ત્રણ કાવ્યો-પન્ના

(૧)
પહેલાં
હું હતી રેતી.
કોઈ અઢેલવા જતું
તો ઢળી પડતું ઢગલો થઈને.
હવે હું છું
એક ખડક,
તોફાનનાં મોજાં
અથડાઈ અથડાઈને
ચૂરેચૂરા થઈ જાય એવો.
અહ્વાન છે
મને અઢેલવાનું…

(૨)
હું એકલી
અને
મને ભીંસતું
જીરવાય નહીં એવું
છકેલી પૂનમનું
આલિંગન..

(૩)
પાનખરમાં
વૃક્ષ પરથી પાંદડાં
ખર ખર ખરીને
ધબ્બ દઈને
જમીન પર પડતાં નથી.
પાંદડાં તો
વૃક્ષને આવજો કહેતાં કહેતાં
ઝર ઝર ઝરીને
પવન પખવાજે
નૃત્ય કરતાં કરતાં
બેલેરિનાની જેમ
હળવેથી મૂકતાં હોય છે પગલાં ધરતી પર…

( પન્ના નાયક )

2 thoughts on “ત્રણ કાવ્યો-પન્ના

Leave a comment