ બમણા કર્યા ,
દિલના ભાર કેમ કરતા હળવા કર્યા ?
ખબર ના રહી !
ના ઝંખ્યા કદી એમને,
ના એમના નામના કદી દીવડા કર્યા.
તોય દરેક શ્વાસે એમના માટે,
કેમ બસ દુઆ જ નીકળી ?
ખબર ના રહી !
ના રીસાયા ના મનાવ્યા કદીયે,
તોય મનના ખુણાઓ,
મિત્રો કેમ ક્યારે ભરતા ગયા?
મને ખબર ના રહી !

( દિવ્યા સોની “દિવ્યતા” )

સાહિબ, સંભાળે છે બાજી-નીતિન વડગામા

સાહિબ, સંભાળે છે બાજી
એક ઈશારે અટકી જાતી સઘળીયે તારાજી.

પામર જીવ કરે છે સાચા-ખોટા કંઈ સરવાળા !
થાય આગિયાથી તો કેવળ પળભરનાં અજવાળાં !

ઊઘડતી બારી જ આખરે હવા લાવતી તાજી.
સાહિબ, સંભાળે છે બાજી.

એક જ દિશા દેખાડે, પાછાં એ જ હલાવે હોડી.
જાય નહીં એ ક્યાંય જીવને અધવચ્ચે તરછોડી.

મુકામ મળતાંવેંત જીવ થઈ જાતો રાજીરાજી !
સાહિબ, સંભાળે છે બાજી.

( નીતિન વડગામા )

આકાશ-પ્રીતમ લખલાણી

દિવાનખાનાની
દીવાલે ઝુલતા ચિત્રમાં
એક ડાળની બીજી ડાળ વચ્ચેના
ભુરા આકાશમાં હરખભેર ઉડતા પોપટે
એક સવારે
બારીએ ચૂપચાપ
સોનાને પીંજરે હીંચકતા પોપટને પૂછ્યું ?
અરે ! ભલા દોસ્ત,
તારી પાસે શું નથી ?
કેવું મજાનું સોને મઢેલું પીંજરું ?
વળી એમાં હીરાજડિત થાળીમાં સ્વાદિષ્ટ ફળો
અને પીવા પાસે જળથી છલોછલ રૂપાનો લોટો
ને’ એમ છતાં તું
દિવસ આખો નિસાશા નાખતો
કેમ મને એકીટશે જોયા કરે છે…?
આ સાંભળીને સોનાને પીંજરે હીંચકતા પોપટે
દુ:ખી મને
એકવાર આકાશ સામે જોયું
અને પછી મનની પછેડી ખોલી,
દોસ્ત !
મારી પાસે બધું હોવા છતાં
તારી પાસે જે આકાશ છે !
તે મારા ભાગ્યમાં ક્યાં છે ?

( પ્રીતમ લખલાણી )

प्रचार-इमरोज़

मैं आपका कल का
प्रचार सुनकर आई हूं
कल आप ने कहा था
कि आपका ग्रंथ औरत की इज्जत करता है
पर आप के ग्रंथ को मानने वाले
हर रोज अपनी औरतों के साथ
हर तरह की बदतमीजियां किये जा रहे हैं
प्रचार और असलियत में इतना फासला ?
जिन्दगी ने प्रचारक के पास बैठकर
उसे कहा

प्रचारक का जिन्दगी के साथ
इस तरह का वास्ता नहीं पडा होगा
वह चुपचाप सुनता भी रहा और चुप भी रहा…

जिन्दगी ने फिर पूछा
अपने ग्रंथ में देख कर बताइये
कि इस में ये वाक्य कहीं है
कि औरत हमारी ईज्जत है…

प्रचारक ग्रंथ पर झुक कर
घंटो ग्रंथ को देखता रहा
पर वह वाक्य नहीं मिला उसे…
प्रचारक को चुप सा देख कर
जिन्दगी वहां से उठ आई…

औरत हमारी इज्जत है
ये वाक्य जिन्दगी के लिए
जिन्दगी में जरुरी है
किसी ग्रंथ के लिए नहीं…
( इमरोज़ )

ત્રણ કાવ્યો-પન્ના

(૧)
પહેલાં
હું હતી રેતી.
કોઈ અઢેલવા જતું
તો ઢળી પડતું ઢગલો થઈને.
હવે હું છું
એક ખડક,
તોફાનનાં મોજાં
અથડાઈ અથડાઈને
ચૂરેચૂરા થઈ જાય એવો.
અહ્વાન છે
મને અઢેલવાનું…

(૨)
હું એકલી
અને
મને ભીંસતું
જીરવાય નહીં એવું
છકેલી પૂનમનું
આલિંગન..

(૩)
પાનખરમાં
વૃક્ષ પરથી પાંદડાં
ખર ખર ખરીને
ધબ્બ દઈને
જમીન પર પડતાં નથી.
પાંદડાં તો
વૃક્ષને આવજો કહેતાં કહેતાં
ઝર ઝર ઝરીને
પવન પખવાજે
નૃત્ય કરતાં કરતાં
બેલેરિનાની જેમ
હળવેથી મૂકતાં હોય છે પગલાં ધરતી પર…

( પન્ના નાયક )

સાહિબ…-નીતિન વડગામા

સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.
રણમાં જાણે મીઠાં જળની વાવ મજાની ગાળી !

એના એક અખેપાતરને રોજેરોજ ઉલેચે.
વણમાગ્યે પણ સૌને સઘળું હોંશેહોંશે વહેંચે.

બારેમેઘ થઈને કેવા વરસે છે વનમાળી !
સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.

એને આંગણ ના રહેતા કંઈ કોઈ કદીયે ઊણાં.
દીવાને અજવાળે મઘમઘ થાતા ખૂણેખૂણા.

ઓઢીને એ ખુદ થઈ જાતા એક કામળી કાળી.
સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.

( નીતિન વડગામા )

કલ્પતરુની છાયા-નીતિન વડગામા

સાહિબ, કલ્પતરુની છાયા,
સંકેલે છે સઘળી સૌની મનોરથોની માયા.

સેવે છે સૌ સાંજ-સવારે મનગમતા મનસૂબા.
આપોઆપ જ અજવાળાંથી ભરાઈ જાતા કૂબા.

ઈચ્છાઓનો દરિયો તરવા કાં થાતાં રઘવાયા !
સાહિબ, કલ્પતરુની છાયા.

એક જગાએ ઊભા હોયે તોયે પંથ કપાતો.
ટેકો દેવા કોઈ અગોચર હાથ સતત લંબાતો.

પગથી માથા લગ ડૂબ્યા છે, એ જ ખરા રંગાયા.
સાહિબ, કલ્પતરુની છાયા.

( નીતિન વડગામા )