ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

૧.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ—
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો.

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છો છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

૨.
તમે જ્યારે ક્રોધથી લાલપીળા
થઈ જાઓ છો ત્યારે
પશુ બની જાઓ છો.

ક્રોધ કરવો સરળ છે
પરંતુ તે સ્થિતિમાં
તમે કેટલો વખત રહી શકશો ?
ક્રોધની બહાર તો આવવું જ પડશે.

કોઈ પણ વ્યક્તિ સતત ક્રોધની
સ્થિતિમાં ન રહી શકે.

તમે જ્યારે તે સ્થિતિમાંથી
નૈસર્ગિક સ્થિતિમાં પાછા આવશો
ત્યારે પહેલાં કરતાં પણ
વધુ નખાયેલા, વધુ વિષાદગ્રસ્ત હશો.

એવી કોઈ વ્યક્તિ નહિ મળે, જેણે
ક્રોધ કર્યા બાદ પસ્તાવો ન કર્યો હોય,
કે-આ મેં શું કર્યું ?’

( ઓશો )

કીડી-પ્રીતમ લખલાણી

૧.
રાતી
કીડીનું
પગેરું શોધવા
કાળી કીડી
ભટકે
સફેદ ખાંડની
ઢગલીમાં.

૨.
શબ્દને
શ્વેત કાગળ પર
શિસ્તબદ્ધ
હારમાં ઊભેલ જોઈ,
સાકરના કણને
રેઢો મૂકી
કીડી
એક શબ્દને છેવાડે
આશ્ચર્યચિહ્ન સમી
ઊભી રહી ગઈ !


બારાખડીના
અક્ષરે
કીડીને
કાનમાં
એવું તે શું કહ્યું હશે
કે
દેશી હિસાબમાં
ફેરફુદરડી ફરવાનું
ભૂલીને
તે
ચટકા ભરતી થઈ ગઈ !

૪.
કીડી
એટલે
ચૂપચાપ
ખોવાઈ ગયેલ
ક્ષણનું
એક પગલું !

( પ્રીતમ લખલાણી )

ચાર રચનાઓ-ચિનુ મોદી

૧.
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચંદ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

૨.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બ્હીઘેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

૩.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

૪.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા.

( ચિનુ મોદી )

ઝાંઝર-ચિનુ મોદી

હું
રણકાવું ત્યારે રણકવાનું
ઝણકાવું ત્યારે ઝણકવાનું
આમ
જાતે જાતે રણઝણવાનું નહીં
સમજ, સમજ; તું ઝાંઝર છે.
હું કહું :
“બસ, બહુ થયું.”
એટલે મંત્રમુગ્ધ કરતા
તારા ઝંકાર
તારે સમેટી લેવાના, શું ?
હું
રિસાઈને કોપભવનમાં હોઉં
કે
ભરી ભીડથી છૂટવા
એકદંડિયા મ્હેલમાં હોઉં
ત્યારે, જાતે જાતે ઝણકીને, મને
ખલેલ પહોંચાડવાની નહીં-
અબે, તું ઝાંઝર છે
પગમાં પહેરેલું રહે, માથે ચડી ના બેસ.

( ચિનુ મોદી )

કુલદીપ કારિયા

Kuldeep Karia

કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે દિવ્યભાસ્કર દૈનિકમાં સબ-ઍડિટર તરીકે (૨૦૦૯ થી ૨૦૧૧), મીડ-ડેમાં સિનિયર સબ-ઍડિટર તરીકે (૨૦૧૧ થી ૨૦૧૨), ગુજરાત સમાચારમાં સબ-ઍડિટર તરીકે (૨૦૧૨ થી ૨૦૧૩) કામ કરેલ છે. વચ્ચે તેમણે અભિયાન મૅગેઝિનમાં રિપોર્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૩ થી જુન ૨૦૧૩) પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાજકોટ ખાતે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત છે. કવિ કુલદીપ કારિયાએ સાહિત્ય સર્જનનો પ્રારંભ માત્ર તેર વર્ષની ઉંમરે કર્યો હતો. ૨૦૧૩માં તેમની ગઝલ (ઝાટક્યો પલંગ ત્યાં તરત બ્હાર નીકળ્યા, ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા) પહેલી વાર ગુજરાતના પ્રશિષ્ટ સામાયિક ‘નવનિત સમર્પણ’ માં પ્રકાશિત થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની રચનાઓ નિયમિતપણે ગુજરાતના શિષ્ટમાન્ય સામાયિકો શબ્દસૃષ્ટી, ગઝલવિશ્વ, કવિલોક, કવિતા વગેરેમાં પ્રકાશિત થતી આવી છે. તેમણે કવિતાના ગીત, ગઝલ અને અછાંદસ જેવા કાવ્યપ્રકારોમાં કામ કર્યુ છે. નવેમ્બર ૨૦૧૫માં તેમણે સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ‘યંગ રાઈટર ફેસ્ટિવલ’માં ગુજરાતી ભાષાના પ્રતિનિધી તરીકે કાવ્યપાઠ કરેલ છે.

મો. નં. 9409404796
E-Mail ID: kuldeepkaria@gmail.com